ગોપનું મંદિર | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ગોપનું મંદિર | |||||||||||||||||||||
અન્ય નામો | ગોપ સૂર્ય મંદિર | ||||||||||||||||||||
સામાન્ય માહિતી | |||||||||||||||||||||
પ્રકાર | મંદિર | ||||||||||||||||||||
સ્થાન | ઝીણાવારી, જામજોધપુર તાલુકો, જામનગર જિલ્લો, ગુજરાત | ||||||||||||||||||||
દેશ | ભારત | ||||||||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 22°1′43″N 69°55′44″E / 22.02861°N 69.92889°E | ||||||||||||||||||||
ઉંચાઇ | ૨૩ ફીટ | ||||||||||||||||||||
Designations | રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-133) | ||||||||||||||||||||
|
ગોપનું મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું પ્રાચીન મંદિર છે. તે આશરે ઇ.સ. ૫૭૫-૬૫૦ના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે.[૩] તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોનો પ્રભાવ ધરાવે છે. આ મંદિરમાં ગર્ભગૃહ ચોરસ છે જેની આજુબાજુ બેવડા ચોગાનો આવેલા છે. તે વિશિષ્ટ પ્રકારનું શિખર ધરાવે છે.
તે વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું છે. ગોપ શિખર પર ગોપેશ્વર અથવા ગોપનાથ તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે. શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. ઝીણાવારી ગામ નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય છે, જે ઘુમલીની ઉત્તર દિશામાં આવેલું છે.[૪][૫]
આ પ્રાચીન મંદિર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં સૌથી જુનું હયાત એવું પથ્થરનું બનેલું મંદિર ગણાય છે.[૩][૪][૬][૭][૭] તેનો સમય જોકે વિદ્વાનોમાં વિવાદાસ્પદ છે. સૌથી વધુ સંભવિત સમય ૬ઠ્ઠી સદીના અંત ભાગ (મૈત્રકકાળ) થી ૭મી સદીનો પ્રથમ અડધો ભાગ પરંતુ જુનાગઢની ઉપરકોટની ગુફાઓ કરતા પહેલા ગણવામાં આવે છે.[૮][૯][૧૦][૪] આ મંદિર ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક છે અને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-133) છે.
આ મંદિર સાથે ગોપી અને કૃષ્ણની લોકકથા જોડાયેલી છે.[૬]
મંદિરનું પ્રાંગણ ચોરસ ગર્ભગૃહ અને બેવડા ચોગાનો ધરાવે છે. શિખર વિશિષ્ટ પ્રકારનું ચોરસ છે. ગર્ભગૃહ અંદર થી ૧૦ ફીટ ૯ ઇંચ માપ ધરાવે છે. તે ૨૩ ફીટ ઊંચી અને ૨ ફીટ ૬ ઇંચ જાડી દિવાલો ધરાવે છે. આ દિવાલો કોઈપણ સજાવટ વગરની છે અને કાટખૂણે ૧૭ ફીટ ઊંચાઇ ધરાવે છે અને પછી તે ભેગી થઇને પિરામિડ આકારનું શિખર રચે છે. તેની દિવાલો યોગ્ય રીતે બાંધવામાં આવી છે. દરેક ખાંચો ૮ ઇંચ ઉંડો છે અને કાળજીપૂર્વક જોડાયેલો છે. આ રીતે તે કોઇ પણ પ્રકારના સિમેન્ટ વગર બંધાયેલ છે. તળિયાથી ૧૧ ફીટના અંતરે, આગળની પાછળની દિવાલો પર ૧૪ ઇંચના ચાર છિદ્રો અને બાજુની દિવાલો પર ૬ નાના છિદ્રો આવેલા છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. આગળની દિવાલ પડી ગઇ છે અને અંદરની બાજુએથી ફરી બાંધવામાં આવી છે, જે આંતરિક પથ્થરોને જકડી રાખતી દર્શાવે છે. દરવાજાની ડાબી બાજુએ એક શિલાલેખ આવેલો છે, જે યોગ્ય રીતે ઉકેલી શકાતો નથી. તે કદાચ બ્રાહ્મી લિપિની સ્થાનિક આવૃત્તિ છે.[૧૦][૪][૧૧][૮][૫][૧૨]
