તરણેતર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | થાનગઢ |
વસ્તી | ૨,૫૨૧ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે.
તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ત્રિનેત્રેશ્વર મંદીર થાનગઢ તાલુકામાં ધ્રાંગધ્રા જતાં માર્ગ પર તરણેતર ખાતે આવેલું છે, જે તેના તરણેતર મેળાથી પ્રખ્યાત છે.[૧]
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો.[૨] તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.
તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.[સંદર્ભ આપો] જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.[સંદર્ભ આપો] પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે: સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ.