જામીની રોય | |
---|---|
જન્મની વિગત | બેલિયાતોર, બાંકુડા જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારત | 11 April 1887
મૃત્યુની વિગત | 24 April 1972 | (ઉંમર 85)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | ચિત્રકામ |
ખિતાબ | પદ્મભૂષણ (૧૯૫૪) |
જામીની રોય (૧૧ એપ્રિલ ૧૮૮૭ – ૨૪ એપ્રિલ ૧૯૭૨) પ્રખ્યાત ભારતીય ચિત્રકાર હતા. તેઓ રવિન્દ્રનાથ ટાગોરના પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ પૈકીના એક હતા. કલાત્મક મૌલિકતા અને ભારતમાં આધુનિક કલાના ઉદ્ભવમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું. ૧૯૫૪માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ દેશનો ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
જામીની રોયનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૮૭ના રોજ પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાના બેલિયાતોર ગામમાં એક જમીનદાર પરિવારમાં થયો હતો.[૧]તેમનો ઉછેર એક કલાપ્રેમી મધ્યમવર્ગીય પરિવારમાં થયો જે તેમના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થયું.[૨] સોળ વર્ષની ઉંમરે કલકત્તાની ગવર્મેન્ટ આર્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અવનીન્દ્રનાથ ટાગોર તે સમયે સંસ્થાના ઉપ આચાર્ય હતા. અહીં તેઓએ પરંપરાગત ચિત્રશૈલી અને તૈલચિત્રો વિશે પ્રશિક્ષણ મેળવી ૧૯૦૮માં લલિતકલામાં ડિપ્લોમાની પદવી મેળવી.
ચિત્રકલાના તેમના અનુભવોની સાથે જ તેમને ઝડપથી અનુભવ્યું કે પશ્ચિમી શૈલીની નહિ પરંતુ પોતાની સંસ્કૃતિની પ્રેરણા લેવાની જરૂર છે. પરીણામે તેમની કલાદૃષ્ટી જીવિત લોકો અને આદિવાસીઓ તરફ ઢળી. તેઓ કાલીઘાટ ચિત્રકલાથી સૌથી વધુ પ્રભાવિત હતા. ૧૯૨૧ થી ૧૯૨૪ના ગાળામાં રોયે તેમના શરૂઆતના પ્રભાવશાળી પ્રાકૃતિક દૃષ્યો અને પોર્ટ્રેટથી અલગ સંથાલ નૃત્ય સંબંધિત પ્રયોગોની શરૂઆત કરી.
રોયે પોતાની કારકિર્દીની શરૂઆત એક વ્યાવસાયિક ચિત્રકાર તરીકે કરી હતી પરંતુ ૧૯૨૦ના દશકની શરૂઆતમાં જ તેમણે પોતાની આગવી શૈલીની ખોજ માટે આ કામ છોડી દીધું.[૩] રોયે પોતાની એકેડેમિક પશ્ચિમી પ્રશિક્ષણ શૈલી બદલીને બંગાળી લોકપરંપરાઓ પર આધારીત એક નવીન શૈલીને ચિત્રબદ્ધ કરી.[૪]
રોયે પોતાના જીવનકાળ દરમિયાન દૈનિક લગભગ દસ ચિત્રોની સરેરાશથી વીસ હજારથી પણ વધુ ચિત્રોનું ઉત્પાદન કર્યું હતું આથી તેમને એક કલા યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિત્રોની આટલી મોટી સંખ્યા છતાં પણ તેમના કામની ગુણવત્તા અને કલાત્મક ઉદ્દેશ સમાન રહ્યા. તેમની કલાનું મુખ્ય લક્ષ્ય સાધારણ મધ્યમ વર્ગનું રહ્યું. મધ્યમવર્ગ પ્રત્યેના કલાસંબંધને ધ્યાનમાં રાખીને તેમણે મહત્ત્વપૂર્ણ વિચારો પર ચિંતન કર્યું. તેમનું માનવું હતું કે સરકાર કરતાં સામાન્ય માણસો વધુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે તેમનો કલાધ્વનિ છે.[૫]
લોકજીવનમાં નિહિત સાદગીના સારને નિરૂપિત કરવો, કલાને વ્યાપક વર્ગ માટે સુલભ બનાવવી અને ભારતીય કલાને ઓળખ આપવી એ તેમની અંતર્નિહિત શોધના ત્રણ સ્તરો હતા. રોયના ચિત્રોને સૌ પ્રથમ ૧૯૩૮માં કલકત્તાની બ્રિટીશ ઇન્ડિયા સ્ટ્રીટ પર પ્રદર્ષિત કરવામાં આવ્યા હતા. ૧૯૪૦ના દશક દરમિયાન તેમની લોકપ્રિયતા નવી ઊંચાઇઓ પર પહોંચી, બંગાળી મધ્યમ વર્ગ અને યુરોપીય સમુદાય તેમના મુખ્ય પ્રશંસક અને ગ્રાહક રહ્યા. ૧૯૪૬માં લંડન અને ૧૯૫૩માં ન્યૂયોર્ક શહેરમાં તેમના ચિત્રોનું પ્રદર્શન આયોજીત કરાયું. ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના ચિત્રો આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં મોટાપાયે પ્રદર્શિત થતા રહ્યાં. લંડનના વિક્ટોરીયા તેમજ આલ્બર્ટ સંગ્રહાલય સહિત ઘણા સાર્વજનિક તેમજ અંગત સંગ્રહોમાં તેમના ચિત્રો જોવા મળે છે. તેમણે પોતાના જીવનનો અધિકાંશ સમય કલકત્તામાં વિતાવ્યો. શરૂઆતમાં તેમણે કાલીઘાટ ચિત્રશૈલી સાથે પ્રયોગો શરૂ કર્યા પરંતુ ક્રમશ: તેમના વિષયવસ્તુ અને તકનિક બંગાળની પરંપરાગત કલાથી પ્રભવિત થતા રહ્યા.
૧૯૭૨માં તેમનું અવસાન થયું. તેમના સંતાનોમાં ચાર પુત્રો અને એક પુત્રી હતાં. વર્તમાનમાં તેમના વારસદારો કલકત્તાના બલ્લિગંજ ખાતેના તેમના મકાનમાં નિવાસ કરી રહ્યા છે.