મંદિરનું શિખર છ અથવા ૭ ખૂણાઓ સાથે ચોરસ બાજુઓ ધરાવે છે અને છેલ્લી ટોચ એક જ ભાગ વડે આવરિત છે. તેનો આંતરિક ભાગ પોલો છે. બહારની બાજુથી તેના ચોખ્ખા ત્રણ ભાગ પડે છે. સૌથી નીચેના ભાગમાં દરેક બાજુએ ચૈત્ય બારી આવેલી છે અને સૌથી ઉપરના ભાગમાં એક બારી છે. ટોચ પર એક સળંગ પથ્થર છે. આ ચૈત્ય બારીઓ પર મૂર્તિઓ આવેલી છે. પશ્ચિમ બાજુએ ગણેશજીની મૂર્તિ સ્પષ્ટ જોઇ શકાય છે અને ઉત્તરની બાજુએ એક દેવ મૂર્તિ છે. ૨.૫ ફીટના છિદ્રો થાંભલાઓને આધાર આપવા માટે આવેલા છે, જે વડે પહેલા અંદરના પ્રાંગણની છતને આધાર અપાતો હશે.[૧૦][૪][૧૧][૧૨]
બે પ્રાંગણોમાં અંદરનું પ્રાંગણ મોટાભાગે ખંડિત છે. તે ૩૫ ફીટ ૨ ઇંચના ચોરસ વિસ્તારનું તેમજ પૂર્વ બાજુથી ૧૮ ફીટ ૪ ઇંચ x ૭ ફીટ ૩ ઇંચનો ભાગ ધરાવતું હતું. તે કદાચ મંદિરની પરિક્રમા કરવા માટે બનાવાયું હશે તેમ મનાય છે.[૭] તેનો પાયાનો ભાગ ચારે બાજુથી શણગારાયેલો હતો. આ ભાગ મોટાભાગે ભગવાનની નાની મૂર્તિઓ ધરાવતો હતો. બહારનું પ્રાગંણ ૯.૫ ફીટ પહોળું હતું. તે કદાચ ખૂલ્લું હશે એવું મનાય છે.[૧૦][૪][૧૧][૧૨][૮]
મંદિરના ગર્ભગૃહમાં પીળા પથ્થરોથી બનેલી બે મૂર્તિઓ છે. તે ચોક્કસપણે કોની છે તે નક્કી થઇ શક્યું નથી. સ્થાનિક લોકોમાં તે રામ અને લક્ષ્મણ મનાય છે. રામની મૂર્તિ પર મુકુટ છે, જ્યારે લક્ષ્મણની મૂર્તિ પર નાનો મુકુટ, લાંબા કુંડળો, વીંટી અને જમણા હાથમાં ભાલો પકડેલો છે.[૧૦][૪] કેટલાક ઇતિહાસકારો વડે આ મૂર્તિ વિષ્ણુ અને સ્કંદની છે તેમ નક્કી કરાયું છે. કેટલાક એવું માને છે કે તે સૂર્યની મૂર્તિ છે.[૫] આ સ્થાન શૈવ સંપ્રદાય સાથે પણ સંકળાયેલું છે.[૬][૧૨]
આ મંદિર નાગર શૈલીનું એક અસામાન્ય સ્થાપત્ય ધરાવે છે. તે પાટ્ટડકલ અને ઐહોલેના શરૂઆતી દ્રવિડ મંદિરો સાથે સામ્યતા ધરાવે છે. તે છતની ગોઠવણી અને અંદરના પ્રાગંણની બાહ્ય દિવાલોમાં કાશ્મીરના મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.[૧૩] આવા મંદિરોમાં માર્તંડનું સૂર્યમંદિર, પાંડરેથાન અને પાયાર મંદિરોનો સમાવેશ થાય છે, જોકે તેઓ બધાં ૮મી સદી કરતાં જૂનાં છે. આ મંદિર પર ગાંધાર સ્થાપત્યનો પ્રભાવ છે, જે કુશાન સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતીય પરંપરા હતી, જે કદાચ બૌદ્ધો સિંધથી કાઠિયાવાડમાં લાવ્યા હશે જેનો કાશ્મીરી સ્થાપત્ય પર પણ પ્રભાવ છે. ગુપ્ત સમયના મંદિરોની જેમ, આ મંદિરનો પાયો ઉંચો અને ચોરસ છે અને પૂર્વ દિશામાં મુખ ધરાવે છે, પરંતુ પાયો વધુ ઉંચો છે અને મોટા પથ્થરોથી બનેલો છે, જે સ્થાનિક લાક્ષણિકતા દર્શાવે છે.[૭][૧૪] આ મંદિર જૂનાગઢની ઉપરકોટની ગુફાઓની જે ચૈત્ય બારીઓ ધરાવે છે. પરંતુ તેનો વેદિકા તરીકેનો ઉપયોગ થયો નથી, જેથી તે પાછળથી ઉમેરવામાં આવી હશે. મિરપુર ખાસના કાહુ-જો-દરો શિલ્પ ગોપ મંદિરના શિલ્પો જોડે સમાનતા ધરાવે છે. ૪થી અને ૫મી સદીનું હોવાથી ગોપ મંદિર કદાચ આ સમયગાળાના સમાન હોઇ શકે છે.[૧૦][૪] મંદિરની આજુબાજુ મળેલા લાલ માટીના વાસણો પરથી તે પશ્ચિમી સત્રપ સમયગાળાનું હોઇ શકે છે. મંદિરના લાકડાના મોભની રેડિયોકાર્બન વય મંદિર ઇ.સ. ૫૫૦નું હોવાની ખાત્રી કરે છે.[૬][૧૨]