પંચકેદાર

પંચકેદાર
ધર્મ
દેવી-દેવતાશિવ
સ્થાન
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
અક્ષાંશ-રેખાંશકેદારનાથ: 30°43′48″N 79°4′12″E / 30.73000°N 79.07000°E / 30.73000; 79.07000 (કેદારનાથ), તુંગનાથ: 30°29′22″N 79°12′55″E / 30.48944°N 79.21528°E / 30.48944; 79.21528 (તુંગનાથ), રુદ્રનાથ:30°32′0″N 79°20′0″E / 30.53333°N 79.33333°E / 30.53333; 79.33333 (રુદ્રનાથ), મધ્યમહેશ્વર: 30°38′13″N 79°12′58″E / 30.63694°N 79.21611°E / 30.63694; 79.21611 (મધ્યમહેશ્વર) અને કલ્પેશ્વર: 30°34′37.35″N 79°25′22.49″E / 30.5770417°N 79.4229139°E / 30.5770417; 79.4229139 (કલ્પેશ્વર)
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીઉત્તર ભારતીય સ્થાપ્ત્ય શૈલી
નિર્માણકારપાંડવો
પૂર્ણ તારીખઅપ્રાપ્ય
પંચકેદાર
Panch Kedar

પંચકેદાર (સંસ્કૃત: पञ्चकेदार, અંગ્રેજી: Panch Kedar) શબ્દ હિંદુ ધર્મનાં ભગવાન શિવને સમર્પિત પાંચ પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરે છે. આ મંદિરો હિમાલય પર્વતમાળામાં, ઉત્તરાખંડ, ભારત ખાતેના ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે. આ મંદિરોની સ્થાપના સાથે ઘણી દંતકથાઓ હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો સાથે જોડાયેલ છે.[]

અલગ અલગ સ્થળે આવેલાં આ પાંચ મંદિરો ખાતે પૂજા-દર્શન કરવા માટેની યાત્રા દરમિયાન ચોક્કસ ક્રમ અનુસરવામાં આવે છે. જેમાં પહેલાં કેદારનાથ (સંસ્કૃત: केदारनाथ)  જેટલી ઉંચાઈ પર), ત્યારપછી તુંગનાથ (तुंगनाथ) (3,680 m or 12,070 ft જેટલી ઉંચાઈ પર), ત્યારબાદ રુદ્રનાથ (रुद्रनाथ) (2,286 m or 7,500 ft જેટલી ઉંચાઈ પર), ત્યારબાદ મધ્યમહેશ્વર (मध्यमहेश्वर) અથવા મદમહેશ્વર (3,490 m or 11,450 ft જેટલી ઉંચાઈ પર) અને છેલ્લે કલ્પેશ્વર (कल्पेश्वर) (2,200 m or 7,200 ft જેટલી ઉંચાઈ પર) ખાતે યાત્રા કરવાની હોય છે. આ મંદિરો પૈકી કેદારનાથ મુખ્ય મંદિર ગણાય છે, જે છોટા ચાર ધામ (એટલે કે નાના ચાર યાત્રાસ્થળો) અથવા યાત્રાધામ કેન્દ્ર પૈકીનું એક છે તથા હિમાલય પર્વતમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં આવેલ છે; છોટા ચાર ધામમાં બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી એ અન્ય ત્રણ સ્થળોની ગણના કરવામાં આવે છે. કેદારનાથ એ દ્વાદશ (બાર) જ્યોતિર્લિંગ પૈકીનું એક ધામ પણ છે.[][]

