ઢાકા અનુશિલન સમિતિ એ અનુશીલન સમિતિની એક શાખા હતી જેની સ્થાપના નવેમ્બર ૧૯૦૫ માં ઢાકા શહેરમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં પુલિન બિહારી દાસની આગેવાની હેઠળ એંશી જેટલા સભ્યોનું જૂથ હતું, જે બાદમાં સમગ્ર પૂર્વ બંગાળ પ્રાંતમાં ફેલાઈ ગયું હતું. સમિતિની ૫૦૦થી વધુ શાખાઓ ખોલવામાં આવી હતી. તેણે પ્રાન્તનાં નાનાં જૂથોને પોતાનામાં સમાવી લીધાં હતા અને કલકત્તામાં રહેલી તેની મૂળ સંસ્થાને પાછળ છોડી દીધી હતી. જેસોર, ખુલના, ફરીદપુર, રાજનગર, રાજેન્દ્રપુર, મોહનપુર, બરવલી, બકરગંજ અને અન્ય સ્થળોએ ઢાકા અનુશીલનની શાખાઓ ઉભરી આવી હતી. ઢાકા અનુશીલન સમિતિમાં અંદાજે ૧૫ થી ૨૦ હજાર સભ્યો હતા. તેનો ઉદ્દેશ્ય સ્વદેશી ચળવળથી માંડીને રાજકીય આતંકવાદના સમર્પિત ધ્યેય સુધી પહોંચી વળવાનો હતો.[૧] સમિતિએ રાજકીય આતંકવાદનો આમૂલ કાર્યક્રમ શરૂ કર્યો હતો. સમૂહ સહયોગ સાથે ક્રાંતિ માટે ધીમે ધીમે આધાર બનાવવાના ઓરોબિંદોના અભિગમ સાથેના મતભેદોને કારણે સમિતિનું જુગાંતર જૂથ સાથે પતન થયું હતું. સમિતિ અનેક રાજકીય હત્યાઓ માટે જવાબદાર હતી. ઢાકા અનુશીલને પ્રથમ વિશ્વયુદ્ધના જર્મન કાવતરામાં ભાગ ન લેવાનું નક્કી કર્યું. યુદ્ધ પછી, તેણે તેની હિંસક ચળવળ ચાલુ રાખી, અને તેના કેટલાક સભ્યોએ નિયો-હિંસા જૂથની રચના કરી હતી.