Choudhry Rahmat Ali | |
---|---|
چودھری رحمت علی | |
![]() ચૌધરી રહમત અલી | |
જન્મની વિગત | ગઢશંકર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત | 16 November 1897
મૃત્યુ | 3 February 1951 કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ | (ઉંમર 53)
નોંધપાત્ર કાર્ય | "પાકિસ્તાન ઘોષણાપત્ર" |
ચૌધરી રહમત અલી (૧૬ નવેમ્બર ૧૮૯૭ – ૩ ફેબ્રુઆરી ૧૯૫૧) એક પાકિસ્તાની રાષ્ટ્રવાદી હતા જે પાકિસ્તાનની રચનાના પ્રારંભિક સમર્થકોમાંના એક હતા. દક્ષિણ એશિયામાં અલગ મુસ્લિમ વતન માટે "પાકિસ્તાન" નામ આપવાનો શ્રેય તેમને આપવામાં આવે છે અને સામાન્ય રીતે તેઓ પાકિસ્તાન ચળવળના પ્રણેતા તરીકે ઓળખાય છે.[૧][૨][૩][૪]
રહમત અલીનું મુખ્ય યોગદાન ૧૯૩૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થી હતા ત્યારે તેમણે જાહેર કરેલી એક પત્રિકા "નાઉ ઓર નેવર; આર વી ટુ લિવ ઓર પેરીશ ફોરએવર ?" છે જેને "પાકિસ્તાન ઘોષણાપત્ર" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પત્રિકા લંડનમાં ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજર રહેલા બ્રિટિશ અને ભારતીય પ્રતિનિધિઓને સંબોધવામાં આવી હતી. આ વિચારોને લગભગ એક દાયકા સુધી પ્રતિનિધિઓ અથવા કોઈ રાજકારણીઓની તરફેણ મળી ન હતી. તેમના આ વિચારોને વિદ્યાર્થીઓના વિચારો તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા. પરંતુ ૧૯૪૦ સુધીમાં ઉપખંડમાં મુસ્લિમ રાજકારણ દ્વારા તેમના વિચારોને અનુમોદન આપવામાં આવ્યું હતું, જેના કારણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનો લાહોર ઠરાવ થયો હતો, જેને તરત જ પ્રેસમાં "પાકિસ્તાન ઠરાવ" તરીકે ઓળખવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની રચના બાદ રહમત અલી એપ્રિલ ૧૯૪૮માં ઈંગ્લેન્ડથી પાછા ફર્યા હતા અને દેશમાં રહેવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને વડા પ્રધાન લિયાકત અલી ખાને તેમને દેશ બહાર હાંકી કાઢ્યા હતા. ઓક્ટોબર ૧૯૪૮માં રહમત અલી ખાલી હાથે ઇંગ્લેન્ડ પાછા ફર્યા હતા અને ૩ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ કેમ્બ્રિજમાં નિરાધાર અને એકલવાયી હાલતમાં તેમનું અવસાન થયું હતું.[૫] તેમના અંતિમ સંસ્કારનો ખર્ચ ઇમેન્યુઅલ કોલેજ, કેમ્બ્રિજ દ્વારા તેના માસ્ટરની સૂચનાથી કરવામાં આવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી ૧૯૫૧ ના રોજ કેમ્બ્રિજ સિટી કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.
રહમત અલીનો જન્મ નવેમ્બર ૧૮૯૭માં બ્રિટિશ ભારતમાં પંજાબના હોશિયારપુર જિલ્લાના બાલાચૌર શહેરમાં પંજાબી ગુર્જર પરિવારમાં થયો હતો.[૬] ૧૯૧૮માં ઇસ્લામિયા કોલેજ, લાહોરમાંથી સ્નાતક થયા બાદ તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે પંજાબ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ૧૯૩૦માં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા જ્યાં ૧૯૩૧માં તેમણે ઇમેન્યુઅલ કોલેજ કેમ્બ્રિજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ૧૯૩૩માં બીએ અને ૧૯૪૦માં એમએ ની ડિગ્રી મેળવી હતી. ૧૯૩૩માં તેમણે એક પત્રિકા "નાઉ ઓર નેવર; આર વી ટુ લિવ ઓર પેરીશ ફોરએવર ?" પ્રકાશિત કરી હતી, જેમાં પહેલી વાર પાકિસ્તાન શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.[૭] ૧૯૪૬માં તેમણે ઈંગ્લેન્ડમાં પાકિસ્તાન રાષ્ટ્રીય ચળવળની સ્થાપના કરી હતી. ૧૯૪૭ સુધી તેમણે દક્ષિણ એશિયા માટેના તેમના વિઝન વિશે વિવિધ પુસ્તિકાઓ પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારતના ભાગલા દરમિયાન થયેલી સામૂહિક હત્યાઓ અને સામૂહિક સ્થળાંતરને કારણે તેમનો મોહભંગ થયો હતો. તેઓ ભાગલા દરમિયાન થયેલી હિંસા માટે બન્ને દેશો વચ્ચેની સીમા વહેંચણીની ખામીઓને જવાબદાર માનતા હતા.