ગઢવાલ પ્રદેશને ભગવાન શિવના સ્થાનિક નામ કેદાર પરથી કેદાર-ખંડ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં વૈષ્ણવ સંપ્રદાય કરતાં ભગવાન શિવનું પૂજન કરતા શૈવ સંપ્રદાયને લગતાં પ્રતિકો અને પ્રાચીન અંશો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગઢવાલ ક્ષેત્રના પશ્ચિમી ભાગમાં આવેલ આ વિસ્તાર, કે જે ચમોલી જિલ્લાનો અડધા જેટલો ભાગ છે, તે ખાસ કરીને કેદાર ક્ષેત્ર અથવા કેદાર મંડળ તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રના ઘેરાવામાં પંચકેદારનાં તમામ પાંચ મંદિરોનો સમાવેશ થાય છે.[]

પંચકેદાર યાત્રાના પ્રથમ ક્રમના મંદિર કેદારનાથ ખાતે વર્ષ ૨૦૦૭ દરમિયાન મંદિર ખાતેની નોંધ મુજબ ૫૫૭૯૨૩ જેટલા શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ ૧૯૮૭માં ૮૭૬૨૯ શ્રદ્ધાળુઓ અહીં મુલાકાતે આવ્યા હતા. આ નોંધના આંકડાઓ ૨૦ વર્ષ જેટલા સમયગાળામાં યાત્રાળુઓની સંખ્યામાં આવેલ પ્રભાવશાળી વધારા તરફ નિર્દેશ કરે છે..[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

એવું કહેવાય છે કે આ પંચકેદાર યાત્રા (જાત્રા)નો સીધો સંબંધ નેપાળના ગોરખનાથ સંપ્રદાય (તેમની યાત્રા પરંપરાઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે) સાથે જોડાયેલ છે. સાબિતી તરીકે એમ જણાવવામાં આવેલ છે કે, આ સંપ્રદાય જ્યાં ભગવાન શિવની ખૂંધ છે, તેવા કેદારનાથ ખાતે નહીં પણ તે પહેલાં નેપાળમાં કાઠમંડુ યાત્રાધામ ખાતે પશુપતિનાથ મંદિર ખાતે જતા, જ્યાં હાલમાં ભગવાન શિવના મસ્તકની પૂજા કરવામાં આવે છે. આ સંદર્ભે વધુ એક સહાયક હકીકતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે છે કે કેદારનાથના મંદિર અને કાઠમંડુ ખાતેના પશુપતિનાથ મંદિરના ઉપરના ગુંબજ એક સમાન રીતે બાંધવામાં આવેલ છે.[]

દંતકથાઓ

[ફેરફાર કરો]
પશુપતિનાથ મંદિર સંકુલ, કાઠમંડુ, નેપાળ
બદ્રીનાથ મંદિર
ઉખીમઠ મંદિર, જ્યાં શિયાળાના સમય દરમિયાન કેદારનાથ અને મધ્યમહેશ્વર દેવતાઓને રાખવામાં આવે છે

ગઢવાલ પ્રદેશમાં પંચકેદાર મંદિરોની સ્થાપના વિશે લોકોમાં ઘણી દંતકથાઓ સાંભળવા મળે છે, જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે.

પંચકેદાર સાથે સંબંધિત એક સ્થાનિક દંતકથા અનુસાર હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવોએ મહાભારતમાંના વર્ણન અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમના હાથે પિતરાઈ બંધુ કૌરવોની હત્યા (ગોત્ર-હત્યા) તેમ જ પૂજારીઓની હત્યા (બ્રહ્મ-હત્યા) થઈ હતી. આ પાપનું પ્રાયશ્ચિત કરવાની ઇચ્છા થતાં પાંડવો તેમના અનુગામીઓને રાજ્યશાસન સોંપી અને આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા હતા. પ્રથમ, તેઓ પવિત્ર શહેર વારાણસી (કાશી, કે જેને ભગવાન શિવનું મનપસંદ શહેર છે અને શિવ મંદિર માટે જાણીતું છે) ગયા હતા. પરંતુ ભગવાન શિવ કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન તેમની સાથે પાંડવોના આચારથી નારાજ હતા, આથી તેમણે પાંડવોને દર્શન આપવાનું ટાળવા માટે વૃષભ (અથવા નંદી કે આખલો)નું રૂપ ધારણ કર્યું હતું અને હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવી ગયા હતા.

