દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે[૩] દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે.[૪]
હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં દર્ભ પવિત્ર ઘાસ તરીકે વર્ષોથી વપરાતું આવ્યું છે. ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે.[૬]ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે.[૭] બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે ગૌતમ બુદ્ધ દર્ભના જ આસન પર બેસી ને ધ્યાન કરતા હતા.[૮] હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે.[૯]
બીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. એમાંથી દોરી, દોરડાં, આસનિયાં, વગેરે બને છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવામાં આવે છે.[૯]
↑Pandeya A; Pandeya SC, 2002. Environment and population differentiation in Desmostachya bipinnata (Linn.) Stapf in western India. Tropical Ecologyસંગ્રહિત ૨૦૨૧-૦૯-૧૪ ના રોજ વેબેક મશિન, 43:359-362.
↑"શુદ્ધ ભૂમિ પર, જ્યાં ક્રમશઃ કુશ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલું હોય, જે ન તો બહુ ઊંચું હોય અને ન બહુ નીચું, એવા પોતાના આસનને સ્થિર સ્થાપન કરીને..." (ગીતા અધ્યાય ૬, શ્લોક ૧૧)