અલીના લખાણો, મોહમ્મદ ઇકબાલ અને અન્ય લોકો ઉપરાંત, પાકિસ્તાનની રચના માટે મુખ્ય ઉત્પ્રેરક હતા. તેમણે બંગાળ વિસ્તારમાં મુસ્લિમ વતન માટે "બાંગિસ્તાન" અને ડેક્કન (દક્ષિણ)માં મુસ્લિમ વતન માટે "ઓસ્માનિસ્તાન" નામ આપ્યું હતું. તેમણે વિવિધ ધર્મોના દક્ષિણ એશિયાના નામ તરીકે દિનિયાનું સૂચન પણ કર્યું હતું.[૮][૯]
૧૯૩૨માં અલી ૩ હમ્બરસ્ટોન રોડ પર આવેલા કેમ્બ્રિજના એક મકાનમાં રહેવા ગયા હતા. આ ઘરના એક રૂમમાં જ તેણે પહેલી વાર 'પાકિસ્તાન' શબ્દ લખ્યો હોવાનું કહેવાય છે. પાકિસ્તાન શબ્દના પ્રયોજન સંબંધિત અનેક અહેવાલો છે. એક મિત્ર અબ્દુલ કરીમ જબ્બારના જણાવ્યા અનુસાર, આ નામ ત્યારે આવ્યું જ્યારે અલી ૧૯૩૨માં રહમત અલી તેમના મિત્રો પીર અહેસાન-ઉદ-દીન અને ખ્વાજા અબ્દુલ રહીમ સાથે થેમ્સ કિનારે ચાલતા હતા. અલીની સેક્રેટરી મિસ ફ્રોસ્ટના જણાવ્યા અનુસાર, લંડનની બસની સવારી કરતી વખતે તેમને આ વિચાર આવ્યો હતો.[૧૦]
સર મોહમ્મદ ઇકબાલે જણાવ્યું હતું કે રહમત અલી ૧૯૩૦ માં પ્રથમ ગોળમેજી પરિષદ માટે ત્યાં હતા ત્યારે લંડનમાં તેમની મુલાકાત લીધી હતી અને તેમને પૂછ્યું હતું કે તેમણે અલ્હાબાદમાં પ્રસ્તાવિત મુસ્લિમ રાજ્યની સરકારને શું કહેશે. ઇકબાલે તેમને કહ્યું કે તે તેને પ્રાંતોના નામ પર આધારિત સંક્ષિપ્ત શબ્દ તરીકે "પાકિસ્તાન" કહેશે.[૧૧]
૨૮ જાન્યુઆરી, ૧૯૩૩ના રોજ અલીએ "નાઉ ઓર નેવર; શીર્ષક વાળી પત્રિકામાં આ વિચાર વ્યક્ત કર્યો હતો.[૧૨] ભારતના પાંચ ઉત્તરીય એકમો એટલે કે પંજાબ, ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત (અફઘાન પ્રાંત), કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન નો ઉલ્લેખ કરતાં તેમણે 'પાકસ્તાન' શબ્દ પ્રયોજ્યો હતો.[૧૩][૧૪] ઉચ્ચારણને સરળ બનાવવા માટે (અફઘાન-એ-સ્તાનની જેમ) એક આઇ ઉમેરવામાં આવ્યો હતો[૧૫] અને ૧૯૩૩ના અંત સુધીમાં 'પાકિસ્તાન' લોકબોલીમાં પ્રચલિત બની ગયો હતો. અલીએ એમ પણ લખ્યું હતું કે આ પછી "અફઘાનિસ્તાન, ઇરાન અને તુખારિસ્તાનના ત્રણ મુસ્લિમ 'એશિયન' વતન સાથે પુનઃએકીકરણ" કરવામાં આવશે, જે પશ્ચિમ એશિયા સાથે ઉત્તરપશ્ચિમ ભારતના રાજકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણનો સંદર્ભ રહેશે.[૧૬]
ત્યાર પછીના એક પુસ્તકમાં અલીએ વ્યુત્પત્તિશાસ્ત્રની વધુ વિગતવાર ચર્ચા કરી હતી.[૧૭] 'પાકિસ્તાન' એ પર્શિયન અને ઉર્દૂ બંને શબ્દ છે. તે આપણા તમામ દક્ષિણ એશિયાના વતનના નામોમાંથી લેવામાં આવેલા શબ્દોથી બનેલો છે; એટલે કે પંજાબ, અફઘાનિયા, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન. તેનો અર્થ પાકની ભૂમિ અર્થાત – આધ્યાત્મિક રીતે શુદ્ધ અને સ્વચ્છ થાય છે.
