તંત્રી | ભરત ઘેલાણી |
---|---|
પૂર્વ સંપાદક | હરકિસન મહેતા (૧૯૫૮-૧૯૯૮) |
વર્ગ | સમાચાર સાપ્તાહિક |
આવૃત્તિ | સાપ્તાહિક |
સ્થાપક | વજુ કોટક, મધુરી કોટક |
પ્રથમ અંક | ૧૯૫૦ |
ભાષા | ગુજરાતી મરાઠી |
વેબસાઇટ | https://chitralekha.com/ |
ચિત્રલેખા એ એક ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું જાણીતું અને લોકપ્રિય સાપ્તાહિક છે. ચિત્રલેખા અઠવાડિકનો પહેલો અંક ઇ.સ. ૧૯૫૦માં એ સમયના અગ્રગણ્ય પત્રકાર વજુ કોટક દ્વારા મુંબઇ ખાતેથી બહાર પડ્યો હતો. આ સામાયિકના સહસ્થાપક મધુરી કોટક અને માર્ગદર્શક તરીકે પ્રખ્યાત લેખક તેમ જ સાહિત્યકાર હરકિસન મહેતા હતા.
ચિત્રલેખામાં સમાચાર, સાંપ્રત ઘટનાઓ, સંસ્કૃતિ જેવા વિષયો પર લેખો ઉપરાંત ઝલક, વાહ ભાઈ વાહ, શબ્દોની સોનોગ્રાફી, જસ્ટ એક મિનિટ, દેશ-દુનિયા, કાર્ડિયોગ્રામ, દુનિયાને ઊંધા ચશ્માં, હેલ્થ-હેલ્પલાઇન, ધારાવાહિક નવલકથા તેમ જ મુખવાસ જેવી નિયમિત કટારો માણવા મળે છે. આ પૈકીની હાસ્ય લેખની શ્રેણી દુનિયાને ઊંધાં ચશ્માં પર આધારિત ટીવી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પણ ખુબ જ લોકપ્રિય નિવડી છે.
માર્ચ, ૨૦૦૯માં પ્રમાણે આ સામાયિકના તંત્રીપદે ભરત ઘેલાણી અને ચેરમેન મૌલિક કોટક છે. ચિત્રલેખાનું મુખ્ય કાર્યાલય મુંબઇ, મહારાષ્ટ્ર માં ૬૨, વજુ કોટક માર્ગ ખાતે આવેલું હતું, જે પાછળથી અંધેરીમાં ખસેડાયું હતું.
૨૦ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચિત્રલેખા સામયિક પર એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવેલ છે. જેમાં તેના સ્થાપક વજુ કોટકની છબી પણ જોવા મળે છે.[૧][૨]