ભગવાન શિવ વારાણસી ખાતે ન મળતાં પાંડવો ગઢવાલ હિમાલય ખાતે ગયા હતા. પાંચ પાંડવ ભાઈઓ પૈકીના બીજા ક્રમના ભીમ ઉભા રહીને બે પર્વતો વચ્ચેથી જોવા લાગ્યા હતા. ત્યારે ભીમે ગુપ્તકાશી ("ગુપ્ત કાશી" — આ નામ કાશીથી અહીં આવી શિવ ગુપ્ત જગ્યાએ સંતાયા હોવાથી પડ્યું છે) નજીક એક વૃષભને જોયો હતો. ભીમ આ સ્વરૂપને ઓળખી ગયા અને વૃષભની પુંછડી તેમ જ પગ પકડવા પ્રયાસ કર્યો. પરંતુ આ વૃષભ ગુપ્તકાશી ખાતે ભૂગર્ભમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ત્યારબાદ તે ફરીથી પાંચ અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થયા: તેમની ખૂંધ કે ઢેકો કેદારનાથ ખાતે દેખાયા હતા, તેમના બાહુ (હાથ) તુંગનાથ ખાતે દેખાયા હતા, તેમના મસ્તકનો ભાગ રુદ્રનાથ ખાતે દેખાયો હતો, પેટ અને નાભિ મધ્યમહેશ્વર ખાતે દેખાયા અને તેમની જટા (વાળ) કલ્પેશ્વર ખાતે દેખાયા હતા.. પ્રાયશ્ચિત કરી આશીર્વાદ મેળવવા ઉત્સુક પાંડવો પુન: પ્રગટ થયેલ પાંચ અલગ અલગ સ્વરૂપોને જોઈ રાજી થયા અને આ પાંચ સ્થળો ખાતે પૂજા કરવા માટે તેમ જ તેમના પાપોથી મુક્તિ મેળવવા માટે  શિવનાં મંદિરોની સ્થાપના કરી હતી. પાંડવો હતા આમ મુક્ત છે. એમ પણ માનવામાં આવે છે કે આ ભગવાન શિવના આ ભાગો નેપાળના ભક્તપુર જિલ્લામાં આવેલા ડોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ દેખાયા હતા.[][]

એક અન્ય સ્થાનિક કથા મુજબ ભીમે વૃષભને પકડી જ લીધો હતો, એટલું જ નહીં પણ તેને અદ્રશ્ય થવામાંથી પણ રોકી લીધો હતો. પરિણામે આ વૃષભ જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાઈ ગયા હતા અને અંતે હિમાલય પર્વતમાળાના ગઢવાલ ક્ષેત્રમાં આવેલ કેદારખડમાં પાંચ અલગ અલગ સ્થળોએ  દેખાયા હતા. પંચકેદારનાં મંદિરોની સ્થાપના કર્યા પછી પાંડવોએ કેદારનાથ ખાતે ધ્યાન ધરી પ્રાયશ્ચિત કર્યું તેમ જ પાપમાંથી મુક્તિ મેળવવા યજ્ઞ કર્યો અને પછી સ્વર્ગારોહિણી (સ્વર્ગ તરફ આરોહણ) માર્ગ દ્વારા (જેને મહાપ્રયાણ પણ કહેવાય છે), સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.[સંદર્ભ આપો]

પંચકેદાર ખાતે ભગવાન શિવનાં દર્શન કરી યાત્રા પૂર્ણ કર્યા પછી યાત્રાધામ બદરીનાથ ખાતે ભગવાન વિષ્ણુનાં દર્શન કરવાનો વણલખ્યો ધાર્મિક રિવાજ ભક્તોમાં પ્રચલિત છે, જેના વડે ભગવાન શિવ પાસે ભક્તે આશીર્વાદની યાચના કરી છે, એવું હકારાત્મક રીતે સાબિત થાય છે.[]

પંચકેદાર મંદિરોમાંથી તુંગનાથ સિવાય મંદિરોના પૂજારીઓ અને પંડિતો કે જે પૂજા-વિધિનાં કાર્યો કરે છે, તે દક્ષિણ ભારત ખાતેથી આવેલ છે. કેરળના મલબાર ખાતેથી લાવવામાં આવેલા નામ્બુદ્રી બ્રાહ્મણો બદરીનાથ ખાતે પૂજા-કાર્ય સંભાળે છે અને તેમને રાવલ નામથી ઓળખવામાં આવે છે. મધ્યમહેશ્વર ખાતે પૂજાકાર્ય જંગામાઓ સંભાળે છે, જે શુદ્ધ વિરાશૈવ લિંગાયતો છે, જેઓ મૈસુર ખાતે ચિત્રાકલ ખાતેથી લાવવામાં આવેલ છે.  Dasnami Gosains આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વ્યવસ્થા મુજબ રુદ્રનાથ અને કલ્પેશ્વર મંદિર ખાતેના મુખ્ય પૂજારીઓ દસનામી ગોસાંઈઓ છે. તુંગનાથ મંદિર ખાતે પૂજન સેવા બંગાળના ખાસી બ્રાહ્મણો કરે છે. તુંગનાથના કિસ્સામાં એમ પણ કહેવાય છે કે મોકુમઠના સ્થાનિક બ્રાહ્મણો પાસે પૂજાનો અધિકાર છે.

કેદારનાથ મંદિરના પુરોહિત બધા જ કેદારનાથ તીર્થના પુરોહિતો (પંડાઓ) પ્રાચીન કાળથી હિમાલયના કેદારખંડમાં વસતા બ્રાહ્મણ છે, તેઓ અહીં ત્રેતાયુગના અંત-સમય થી કળીયુગની શરુઆતના સમયથી રહે છે. જ્યારે પાંડવો હિમાલય ખાતે મોક્ષ પ્રાપ્ત કરવા આવ્યા અને પછી તેમણે સ્વર્ગ તરફ મહાપ્રયાણ કર્યું, ત્યારપછી તેમના પૌત્ર રાજા જન્મેજય કેદારનાથ આવ્યા હતા અને અહીંના મંદિર ખાતે પૂજાવિધિ કરવાનો અધિકાર તેમણે અહીંના બ્રાહ્મણોને આપ્યો હતો. તેઓ ગુપ્તકાશી નજીક રહે છે. શરૂઆતમાં આ બ્રાહ્મણોની સંખ્યા ૩૬૦ જેટલી હતી.[૧૦]

ચૌખંભા શિખર
ત્રિશુલ શિખર
નંદા દેવી શિખર

પંચકેદારનાં પાંચ મંદિરો ઉપરી હિમાલય વિસ્તારનાં બરફ-આચ્છાદિત ઉચ્ચ પર્વતશિખરો નંદા દેવી, ચૌખંભા, કેદારનાથ અને નીલકંઠ શિખરોની વચ્ચે આવેલાં છે. કેદારનાથ ખાતે મંદાકિની નદીનો ખીણ વિસ્તાર છે, જ્યારે અન્ય મંદિર ઉંચા પહાડોમાં મંદાકિની નદીના ખીણપ્રદેશ અને અલકનંદા નદીના ખીણપ્રદેશની વચ્ચે આવેલાં છે. તુંગનાથ સિવાયનાં બાકીનાં મંદિરો દુર્ગમ સ્થળોએ આવેલાં છે, જેથી ત્યાં પહોંચવા માટે હજુ પણ સડકમાર્ગ ઉપલબ્ધ નથી અને પગપાળા ચાલીને જ પહોંચી શકાય છે. આ પગપાળા યાત્રાની શરૂઆત એપ્રિલ મહિનાના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં થાય છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વર્ષના બાકીના સમય શિયાળા દરમિયાનભારે બરફવર્ષાને કારણે મંદિરો બંધ કરવામાં આવે છે. તુંગનાથ નજીકના મુખ્ય સડકમાર્ગ થી લગભગ 3 km (2 mi) જેટલા અંતરે હોવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન એક ટૂંકા પદ‌આરોહણ માર્ગ દ્વારા સુલભ છે. (જુઓ બાહ્ય કડીઓમાં આપેલ નકશાની કડી).