ઇતિહાસકાર અકીલ અબ્બાસ જફિરીએ દલીલ કરી છે કે "પાકિસ્તાન" નામની શોધ કાશ્મીર પત્રકાર ગુલામ હસન શાહ કાઝમીએ ૧ જુલાઈ, ૧૯૨૮ના રોજ કરી હતી જ્યારે તેમણે એબોટાબાદમાં સરકાર સમક્ષ એક સાપ્તાહિક અખબાર "પાકિસ્તાન" પ્રકાશિત કરવાની મંજૂરીની માંગ કરતી અરજી રજૂ કરી હતી. આ કદાચ પહેલી વાર હતું, ઉપખંડમાં પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે ગુલામ હસન શાહ કાઝમીએ તેમના અખબાર માટે આ નામ અપનાવ્યું તેના ૫ વર્ષ બાદ ચૌધરી રહમત અલી ૧૯૩૩માં પાકિસ્તાન તરીકે સ્વતંત્ર મુસ્લિમ રાજ્યનું નામ સૂચવતા હતા.[૧૮][૧૯]
રહમત અલીની પત્રિકામાં તેમના સૂચિત 'પાકસ્તાન'ના મુસ્લિમોને 'રાષ્ટ્ર' તરીકે વર્ણવવામાં આવ્યા હતા, જેણે પાછળથી અખિલ ભારતીય મુસ્લિમ લીગના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો રચ્યો હતો. અલી નું માનવું હતું કે પ્રથમ અને બીજી ગોળમેજી પરિષદોના પ્રતિનિધિઓએ અખિલ ભારતીય ફેડરેશનના સિદ્ધાંતને સ્વીકારીને 'અક્ષમ્ય ભૂલ અને અવિશ્વસનીય વિશ્વાસઘાત' કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે ઉત્તર-પશ્ચિમ એકમોના ૩૦ મિલિયન મુસ્લિમોના રાષ્ટ્રીય દરજ્જાને માન્યતા આપવામાં આવે અને તેમને અલગ સંઘીય બંધારણ આપવામાં આવે.[૨૦]
અલીના જીવનચરિત્રકાર કે. કે. અઝીઝ લખે છે, "રહમત અલીએ એકલા આ ઘોષણાપત્રનો મુસદ્દો તૈયાર કર્યો હતો, જેમાં 'પાકિસ્તાન' શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[૨૧]
અલીએ ઘણી પત્રિકાઓ પ્રકાશિત કરી હતી જ્યાં તેમણે પોતાને "પાકિસ્તાન રાષ્ટ્રીય ચળવળના સ્થાપક" તરીકે સૂચિબદ્ધ કર્યા હતા, આ પત્રિકાઓમાં અલીએ ઉપખંડના વિવિધ નકશાઓ ઉમેર્યા હતા જેમાં સંભવિત નામો હતા જે નવા સૂચિત રાષ્ટ્ર પાસે તેમના મતે હોઈ શકે છે. હૈદરિસ્તાન, સિદ્દિકિસ્તાન, ફારુકિસ્તાન, મુઇનિસ્તાન, મેપલિસ્ટન, સફિસ્તાન અને નાસારિસ્તાન આમાંના કેટલાક નામ હતા.[૨૨] શ્રીલંકાના નકશા પર સફીસ્તાન અને નાસારિસ્તાન રાષ્ટ્રોની દરખાસ્ત કરવામાં આવી હતી.[૨૩]
તેમના નકશામાં તેમણે ભારતીય ઉપખંડનું નામ બદલીને 'પાકેશિયા' રાખ્યું હતું અને ઘણી વાર 'દિનિયા' તરીકે નામ આપ્યું હતું. દિનિયાનું પ્રતિનિધિત્વ પાકિસ્તાન, ઓસ્માનિસ્તાન (હૈદરાબાદ ડેક્કન અને પડોશી વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે) અને બાંગિસ્તાન (બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે) સાથે કરવામાં આવ્યું હતું. તેમણે પૂર્વ ભારતના પૂર્વ મુસ્લિમ પ્રાંતો પૂર્વ બંગાળ અને આસામને બંગાળી, આસામી અને બિહારી ભાષી મુસ્લિમો માટે સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય બાંગિસ્તાન બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.