નીલાદેવી | |
---|---|
સુખ આપનાર દેવી[૧] | |
તિરુક્કડીગાઈમાં નીલા દેવીનું મંદિર (વિષ્ણુની ડાબી બાજુએ) | |
અન્ય નામો | નપ્પીનાઈ |
ધર્મ | શ્રી વૈષ્ણવ ધર્મ |
જોડાણો | દેવી, લક્ષ્મીનો અવતાર, રાધા, નાગનાજીતી |
રહેઠાણ | વૈકુંઠ |
જીવનસાથી | વિષ્ણુ |
નીલાદેવી (સંસ્કૃત: नीलदेवी),[૨] અથવા નપ્પીન્નાઈ, એ એક હિંદુ દેવી, તથા શ્રીદેવી અને ભૂમિ દેવી ની જેમ વિષ્ણુજીના એક અન્ય જીવનસાથી છે.[૩][૪] દક્ષિણભારતમાં, ખાસ કરીને તમિળ સંસ્કૃતિમાં નીલાદેવીને વિષ્ણુની જીવનસાથી માનવામાં આવે છે.[૫][૬] શ્રી વૈષ્ણવ પરંપરામાં, વિષ્ણુની ચારે જીવન સંગિનીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે.[૭]
કૃષ્ણ તરીકે વિષ્ણુના અવતારમાં, નીલાદેવીને કાં તો દ્વારકામાં કૃષ્ણની પત્ની નાગ્નજિતી તરીકે ગણવામાં આવે છે અથવા કેટલાક સ્રોતોમાં તેને કૃષ્ણની ગોપી સખી રાધા જેવું દક્ષિણી સમકક્ષ પાત્ર ગણવામાં આવે છે.[૫][૮]
પ્રાદેશિક પારંપારિક કથાઓ અનુસાર, નીલાદેવીએ કૃષ્ણની પત્ની નાગ્નજિતીનો અવતાર લીધો હતો. શ્રી વૈષ્ણવ ધર્મમાં, નાગ્નજિતીને નપ્પીનાઈ (તમિલ પરંપરામાં કૃષ્ણની પ્રિય ગોપી પિન્નાઈ) પણ કહેવામાં આવે છે.[૯][૫]
નીલાદેવીનું વર્ણન વૈખાનસ આગમમાં કરવામાં આવ્યું છે.[૯] [૧૦][૬] કેટલાક ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે વિષ્ણુની ઈચ્છા શક્તિ ત્રણ સ્વરૂપો ધરાવે છે: શ્રીદેવી, ભૂદેવી અને નીલાદેવી, જેઓ ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
સીતા ઉપનિષદમાં ઉલ્લેખ છે કે આ ત્રણ સ્વરૂપો દેવી સીતાના સ્વરૂપ છે; નીલાદેવી તમસ સાથે સંકળાયેલા છે.[૫]નીલાદેવી, તમસ ઉપરાંત, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સાથે પણ સંકળાયેલા છે.[૫] ચેરુસેરી નંબુદ્રીની કૃષ્ણગાથામાં તેઓ કૃષ્ણની ગોપી તરીકે દેખાય છે.[૫]
વિષ્ણુના એક ધ્યાન મંત્ર મુજબ, તેમના પરમ સ્વરૂપમાં, તેમને શેષનાગ પર બેઠેલા દર્શાવવામાં આવ્યા છે, આ સાથે તેમની જમણી બાજુએ શ્રીદેવી અને તેમની ડાબી બાજુએ ભૂદેવી અને નીલાદેવી છે.[૧૧] અમુક વખત નીલાદેવીને વિષ્ણુની બે પત્નીઓ સાથે વિષ્ણુની પાછળ ઉભેલી પણ દર્શાવવામાં આવતી હોય છે.[૧૦] બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત એક કૃતિમાં વિષ્ણુ વૈકુંઠનાથ ("વૈકુંઠના ભગવાન") તરીકે શ્રીદેવી અને ભૂદેવીની વચ્ચે શેષનાગ પર બેઠેલા છે, જ્યારે તેમના પગને નીલાદેવી ટેકો આપે છે.[૧૦]
શ્રી વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અલવાર અને અંડાલ નામની દેવીઓને કેટલીકવાર નીલાદેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે.[૧૧][૧૨]
નીલાદેવીનું નપ્પીનાઈ સ્વરૂપ તમિલકમ પુરાતું જ મર્યાદિત છે. અલવરના દિવ્ય પ્રબંધાને શિલપદ્દીકરમમાં નપ્પીનાઈનો ઉલ્લેખ જોવા મળે છે.[૧૩] આ કૃતિઓ અનુસાર, અંડાલ (અલવારોમાંના એક) દ્વાપરયુગની ગોપીઓની જેમ શ્રી કૃષ્ણની ભક્તિ કરવા ઇચ્છતી હતી. તેમની રચના તિરુપ્પવાઈમાં તેઓ શ્રી કૃષ્ણને જગાડવા પહેલાં નપ્પિનાઈને જગાડે છે. શ્રી વૈષ્ણવ ધર્મ અનુસાર, પત્ની થકી પ્રભુને સંપૂર્ણ સમર્પિત થઈ જવાય છે, અને ખાસ કરીને કૃષ્ણ સ્વરૂપને, નપ્પિનાઈ થકી સમર્પિત થઈ શકાય છે.[૧૩]
નીલાદેવીએ કુમ્બગન (યશોદાના ભાઈ)ની પુત્રી નેપ્પિનાઈનો અવતાર લીધો હતો. શ્રી કૃષ્ણે તેના પિતાના સાત વિકરાળ બળદો પર જીત મેળવી નેપ્પિનાઈનો હાથ મેળવ્યો હતો. નપ્પીન્નાઈનો ભાઈ સુદામા છે.[૧૪]
એસ. એમ. શ્રીનિવાસ ચારી જણાવે છે કે થિરુપ્પવાઈમાં ગોપિકા તરીકે નાચિયાર તિરુમોલી ગાતી અંડાલે નપ્પિનાઈનો ઉલ્લેખ કર્યો છે. આથી નેપ્પિનાઈની રાધા તરીકે ઓળખ છતી થાય છે.[૧૫] અલવારે પુનમગાઈ (શ્રીદેવી), નીલમગાઈ (ભુદેવી) અને પુલમગાઈ (નીલાદેવી) તરીકે કૃષ્ણની ત્રણ નાચિયાર(જીવન સંગિની)નો ઉલ્લેખ તરીકે કર્યો છે. નીલાદેવીનો ઉલ્લેખ ઇન્દ્રિયોની દેવી તરીકે થાય છે. નીલાદેવી જ તેને આનંદ આપીને તેના મગજને સ્થિર રાખે છે.[૧૬]