ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદાલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર ચિત્રકોટનો ધોધ (જળ પ્રપાત) આવેલો છે. સમીક્ષકોએ આ જળ પ્રપાતને આનંદ અને આતંકના મેળાપ તરીકે ઓળખાવ્યો છે. ૯૬ ફુટ (૨૯ મીટર) ઊંચાઇએથી ઉપરથી નીચે ઇન્દ્રાવતી નદીની ઓજસમય ધારા ગર્જના કરતી કરતી પડે છે.[૧] એના ધોધમાં ઇન્દ્રધનુષનું મનોરમ દૃશ્ય, આહ્લાદક લાગે છે. આ બસ્તર વિસ્તારનો સૌથી મુખ્ય જળપ્રપાત માનવામાં આવે છે. જગદલપુર શહેરથી નજીકના અંતરે આવેલું હોવાને કારણે આ સ્થળ એક મહત્વના જોવાલાયક સ્થળ અને ઊજાણી મથકના રુપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યું છે. એના ઘોડાની નાળ સમાન મુખ હોવાને કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે.