નિરંજન ભગત | |
---|---|
ભગત તેમનાં નિવાસસ્થાને, અમદાવાદ, ૨૦૧૫ | |
જન્મ | ૧૮ મે ૧૯૨૬ અમદાવાદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત |
મૃત્યુ | ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ અમદાવાદ |
ઉપનામ | આધુનિક અરણ્યક |
વ્યવસાય | કવિ, નિબંધકાર, સાહિત્યકાર, સંપાદક |
ભાષા | ગુજરાતી, અંગ્રેજી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
શિક્ષણ | બી.એ., એમ.એ. |
નોંધપાત્ર સર્જન | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ ઉત્તરાર્ધ |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર[૧] |
સહી | |
વેબસાઇટ | |
અધિકૃત વેબસાઇટ |
નિરંજન નરહરિભાઈ ભગત (૧૮ મે ૧૯૨૬ - ૧ ફેબ્રુઆરી ૨૦૧૮) એ જાણીતા ગુજરાતી કવિ હતાં.[૨] તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.
તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો. ૧૯૪૪માં મૅટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું અને ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ.ની પદવી મેળવી.[૩]
૧૯૫૦થી ૧૯૭૫ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા બાદ તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા.[૪] ૧૯૫૭-૫૮માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક અને ૧૯૭૭માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા. ૧૯૭૮-૭૯માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા. ૧૯૯૭-૯૮ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા.
બ્રેઈન સ્ટ્રોકને કારણે પાંચ દિવસ હોસ્પિટલમાં વેન્ટિલેશન પર રહ્યા બાદ ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૫][૩]
છંદોલય (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. કિન્નરી (૧૯૫૦) ગીતસંગ્રહ છે. અલ્પવિરામ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. છંદોલય (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ પ્રવાલદ્વીપ નામે અહીં અંતે આપ્યો છે. પ્રવાલદ્વીપ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. ૩૩ કાવ્યો (૧૯૫૮)માં મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધ વિશેના કાવ્યો છે.
કવિતાનું સંગીત (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. આધુનિક કવિતા: કેટલાક પ્રશ્નો (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. ન્હાનાલાલની ઊર્મિકવિતા (૧૯૭૫) ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચો (૧૯૭૨), મીરાંબાઈ (૧૯૭૬), કવિ ન્હાનાલાલની (૧૯૭૭), ડબલ્યુ. બી. યિટ્સ (૧૯૭૯) અને ઍલિયટ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.
પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ (અન્ય સાથે, ૧૯૬૯), સુંદરમ્ : કેટલાંક કાવ્યો (૧૯૭૦) અને મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ચિત્રાંગદા (૧૯૬૫) અને ઑડેનનાં કાવ્યો (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
આ ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો.