નિરૃતિ અથવા નિઋતિ (સંસ્કૃત: निरृति) એક હિંદુ દેવી અથવા દેવ છે, જે મૃત્યુ, ક્ષીણતા અને દુ:ખને વ્યક્ત કરે છે. પ્રારંભિક હિંદુ શાસ્ત્રોમાં નિરૃતિ એ એક એવી દેવી છે જે મૃતકોના પ્રદેશમાં રહે છે. પાછળથી હિંદુ ધર્મમાં તેના પુરુષ સ્વરૂપ નિરૃત નો ઉલ્લેખ છે, જેને નૈઋત્ય દિશાના દિક્પાલ (દિશાઓના રક્ષક) છે.
સંસ્કૃત શબ્દ નિરૃતિનો અર્થ થાય છે 'ક્ષીણતા' અને તે નિરૃમાંથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ "રૃ-રહિત" થાય 'અવ્યવસ્થાની સ્થિતિ'.[૧][૨] નિરૃતિ નામનો અર્થ થાય છે "રૃત એટલે કે વ્યવસ્થા કે ધર્મ" ની ગેરહાજરી.[૨][૩]
આ શબ્દનો ઉપયોગ વૈદિક ગ્રંથોમાં અસ્તિત્વ વગરના અને સંપૂર્ણ અંધકારના પ્રદેશને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રદેશ પોતાના જીવન ધર્મમાં નિષ્ફળ ગયેલા લોકોનો ખાઈ જાય છે. આ પ્રદેશમાં કોઈ પ્રકાશ, ભોજન અને બાળકો હોતા નથી. આ ત્રણ વસ્તુને વૈદિક જીવન અને ધાર્મિક વિધિઓમાંથી સૌથી અગત્યના ગણેલ છે.[૨]
નિરૃતિનો ઉલ્લેખ ઋગ્વેદના સ્તોત્રોમાં કરવામાં આવ્યો છે. મોટે ભાગે તેની પાસેથી રક્ષણ મેળવવા અથવા તેને પ્રસ્થાનની વિનંતી કરવા માટે તેનો ઉલ્લેખ છે. એક સ્તોત્રમાં (X.59), તેનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્તોત્રમાં તેના સ્વભાવનો સારાંશ આપ્યા પછી યજ્ઞ સ્થળેથી પ્રસ્થાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. અથર્વવેદ (V.7.9) માં વર્ણન મુજબ તેને સુવર્ણના વાળ છે. તૈત્તિરીય બ્રાહ્મણ (I.6.1.4) માં નિરૃતિને શ્યામ, શ્યામ વસ્ત્રો પહેરેલી અને કાળો ભૂસકાનો ભોગ લેતી કહેલ છે.
શતપથ બ્રાહ્મણ (X.1.2.9) માં તેને નૈઋત્ય પ્રદેશ સાથે સાંકળવામાં આવી છે. પરંતુ તે જ લખાણમાં અન્યત્ર (V.2.3.3.) તેનો ઉલ્લેખ જણાવે છે કે તે મૃતકોના પ્રદેશમાં રહે છે.[૪][૫]
પાછળથી હિંદુ ગ્રંથોમાં નિરૃતિને દેવી તરીકે ફરીથી પરિકલ્પના કરવામાં આવી હતી. કેટલાક ગ્રંથો અનુસાર, તે અધર્મની પત્ની છે જે જંગલોમાં રહેતા પુરૂષની પ્રકૃતિનું મહત્વનું લક્ષણ છે અને ત્રણ રાક્ષસોની માતા છે - મૃત્યુ, ભય અને મહાભય - જેમને સામૂહિક રીતે નૈઋત તરીકે ઓળખવામાં આવે છે.[૬] અન્ય ગ્રંથો મુજબ તે અધર્મ અને હિંસાની પુત્રી છે; તેણે તેના ભાઈ અરૃત સાથે લગ્ન કર્યા અને નરક અને ભયની માતા બની.[૨][૧] ભાગવત પુરાણમાં તેને અપ્રજાહ (સંતાન વિનાની) તરીકે રજૂ કરવામાં આવી છે જે બ્રહ્માના બે પુત્રો અધર્મ અને મૃષને દત્તક પુત્રો તરીકે લે છે.[૭] કેટલાક ગ્રંથો નિરૃતિને અન્ય અશુભ દેવીઓ જ્યેષ્ઠા અથવા અલક્ષ્મી સાથે સાંકળે છે. આ સંદર્ભમાં તેનો ઉદ્ભવ સમુદ્ર મંથનમાંથી થયો કહેવાય છે.[૮][૯]
કેટલાક વિદ્વાનો અને લેખકો અનુસાર, દેવી નિરૃતિ પાછળથી હિંદુ પૌરાણિક કથાઓમાં પુરુષમાં પરિવર્તિત થઈ અને દિક્પાલ નિરૃત બની. નિરૃતિને નૈઋત્ય દિશાના રક્ષક તરીકે ગણવામાં આવે છે.[૧૦]
નિરૃતને કેટલીકવાર રુદ્રોમાંના એક તરીકે સમાવવામાં આવે છે અને સ્થાનુના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે.[૧૧][૧૨][૧૩] વિવિધ શાસ્ત્રોમાં નિરૃતના વિવિધ વર્ણનો જોવા મળે છે.[૧૪] આગમ અનુસાર નિરૃત મોટા શરીર સાથે કાળી ચામડીવાળા છે અને પીળા વસ્ત્રો પહેરે છે. તેનું વાહન માણસ અથવા સિંહ છે.[૧૫][૧૬] વિષ્ણુધર્મોત્તર પુરાણ જણાવે છે કે નિરૃત ખરાબ દેખાતી આંખો, ફાડેલું મોં અને ખુલ્લા દાંત સાથે એક ભયાવહ દેખાવ ધરાવે છે. આ જ ગ્રંથ જણાવે છે કે નિરૃતનું વાહન ગધેડો છે અને તેના હાથમાં દંડ છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર નિરૃતની ચાર પત્નીઓ છે: દેવી, કૃષ્ણાંગી, કૃષ્ણવંદના અને કૃષ્ણપાશા.[૧૫] દેવી-ભાગવત પુરાણ ગ્રંથ અનુસાર, નિરૃત કૃષ્ણજન નામના નગરમાં રહે છે, જે મેરુ પર્વતના નૈઋત્ય ભાગમાં છે અને આ નગરનો વિસ્તાર ૨૫૦૦ યોજન હોવાનું કહેવાય છે.[૧૭]