નાના ફડણવીસ | |
---|---|
ઝોન થોમસ દ્વારા દોરાયેલ તૈલ ચિત્ર | |
જન્મ | ૧૨ ફેબ્રુઆરી ૧૭૪૨ હાલનું સાતારા, મહારાષ્ટ્ર, ભારત |
મૃત્યુ | માર્ચ ૧૨, ૧૮૦૦ પુણે, મહારાષ્ટ્ર, ભારત |
ધર્મ | હિંદુ |
વ્યવસાય | મુખ્ય પ્રધાન અને પેશ્વા કાલીન મરાઠા સામ્રાજ્યના મુત્સદી |
નાના ફડનવીસ (૧૨ ફેબ્રુઆરી, ૧૭૪૨ [સંદર્ભ આપો] - માર્ચ ૧૩, ૧૮૦૦) ઉર્ફે બાલાજી જનાર્દન ભાનુ ભારતના પુનામાં પેશ્વા વહીવટ દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવશાળી પ્રધાન અને રાજકારણી હતા. જેમ્સ ગ્રાન્ટ ડફ જણાવે છે કે તેમને યુરોપિયનો "મરાઠા માક્યવેલી" તરીકે ઓળખાવતા હતા.[૧]
બાલાજી જનાર્દન ભાનુનો જન્મ ૧૮૪૨ માં સાતારામાં ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમને 'નાના'ના હુલમણા નામે બોલાવાતા હતા. તેમના દાદા બાલાજી મહાદાજી ભાનુ પ્રથમ પેશવા બાળાજી વિશ્વનાથ ભટનાં દિવસોમાં શ્રીવર્ધન નજીક વેલાસ ગામથી સ્થળાંતરિત થયા હતા. ભટ અને ભાનુ વચ્ચે પારિવારિક સંબંધ હતા અને તેમની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. બંને પરિવારોને અનુક્રમે વેલાસ અને શ્રીવર્ધન નગરોના 'મહાજન' અથવા ગામના મુખીની પદવી પ્રાપ્ત થયેલી હતી. બાળાજી મહાદજીએ એક વખત મુગલોએ કરેલા હત્યાના કાવતરાથી પેશ્વાને બચાવ્યા હતા. પેશ્વાએ તેથી છત્રપતિ શાહુને ભાનુને ફડણવીસ (અષ્ટપ્રધાનમાંથી એક) ની પદવી એનાયત કરવાની ભલામણ કરી. ત્યાર બાદના સમયમાં, જ્યારે પેશ્વા રાજ્યના વડા પ્રધાન બન્યા, ત્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા, જેમણે પેશ્વા શાસન દરમિયાન મરાઠા સામ્રાજ્ય માટે વ્યવસ્થાપન અને નાણાના મહત્ત્વપૂર્ણ વિભાગ પોતાની પાસે રાખ્યા હતા.[સંદર્ભ આપો] નાના, બાલાજી મહાદજી ભાનુના પૌત્ર હતા અને પરંપરાને અનુસરીને તેમના દાદાના નામનો વારસો મેળવ્યો હતો. પેશ્વા તેમને કુટુંબની જેમ રાખતા અને તેમના પુત્રો, વિશ્વાસરાવ, માધવરાવ અને નારાયણરાવ સમાન શિક્ષણ અને રાજદ્વારી તાલીમની સમાન સુવિધાઓ તેમને અપાઈ હતી. આગળ જતા તેઓ પેશ્વાના ફડણવીસ, અથવા નાણાં પ્રધાન બન્યા.[સંદર્ભ આપો]
૧૭૬૧ માં, નાના પાણીપતની ત્રીજી લડાઈ પછી પૂણે ચાલ્યા ગયા અને મરાઠા સામ્રાજ્યના કાર્યોનું માર્ગદર્શન આપતી એક અગ્રણી વ્યક્તિ બન્યા, જોકે તેઓ પોતે ક્યારેય સૈનિક ન હતા. આ રાજકીય અસ્થિરતાનો સમય હતો, કારણ કે એક પછી એક પેશ્વા ઝડપથી સત્તા પર આવી રહ્યા હતા, અને સત્તાના ઘણા વિવાદાસ્પદ સ્થાનાંતરણો થતા હતા. આંતરિક વિખવાદ અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની વધતી શક્તિની વચ્ચે મરાઠા સામ્રાજ્યને અખંડ રાખવામાં નાના ફડણવીસે મુખ્ય ભૂમિકા ભજવી હતી.[સંદર્ભ આપો]
