જરાસંધ

મગધ નરેશ જરાસંધ એક બળવાન રાજા હતો. તે મગધ નરેશ બૃહદ્રથનો પુત્ર અને કંસનો સસરો હતો. તે ભગવાન શિવનો ભક્ત હતો. મહાભારતમાં યાદવકૂળ સાથે તેનો તિવ્ર વિરોધ અને અંતે ભીમસેન દ્વારા વધની કથા જાણીતી છે.

જન્મની કથા

[ફેરફાર કરો]

મગધ દેશના બૃહદ્રથ રાજાને કંઈ સંતાન ન હતું. તે રાજપાટ છોડી વનમાં ગયો. ત્યાં તેણે ગૌતમ વંશના ઋષિ ચંડકૌશિકને અનેક રત્નો ભેટ ધર્યાં. મુનિએ પ્રસન્ન થઈ રાજાને અભિમંત્રિત આમ્રફળ (કેરી) આપ્યું. એ રાજાને બે રાણી હતી. તે બે બહેનોએ અરધું અરધું ફળ વહેંચી લીધું. તેને લીધે તેમને ગર્ભનું અકેકું અરધિયું સાંપડ્યું. એ અરધિયાં ધાવે બહાર ફેંકી દીધાં. તે લઈ જવાં સહેલા પડે એટલા માટે જરા નામની રાક્ષસીએ સરખાઈમાં ગોઠવ્યાં. તે જ ક્ષણે જોડાઈ તેનું એક શરીર બની ગયું. જરાએ સાંધ્યાથી તે જરાસંઘ કહેવાયો.[]

વધની કથા

[ફેરફાર કરો]


યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણ, અર્જુન અને ભીમે બ્રાહ્મણને વેષે તેના દરબારમાં જઇ દ્વંદ્વયુદ્ધની ભિક્ષા માગતાં તે ભીમ સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતર્યો હતો. ભીમ અને જરાસંઘનું યુદ્ધ અહોરાત્ર તેર દિવસ સુધી ચાલ્યું હતું. પછી ચૌદમે દિવસે ભીમે જરાસંઘને પકડીને ચીરી નાખ્યો. પણ એ પાછો સંધાઈ ગયો અને લડવા તૈયાર થયો. એટલામાં કૃષ્ણે એક સળેકડું હાથમાં લીધું અને તેને ચીરી નાખી જમણા હાથનું ડાબી તરફ ફેંકી અને ડાબા હાથનું જમણી તરફ ફેંકી ભીમસેનને સૂચના કરી. ભીમસેન સમજી ગયો અને સૂચના પ્રમાણે જરાસંધને ચીરી એનું જમણું અંગ ડાબી તરફ અને ડાબું અંગ જમણી તરફ ફેંકી દીધું તેથી એ ફરી સંધાયો નહિ. જરાસંધ પછી કૃષ્ણે એના પુત્ર સહદેવને ગાદીએ બેસાડ્યો.[]

સંદર્ભો અને નોંધ

[ફેરફાર કરો]
  1. "ભ.ગો.મં". મૂળ માંથી 2021-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-13.
  2. "ભ.ગો.મં". મૂળ માંથી 2021-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-13.
  • મહાભારત. ગીતા પ્રેસ, ગોરખપુર.