[૮][૯] તેમણે હૈદરાબાદ રજવાડા ને ઓસ્માનિસ્તાન નામની ઇસ્લામિક રાજાશાહી બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અલીએ ભારતીય ઉપખંડની આસપાસના સમુદ્રોનું નામ પણ બદલી નાખ્યું હતું, અને દિનિયાના જમીનસમૂહની આસપાસના સમુદ્રોને બાંગિયન, પાકિયન અને ઓસ્માનિયન સમુદ્ર તરીકે ઉલ્લેખ કર્યો હતો જે અનુક્રમે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર માટે તેમના સૂચિત નામ હતા.[૨૨][૨૩]
ઉપખંડના આ વૈકલ્પિક ભૌગોલિક નકશાઓ પછી ચૌધરી રેહમત અલીના "સિદ્દિકિસ્તાન, નાસરીસ્તાન અને સફીસ્તાન રાષ્ટ્રીય ચળવળોના સ્થાપક" તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[૨૨]
કેમ્બ્રિજ યુનિવર્સિટીના રહમત અલીના સમકાલીન મિયાં અબ્દુલ હકે જણાવ્યું હતું કે, ૧૯૩૫ પછી, નાઝી કૃતિઓના અભ્યાસને પરિણામે રહેમત અલીની વિચારધારા બદલાઈ હતી.[૨૪]
ચૌધરી રહમત અલી પાકિસ્તાનની કલ્પના માટેના અગ્રણી વ્યક્તિ હતા, છતાં તેમનું મોટાભાગનું જીવન ઇંગ્લેન્ડમાં વીત્યું હતું. ૧૯૪૭માં ભાગલા અને પાકિસ્તાનના સર્જન બાદ રહમત અલી ૬ એપ્રિલ ૧૯૪૮ના રોજ પાકિસ્તાનના લાહોર પરત ફર્યા હતા. લાહોર પહોંચ્યા પછીથી જ તેઓ પાકિસ્તાનની રચના સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. ૧૯૩૩ની પત્રિકામાં તેમણે કલ્પના કરી હતી તેના કરતા નાના પાકિસ્તાનથી તેઓ નાખુશ હતા.[૨૫] તેમણે ઝીણાને નાના પાકિસ્તાનને સ્વીકારવા બદલ વખોડી કાઢ્યા હતા, તેમને "ક્વિસ્લિંગ-એ-આઝમ" (ગદ્દાર-એ-આઝમ) ગણાવ્યા હતા.[૨૬][upper-alpha ૧]
તેમણે દેશમાં રહેવાની યોજના બનાવી હતી, પરંતુ તત્કાલીન વડા પ્રધાન લિયાકત અલી ખાને તેમને પાકિસ્તાનની બહાર હાંકી કાઢ્યા હતો. તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને ઓક્ટોબર ૧૯૪૮માં તેઓ ખાલી હાથે ઈંગ્લેન્ડ જવા રવાના થયા હતા.[૨૮]
રહમત અલીનું ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ કેમ્બ્રિજમાં અવસાન થયું હતું.થેલ્મા ફ્રોસ્ટના મતે, મૃત્યુ સમયે તેઓ "નિરાધાર, લાચાર અને એકલા" હતા.[૫] તેમને ૨૦ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડના કેમ્બ્રિજમાં કેમ્બ્રિજ સિટી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.[૨૯] અંતિમ સંસ્કારનો ખર્ચ અને અન્ય તબીબી ખર્ચ નવેમ્બર ૧૯૫૩માં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત દ્વારા ચૂકવવામાં આવ્યા હતા.[૩૦]