હિમાલય પર્વતશૃંખલામાં ગઢવાલ ક્ષેત્રના દૂરના ઉત્તર ભાગમાં આવેલ કેદારનાથ પર્વતના ઢોળાવની દુર્ગમ જગ્યા પર કેદારનાથ આવેલ છે. કેદારનાથ પર્વતનું પાણી મંદાકિની નદી, કે જેનો સ્ત્રોત ચોરાબારી હિમનદીમાંથી સતત વહેતું પાણી છે, તેમાં મળી જાય છે. આથી મંદાકિની ખીણપ્રદેશનો આ વિસ્તાર ઠેર ઠેર અત્યંત રમણીય દૃશ્યો ઊભાં કરે છે. દુધગંગા, મધુગંગા, સ્વર્ગદ્વારી અને સરસ્વતી નદીના પ્રવાહો આ ખીણમાં કેદારનાથ મંદિર પાછળના ભાગમાં વહે છે. આ મંદિરની નજીક ચાર પવિત્ર તળાવો પણ જોઇ શકાય છે, જે રેતા, ઉદાક, રુદ્ર અને ઋષિ તરીકે ઓળખાય છે. ઉત્તુંગ બરફ-આચ્છાદિત શિખરો પંચચુલી, નંદા દેવી, દુનાગિરિ, કેદારનાથ અને બંદરપુંછ તુંગનાથ ખાતેથી જોવા મળે છે. રુદ્રનાથ નજીક વૈતરણીનો પ્રવાહ વહે છે. ઉરગામ ખીણમાં સ્થિત કલ્પેશ્વર આવેલ છે, જે એક ગાઢ જંગલ વિસ્તાર છે. ઉરગામ ખીણમાં સફરજનનાં વૃક્ષો અને સીડી માફક બનાવવામાં આવેલાં ખેતરો છે, જ્યાં મોટા પ્રમાણમાં બટાકા ઉગાડવામાં આવે છે. ઉરગામ ખીણમાંથી કલ્પગંગા નદી વહે છે, જે અલકનંદા નદીની સહાયક નદી છે.[૧૧]

પગપાળા યાત્રા

[ફેરફાર કરો]

આ પંચકેદાર મંદિરો જુદી જુદી દિશામાં, એકબીજા થી ચોક્કસ અંતરે અને દુર્ગમ સ્થળે (પાંખી વસ્તીવાળા, ઊંચા ઢોળાવવાળા અને બરફથી ઢંકાયેલા) આવેલાં છે, જ્યાં નજીકના સડકમાર્ગ પરથી પગપાળા ચાલીને જવું પડે છે. ગઢવાલ પ્રદેશમાં આવેલા આ પદઆરોહણ માર્ગોને ઉત્તુંગ બરફ શિખરો નંદા દેવી (7,817 m or 25,646 ft), ત્રિશુલ (7,120 m or 23,360 ft) અને ચૌખંભા (7,138 m or 23,419 ft) મનને મુગ્ધ કરતું અને આકર્ષક દૃશ્ય પૂરું પાડે છે. ગઢવાલ પ્રદેશમાં સૌથી વધુ પૂજા ગંગા નદી તથા તેની ઘણી ઉપનદીઓની કરવામાં આવે છે, જેનો આ કેદારખંડમાંથી આરંભ થાય છે, જે આ પંચકેદાર મંદિરોની શોભામાં ઉમેરો કરે છે.

