પુસ્તકની પ્રથમ આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૮૬૧ | |
લેખક | નર્મદાશંકર દવે |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | શબ્દકોશ |
પ્રકાશન તારીખ |
|
OCLC | 40551020 |
LC વર્ગ | PK1847 .N37 1998 |
નર્મકોશ એ ૧૮૭૩માં પ્રકાશિત ગુજરાતી ભાષાના કવિ અને વિદ્વાન નર્મદાશંકર દવે (૧૮૩૩–૧૮૮૬) દ્વારા તૈયાર કરાયેલ એકભાષી ગુજરાતી શબ્દકોશ છે. ગુજરાતી ભાષામાં તે આ પ્રકારની પ્રથમ રચના ગણાય છે, તેમાં ૨૫,૨૬૮ શબ્દો છે.
"શાળાના વિદ્યાર્થીઓને મારી કવિતાઓમાં કેટલાક શબ્દો સમજવામાં મુશ્કેલી પડતી હતી. તેથી, મેં મૂળાક્ષરક્રમમાં ગોઠવીને આવા તમામ શબ્દોનું શબ્દભંડોળ તૈયાર કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં સંકલન શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવા શબ્દો ઘણા બધા છે. આને કારણે હું એક એવો શબ્દકોશ બનાવવા માટે પ્રેરિત થયો જેમાં મોટાભાગના શબ્દો ગુજરાતી ભાષામાં હોય. ડૉ. ધીરજરામે આ વિચારને સમર્થન આપ્યું અને ૧૦ નવેમ્બર, ૧૮૬૦ના રોજ મેં આ સંકલન શરૂ કર્યું."
નર્મદની કવિતાઓ શાળાઓમાં અભ્યાસ માટે સૂચવવામાં આવી હતી. તેમણે લેખનની નવી શૈલી રજૂ કરી હતી, તેથી વિદ્યાર્થીઓને સંસ્કૃત મૂળના ઘણા શબ્દોનો અર્થ સમજવામાં મુશ્કેલી પડી રહી હતી, જેનો તેમણે પોતાની કવિતાઓમાં ઉપયોગ કર્યો હતો. ફરિયાદો તેમના સુધી પહોંચી અને તેમણે પોતાની કવિતાઓમાં ઉપયોગમાં લેવાતા તમામ મુશ્કેલ શબ્દોનું સંકલન કરવાનું નક્કી કર્યું અને વિદ્યાર્થીઓ તેને સંપૂર્ણપણે સમજી શકે તે માટે તેમના અર્થો આપવાનું નક્કી કર્યું. બાદમાં તેમણે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થાય એ હેતુથી આને ગુજરાતી ભાષાના તમામ શબ્દોને આવરી લેતા શબ્દકોષમાં વિસ્તારવાનું નક્કી કર્યું.[૨] તેને તૈયાર કરવા નર્મદે નવ વર્ષ, ૧૮૬૦ થી ૧૮૬૮ સુધી કામ કર્યું. [૩]
આ શબ્દકોશનો પ્રથમ ભાગ ૧૮૬૧ માં પ્રકાશિત થયો હતો, બીજો ૧૮૬૨માં, ત્રીજો ૧૮૬૪માં અને ચોથો અને છેલ્લો ભાગ, ૧૮૬૬માં તૈયાર થયો હતો, જે ૧૮૭૩માં પ્રકાશિત થયો હતો.[૪] ૧૮૭૩ની આવૃત્તિમાં નર્મદે ગુજરાતી ભાષામાં લખવાના નિયમોની વિગતવાર ચર્ચા કરી.[૫] તેમણે તેમની સૌથી પ્રખ્યાત કવિતા "જય જય ગરવી ગુજરાત" પણ પ્રથમ વખત પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશિત કરી.[૬][૭] નર્મદ પહેલાં, ગુજરાતમાં શબ્દકોશોનું સંકલન કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ બધાએ તેમની વ્યાખ્યાઓમાં અંગ્રેજી અને ગુજરાતી બંનેનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતી શબ્દોનો અર્થ ગુજરાતીમાં સમજાવવા માટે નર્મકોશ એ પહેલો શબ્દકોશ હતો. તેમાં ૨૫,૨૬૮ શબ્દો છે.[૮]
કે.એમ. ઝવેરીએ તેને નર્મદની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણાવી અને કહ્યું કે "૧૮૭૩માં પ્રકાશિત થયા પછીથી તે એક આદર્શ શબ્દકોશ રહ્યું છે."[૯]