દાબેલી | |
અન્ય નામો | દાબેલી |
---|---|
વાનગી | ફરસાણ |
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત, ભારત |
બનાવનાર | કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ |
પીરસવાનું તાપમાન | ઓરડાના ઉષ્ણતામાને |
મુખ્ય સામગ્રી | બટેટા, પાંઉ, મસાલો, ચટણીઓ |
|
દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.
પાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ "દાબેલી" પડ્યું છે. દાબેલીની શરૂઆત ૧૯૬૦ના દશકમાં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરના રહેવાસી કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ દ્વારા કરાઈ હતી. તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તેમનું નિર્માણ આટલી પ્રસિદ્ધી પામશે. જ્યારે તેમણે દાબેલી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેઓ ૧ આના (૬ પૈસા)માં એક દાબેલી વેચતા હતાં. આજે તેમની બીજી પેઢી દ્વારા દાબેલીનો ધંધો ચલાવવામાં આવે છે.[૧]
આમ દાબેલીનું ઉદ્ગમ માંડવી શહેર મનાય છે અને જિલ્લાનાં નામ પરથી આને કચ્છી દાબેલી પણ કહે છે. આજે પણ આ શહેરમાં બનતો દાબેલીનો મસાલો અસલ મનાય છે. આ સિવાય ભુજ અને નખત્રાણામાં પણ સારી ગુણવત્તાની દાબેલી મળે છે.
રાંધવાનો સમય
દાબેલી માત્ર કચ્છમાં કે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ પ્રચલિત છે. દાબેલીની નાનકડી રેંકડીઓ ભારતના બધાજ મોટા શહેરોમાં મળી આવે છે
દાબેલીને ક્યારેક "કચ્છી બર્ગર", "દેશી બર્ગર", કે કચ્છી ડબલ રોટી તરીકે પણ ઓળખાવવામાં આવે છે.