ધારાશિવ ગુફાઓ | |
---|---|
ધારાશિવ ગુફાનું મુખ્ય પ્રવેશદ્વાર | |
મહારાષ્ટ્ર, ભારતમાં સ્થાન[૧] | |
અક્ષાંશ-રેખાંશ: 18°11′44″N 76°0′36″E / 18.19556°N 76.01000°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | ધારાશિવ જિલ્લો |
સમયગાળો | ૫મી સદી |
શોધ | ૧૦મી સદી |
ISO 3166 ક્રમ | IN-MH |
ધારાશિવ ગુફાઓ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં બાલાઘાટ પર્વતોમાં આવેલા ઉસ્માનાબાદ/ધારાશિવ શહેરથી ૮ કિમી દૂર આવેલું ૭ ગુફાઓનું સંકુલ છે.[૨][૩][૪] ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફાઓની નોંધ જેમ્સ બર્ગેસ દ્વારા ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[૫] મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારાશિવ ગુફાઓને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે.[૬]
ધારાશિવ ગુફાઓ ૫મી થી ૭મી સદીની આસપાસ બાંધવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પ્રથમ ગુફા ૧૦મી સદીમાં રાષ્ટ્રકુટ શાસન દરમિયાન મળી આવી હતી.[૫] ગુફાઓ બૌદ્ધ છે કે જૈન છે તે અંગેનો મત સ્પષ્ટ નહોતો.[૨] એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ મૂળે બૌદ્ધ હતી, પરંતુ પાછળથી જૈન ધર્મના સ્મારકોમાં ફેરવાઈ ગઈ.[૫]
અહીં ૭ ગુફાઓ છે, ૧લી ગુફા ૨૦ સ્તંભોથી સજ્જ છે. ગુફા ક્રમાંક ૨ મુખ્ય ગુફા છે અને અજંતા ખાતેની વાકાટક ગુફાઓની યોજના પર આધારિત છે. તેમાં ૮૦ x ૮૦ ફૂટનો મુખ્ય ખંડ છે, જેમાં ભિક્ષુઓના નિવાસ માટે ૧૪ ઓરડીઓ છે અને પદ્માસનમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા સાથે ગર્ભગ્રહ છે. ૩જી ગુફા ૧લી ગુફાને મળતી આવે છે, જ્યારે બાકીની ગુફાઓ જૈન ગુફાઓ છે.[૨][૫]
ધારાશિવ ગુફાઓ પર બૌદ્ધો અને જૈનો બંનેનો દાવો કરવામાં આવે છે. જો કે જેમ્સ બર્ગ્સ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાં ૧૨૦૦ ગુફાઓ પર કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે ધારાશિવ ગુફાઓ મૂળે ૫મી સદીમાં બૌદ્ધ ગુફાઓ હતી અને ૧૨મી સદીની આસપાસ કેટલીક ગુફાઓ જૈન ગુફાઓમાં ફેરવાઈ હતી.[૭][૮]