નાનાની વહીવટી, રાજદ્વારી અને આર્થિક કુશળતાથી મરાઠા સામ્રાજ્યને સમૃદ્ધિ મળી અને તેમના બાહ્ય બાબતોના સંચાલનથી મરાઠા સામ્રાજ્યે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને દૂર રાખી. તેણે મરાઠા સૈન્ય દ્વારા હૈદરાબાદના નિઝામ, મૈસૂરના હૈદરઅલી તથા ટીપુ સુલતાન અને અંગ્રેજ સૈન્ય સામે વિવિધ લડાઇમાં તેમની શ્રેષ્ઠ યુદ્ધ કુશળતા દર્શાવી હતી.[સંદર્ભ આપો]
ઈ.સ. ૧૭૭૩ માં પેશ્વા નારાયણરાવની હત્યા પછી નાના ફડણવીસે રાજ્યના કારભારનું સંચાલન બારભાઈની જમાત તરીકે ઓળખતી બાર સભ્યોની રાજવહીવટ પરિષદ સ્થાપી. નારાયણ રાવના પુત્ર માધવરાવ બીજાના રક્ષણ માટે આ મંડળીની રચના એ નાનાની ચતુર રાજનૈતિક યોજના હતી. પેશ્વા પરિવારના અંતરિક સંઘર્ષો વચ્ચે નારાયણ રાવના મૃત્યુ પછી તેની વિધવા પત્નીએ તેના પુત્રને જન્મ આપ્યો હતો. બારભાઇની જમાત એ નાનાના નેતૃત્વમાં પ્રભાવશાળી સરદારો (સેનાપતિઓ) નું જોડાણ હતું. જમાતના અન્ય સભ્યોમાં હરિપંત ફડકે, મોરોબા ફડનીસ, સકારામ બાપુ બોકિલ, ત્રિંબકરાવમામ પેઠે, મહાદજી શિંદે, તુકોજીરાવ હોળકર, ફલટણકર, ભગવાનરાવ પ્રતિનિધિ, માલોજી ઘોરપડે, સરદાર રાષ્ટે અને બાબુજી નાયક હતા. આ સમય દરમિયાન, મરાઠા સામ્રાજ્ય કદમાંં નોંધપાત્ર હતું, સંરક્ષણની સંધિ હેઠળ સંખ્યાબંધ નાના રાજ્યોએ પેશ્વાને સર્વોચ્ચ શક્તિ તરીકે માન્યતા આપી હતી.[સંદર્ભ આપો]
નાનાનું ૧૩ માર્ચ, ૧૮૦૦ ના દિવસે પૂણે ખાતે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી, પેશ્વા બાજી રાવ દ્વિતીયે પોતાને અંગ્રેજોના હાથમાં મૂકી દીધા, જેથી મરાઠા સંઘમાં ભંગાણની શરૂઆત થઈ અને બીજા આંગ્લ-મરાઠા યુદ્ધને ઉશ્કેર્યું.[સંદર્ભ આપો]
ડિસેમ્બર ૧૭૬૮માં ઔંધના પંત પ્રતિનિધિ ભવન રાવ ત્ર્યંબક અને (સતારાના) રઘુનાથ ઘનશ્યામ મંત્રીએ નાનાને મેનાવલી ગામથી નવાજ્યા હતા. નાના ફડણવીસે આ ગામ વસાવ્યું અને ત્યાં એક વાડો (અંદરના આંગણાવાળી એક હવેલી), હવેલીથી કૃષ્ણ નદી તરફ જવાનો એક ઘાટ, અને બે મંદિરો (એક ભગવાન વિષ્ણુનું અને બીજું મેણેશ્વર શિવનું) બંધાવ્યા. વાડા પ્રકારનું નિવાસસ્થાન, જળાશય પરનો ઘાટ અને મંદિરનું સ્થાપત્ય સંયોજન એ પેશ્વા યુગની લાક્ષણિકતા હતી. જો કે, ૧૯૪૭ માં ભારતનું પ્રજાસત્તાક રાજ્ય બન્યા બાદ સરકાર દ્વારા રજવાડી માલિકોની જમીન અને મકાનોની સંપત્તિ છીનવાઈ ગયા પછી મોટાભાગના આવા રાજકીય બાંધકામોની અવ્યવસ્થા થઈ ગઈ. મેનાવલી ખાતે કૃષ્ણ નદીના કાંઠે નાના ફડણવીસ વાડા એ આવા ખૂબ જ દુર્લભ સ્થાનોમાંથી એક છે જ્યાં આવા સંયોજનને અકબંધ રાખવામાં આવ્યું છે. નાના ફડણવીસ વાડા એક વિશાળ માળખું છે, જેમાં છ ચતુર્ભુજ અથવા આંગણા, અને તેની પરિમિતિએ દિવાલ છે. સંકુલનું આ બાંધકામ ૧૭૮૦ ની આસપાસ પૂર્ણ થયું હતું. નજીકના અન્ય નોંધપાત્ર વાડા વાઈમાં રાષ્ટે વાડા અને રાનડે વાડા છે.[૨]