જયશંકર ભોજક 'સુંદરી' | |
---|---|
જયશંકર સુંદરી (જમણે) ૩૧ માર્ચ, ૧૯૫૭ના રોજ નવી દિલ્હીમાં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ્સની પ્રસ્તુતિ વખતે મામા વારેરકર (ડાબે) અને સી. જી. કોલ્હાટકર (કેન્દ્ર) સાથેની વાતચીતમાં | |
જન્મની વિગત | જયશંકર ભૂધરદાસ ભોજક 30 January 1889 ઊંઢાઈ (તા. વડનગર), વડનગર, ગુજરાત |
મૃત્યુ | 22 January 1975 | (ઉંમર 85)
અન્ય નામો | જયશંકર 'સુંદરી' |
વ્યવસાય | રંગભૂમિ અભિનેતા અને દિગ્દર્શક |
સક્રિય વર્ષો | ૧૮૯૭ – ૧૯૩૨ (અભિનય), ૧૯૪૮ – ૧૯૬૪ (દિગ્દર્શન) |
પ્રખ્યાત કાર્ય | સૌભાગ્ય સુંદરી (૧૯૦૧) |
જયશંકર ભૂધરદાસ ભોજક (૩૦ જાન્યુઆરી ૧૮૮૯, ૨૨ જાન્યુઆરી ૧૯૭૫) જેઓ જયશંકર 'સુંદરી' તરીકે જાણીતા છે, ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક હતા.
તેમનો જન્મ ભોજક બ્રાહ્મણ કુટુંબમાં,[૧][૨] ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ના રોજ વિસનગર નજીક ઉઢાઇમાં થયો હતો.[૩]
તેમનું કુટુંબના સભ્યો નાટક અને ગાયન કલા સાથે જોડાયેલા હતા. તેમણે બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નાટક અને ગાયનની તાલીમ તેમણે તેમના દાદા, ત્રિભુવનદાસ પાસેથી મેળવી હતી જેઓ ઉસ્તાદ ફકરુદ્દીનના શિષ્ય હતા. પંડિત વાડીલાલ નાયક પાસેથી પણ તેમને તાલીમ મળી હતી.[૪][૫]
ઇ.સ. ૧૯૦૧માં ૧૨ વર્ષની ઉંમરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી'માં મહિલાની સર્વત્તમ ભૂમિકા કરી અને તેઓ 'ભોજક'ના બદલે 'સુંદરી' નામે ઓળખાયા. ૧૮૯૭માં તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કલકત્તાની ઉર્દૂ નાટક મંડળીમાં જોડાઈ ને કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૦૧માં છોટાલાલ કાપડિયાના મુંબઈ ગુજરાતી નાટક મંડળમાં જોડાયા. ગુજરાતીની સાથે તેમણે હિંદી અને ઉર્દૂ ભાષાના નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમણે નાટકોમાં મુખ્યત્વે સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી કારણકે તે સમયે નાટકોમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઇ હતી.[૪][૫]
મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના 'ઓથેલો' પર આધારિત નાટક 'સૌભાગ્ય સુંદરી'માં તેમણે ડેસ્ડેમોના પાત્રને "સુંદરી" તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને 'સુંદરી' ઉપનામ મળ્યું હતું.[૬] બાપુલાલ નાયકની સાથે તેમણે અનેક મુખ્ય સ્ત્રી પાત્રો ભજવ્યા હતા. બાપુલાલ નાયક સાથે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર, નૃસિંહ વિભાકર અને મુળશંકર મુલાણીના નાટકો ભજવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું.[૪][૫]
૧૯૪૮થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરમાંથી નાટકશાળા 'નાટ્યમંડળ'નો જન્મ થયો હતો.. દલપતરામના નાટક 'મિથ્યાભિમાન' વડે તેમણે લોકકલા ભવાઈને પુન:જીવિત કરી હતી. ૧૯૫૩માં તેમણે 'મેના ગુર્જરી' જેવા નાટકો વડે ભવાઈ અને બેઇજિંગ ઓપેરા જેવી કળાનું મિશ્રણ કર્યું હતું.[૪][૫]
તેમનું અવસાન ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વિસનગરમાં થયું હતું.[૪][૫]
૧૯૫૧માં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. ૧૯૫૭માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રેસિડેન્ટ એવોર્ડ' એનાયત કર્યો હતો, જે હવે 'સંગીત નાટક અકાદમી એવોર્ડ' તરીકે ઓળખાય છે.[૭] ૧૯૬૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૭માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ ૧૯૭૧માં એનાયત કર્યો હતો.[૪][૫]
તેમની આત્મકથા 'થોડાં આંસુ, થોડાં ફૂલ' ચાર વર્ષના સમયગાળામાં આંશિક લખાયેલી અને આંશિક તેમના પુત્ર દિનકર ભોજક અને સામાભાઇ પટેલને કહીને લખાયેલી છે. આ આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વની છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર પહોંચાડી છે તેનો ખ્યાલ તેમાંથી આવે છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાટક’ ત્રીજો પુરુષ એકવચન પદ્ધતિએ લખાયું છે. તે ૧૯૭૬માં પ્રકાશિત થઇ હતી. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટસના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૮] ૧૯૮૯માં સંવર્ધિત આવૃત્તિ સાથે તેનું પુન:મુદ્રણ થયું હતું.
ઇ.સ. ૨૦૦૨માં તેમની આત્મકથા હિંદીમાં 'કુછ આંસુ, કુછ ફૂલ' તરીકે દિનેશ ખન્ના દ્વારા અનુવાદ કરવામાં આવી હતી જે 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' એ પ્રકાશિત કરી હતી.[૯] ૨૦૧૧માં તે અંગ્રેજીમાં 'Some Blossoms, Some Tears' શીર્ષક હેઠળ અનુવાદિત થઇ હતી.[૧૦][૧૧][૧૨]
અમદાવાદમાં એક નાટ્યગૃહને તેમની યાદમાં 'જયશંકર 'સુંદરી' નાટ્યગૃહ' નામ આપવામાં આવ્યું છે.[૧૩]
વડનગર, ઉત્તર ગુજરાતમાં આવેલું ભવાઈ ગવર્નમેન્ટ મ્યુઝિયમ તેમના કાર્યોનું પ્રદર્શન ધરાવે છે.[૧૪]
મોરબીના કલા મંદિર દ્વારા જયશંકર સુંદરીનું તૈલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રના કલા મંદિરના સભાખંડમાં મૂકવામાં આવ્યું હતું.[૧૫]
સુંદરી : એન એક્ટર પ્રિપેર્સ તેમની આત્મકથા પર આધારિત ૧૯૯૮માં પ્રદર્શિત નાટક હતું.[૧૧]