ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ | |
---|---|
જન્મની વિગત | આણંદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન આણંદ, ગુજરાત, ભારત) | 22 October 1903
મૃત્યુ | 3 June 1994 ગુજરાત, ભારત | (ઉંમર 90)
પુરસ્કારો | રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૩) પદ્મભૂષણ (૧૯૬૪) |
ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ (૨૨ ઓક્ટોબર ૧૯૦૩ - ૩ જૂન ૧૯૯૪), ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક હતા. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દુધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ સંઘની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમ જ આણંદ તાલુકા મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
ત્રિભુવનદાસજીનો જન્મ ઓક્ટોબર ૨૨, ૧૯૦૩ના દિવસે, આણંદ શહેરમાં, કીશીભાઈ પટેલના ઘરે થયો હતો. તેઓ ભારત દેશની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધી તેમ જ સરદાર પટેલના અનુયાયી બન્યા હતા. તેઓએ સત્યાગ્રહી તરીકે ૧૯૩૦, ૧૯૩૫ તેમ જ ૧૯૪૨ના વર્ષમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ ભારતમાં સહકારી ચળવળના પિતા અને શ્વેત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે.[૧]
૧૯૪૦ સુધીમાં, ત્રિભુવનદાસે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં, ખેડા જિલ્લામાં ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું. યુનિયનની સ્થાપના કર્યા બાદ, ૧૯૫૦માં તેમણે વર્ગીસ કુરિયન નામના યુવાન મેનેજરને નોકરીએ રાખ્યા. કુરીયનના વર્ષ ૨૦૦૫ સુધીના સહકારી ચળવળના સફળ નેતૃત્વના કારણે તેઓ અમૂલના પર્યાયી બની ગયા.[૨]
ત્રિભુવનદાસ પટેલને ૧૯૬૩માં, વર્ગીસ કુરિયન સાથે સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામા આવ્યા હતા અને ભારત સરકારે ૧૯૬૪માં પદ્મભૂષણથી નવાજ્યા હતા.તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ/પ્રમુખ (પીસીસી), ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (કોંગ્રેસ આઇ), અને બે વખત રાજ્યસભામાં સભ્ય (૧૯૬૭-૧૯૬૮ અને ૧૯૬૮ -૧૯૭૪) રહ્યા હતા.[૩]
ત્રિભુવનદાસજીનાં લગ્ન શ્રીમતી મણિ લક્ષ્મી સાથે થયાં હતાં. તેઓનાં છ દીકરા તથા દીકરી મળીને કુલ સાત સંતાનો હતાં.