જસુબેન શિલ્પી | |
---|---|
જન્મની વિગત | ૧૦ ડિસેમ્બર ૧૯૪૮[૧] |
મૃત્યુ | January 14, 2013[૨] | (ઉંમર 64)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | કાંસ્ય શિલ્પકાર |
વેબસાઇટ | જસુ શિલ્પી અધિકૃત સાઈટ |
જસુબેન શિલ્પી અથવા જસુ શિલ્પી[૩] (૧૦ ડિસેમ્બર ૧૯૪૮ – ૧૪ જાન્યુઆરી ૨૦૧૩) એક ભારતીય કાંસ્ય શિલ્પ કલાકાર હતા. તેમની કારકિર્દીમાં તેમણે ૫૨૫ થી વધુ બાવલાના કદની (સ્ટબ સાઈઝ) અને ૨૨૫ મોટા કદની મૂર્તિઓ બનાવી હતી. તેઓ "ધ બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા" તરીકે લોકપ્રિય હતા.[૪]
પોતાની કારકિર્દીમાં જસુબેને બાવલાના કદની (સ્ટબ સાઈઝ) અને ૨૨૫ મોટા કદની કાંસાની મૂર્તિઓ બનાવી હતી. તેમની કૃતિઓમાં મોહનદાસ કરમચંદ ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ અને વલ્લભભાઈ પટેલ વગેરે વ્યક્તિઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ જેવા ભારતીય રાજ્યોમાં તેમની શિલ્પ રચનાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરેલા કરાર હેઠળ સંખ્યાબંધ મૂર્તિઓ બનાવી હતી જે સમગ્ર શહેરમાં ફેલાયેલી છે.[૨] મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની તેમણે ઘડેલી ઊભા કદની કૃતિઓ ફ્લોરિડા યુનિવર્સિટી, જેક્સનવિલે, શિકાગો અને સિટી ઑફ ચાર્લોટ, નોર્થ કેરોલિનામાં આવેલી છે.[૪]
૧૪ જાન્યુઆરી ૨૦૧૩ ના દિવસે હૃદયરોગના ગંભીર હુમલા બાદ જસુબેનનું અવસાન થયું હતું. [૨] મૃત્યુ સમયે તેઓ ૬૪ વર્ષના હતા અને તેમને ધ્રુવ અને ધારા નામે બે બાળકો હતા જેઓ પણ શિલ્પકાર છે. તેના અંતિમ દિવસોમાં તેઓ અમિતાભ બચ્ચનની કાંસ્ય પ્રતિમા બનાવવામાં વ્યસ્ત હતા. તેમના મૃત્યુને કારણે તે કામ અધૂરું રહ્યું.[૨]
જસુબેનની કૃતિઓના પ્રશંસક સ્નેહલ જાદવાણીએ તેમના મૃત્યુ પછી કહ્યું - "તે હંમેશા અમારા હૃદયમાં રહેશે."[૨]
તેમની કારકિર્દીમાં, જસુબેને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો મેળવ્યા. તેઓ "ધ બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા" તરીકે લોકપ્રિય હતા. ૨૦૦૫ માં, ઘોડા પર સવાર રાણી લક્ષ્મીબાઈને દર્શાવતી કાંસ્ય પ્રતિમા માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ઉમેરવામાં આવ્યું હતું.[૪]
શિલ્પકાર ધનંજય મુધોલકરે જસુબેન વિશે કહ્યું - "તે દેશની કેટલીક મહિલા શિલ્પકારોમાંની એક હતી, જેમના કાર્યને વ્યાપક સ્વીકૃતિ અને ખ્યાતિ મળી."[૨]