ચિરંજીવી (સંસ્કૃત: चिरंजीवी) એ હિન્દુત્વ અનુસારના પ્રદીર્ઘ આયુષ્ય ભોગવનાર વ્યક્તિ વિશેષો પૈકીનો એક છે. તેને અગ્રેજીમાં Chiranjeevin તરીકે લખવામાં આવે છે. આ શબ્દ બે શબ્દો જોડીને બનેલો છે. "ચિર" (લાંબુ) અને "જીવી" (જીવનાર). આ શબ્દને ઘણી વાર ખોટી રીતે અમરત્વ તરીકે સમજવામાં આવે છે.
આ સિવાય અનેક અન્ય વ્યક્તિત્વને પણ ચિરંજીવી કહેવાયા છે. જેમકે જાંબવંત. જોકે હિંદુ વિચારધારામાં 'અમર' નો અર્થ 'શાશ્વત' કરવામાં નથી આવતો. પ્રલય સમયે સૃષ્ટિના રચયિતા બ્રહ્મા સહિત બધુંજ વિલય પામે છે.[૧] શાશ્વત તો માત્ર ત્રિમૂર્તિના વિષ્ણુ અને શિવ (પરમ બ્રહ્મના રૂપ), શેષનાગ અને ચાર વેદ જ છે.
એક સૃષ્ટિના અંતે અર્થાત એક કલ્પનાં પૂર્ણ થતાં અને બીજાની શરૂઆત થતાં હયગ્રીવ નામના અસુરે બ્રહ્માના મુખમાંથી સરી પડેલા વેદોને ગળી જવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિષ્ણુ ભગવાને મત્સ્ય અવતાર લઈ તેમને પુન:સ્થાપિત કર્યાં. વિષ્ણુએ હિરણ્યકશિપુ અને રાવણ જેવા અન્ય અસુરોનો પણ સંહાર કર્યો, જેમણે દેવોના વરદાન દ્વારા અમર બનવાનો પ્રયત્ન કર્યો.
એક અન્ય હયગ્રીવની કથા અનુસાર હયવ્રીવ (ઘોડાના માથાવાળો)ને અન્ય હયગ્રીવ જ મારી શકે. અસુર હયગ્રીવોએ ત્રણે લોકમાં આતંક મચાવ્યો હતો. કોઈક રીતે ઊંઘમાં વિષ્ણુનું માથું અલગ થઈ ગયું, જેને ઘોડાના માથા વડે જોડવામાં આવ્યું હતું. આમ તેઓ હયગ્રીવનો અંત આણી શક્યાં.