તમામ પાંચ મંદિરોને આવરી લેતા સડકમાર્ગ તેમજ પગપાળામાર્ગની કુલ લંબાઈ લગભગ 170 km (110 mi) (ગૌરીકુંડ ખાતેથી) જેટલી છે અને તમામ મંદિરોની યાત્રા કરવા માટે ૧૬ દિવસ લાગે છે. હિમાલયની પર્વતશ્રેણીના પહાડોમાં કરવામાં આવતી આ યાત્રા ગૌરીકુંડ ખાતેથી શરૂ થાય છે. આ યાત્રા વર્ષમાં બે ઋતુઓ દરમિયાન હાથ ધરવામાં આવે છે; ત્રણ મહિના ઉનાળા દરમિયાન અને ચોમાસાના બે મહિના સુધી. બાકીના સમયગાળામાં રુદ્રનાથ સિવાયનાં અન્ય ચાર પંચકેદાર મંદિરો બરફથી ઢંકાઈ જવાને કારણે ત્યાં પહોંચવાનું દુર્ગમ બની જાય છે.[૧૨]

ઋષિકેશ ઉત્તરાખંડના ગઢવાલના મેદાનો જવા માટેનું પ્રથમ પ્રવેશદ્વાર છે. ઋષિકેશ ખાતે દિલ્હી થી સડકમાર્ગ દ્વારા 230 km (140 mi) જેટલું અંતર કાપી પહોંચી શકાય છે. ઋષિકેશ ખાતેથી એક ધોરી માર્ગ રુદ્રપ્રયાગ થઈને ગૌરીકુંડ ખાતે લઈ જાય છે, જ્યાંથી પંચકેદાર યાત્રાનું પહેલું ચરણ કેદારનાથ મંદિર માટે શરૂ થાય છે. કેદારનાથ આવવા તેમ જ જવા માટે બંને વખતે પગપાળા ચાલીને 14 km (8.7 mi) જેટલું અંતર કાપવું પડે છે. ત્યારબાદ વાહનમાં મુસાફરી કરી ગુપ્તકાશી પહોંચી, ત્યાંથી 30 km (19 mi) જેટલા અંતરે આવેલ જગાસુ ખાતે જવું પડે છે. જગાસુથી ગૌંડાર થઈને મધ્યમહેશ્વર જવા માટે 24 km (15 mi) જેટલું અંતર કાપવું પડે છે. આ માર્ગ ખાતેથી ચૌખંભા, કેદારનાથ અને નીલકંઠ શિખરોનાં અદ્‌ભુત દૃશ્યો જોવા મળે છે. મધ્યમહેશ્વર થી જગાસુ પરત ફર્યા પછી વાહન મારફતે 45 km (28 mi) જેટલા અંતરે આવેલ ચોપતા ખાતે પહોંચવું પડે છે. ચોપતાથી તુંગનાથ મંદિર ખાતે પગપાળા લગભગ 4 km (2.5 mi) જેટલું ચાલીને પહોંચી શકાય છે. તુંગનાથ થી પરત ફર્યા પછી ચોપતા થી વાહન દ્વારા મંડલ (ભારે વરસાદના કારણે ગઢવાલના ચેરાપુંજી તરીકે ઓળખાતું) પહોંચવા માટે 8 km (5.0 mi) જેતલું અંતર કાપવું પડે છે. મંડલ ગામ ખાતેથી રુદ્રનાથ જવાનો પગપાળા માર્ગ શરુ થાય છે, જે 20 km (12 mi) જેટલો લાંબો છે. રુદ્રનાથ ખાતેથી પરત આવ્યા પછી મંડલ ખાતેથી વાહન દ્વારા હેલંગ પહોંચી શકાય છે. હેલંગ થી પગપાળા યાત્રા કરી 11 km (6.8 mi) જેટલું અંતર કાપી ઉરગામ થઈને કલ્પેશ્વર પહોંચી શકાય છે. જો કે સખત ઢોળાવને કારણે કઠીન લાગતા આ માર્ગ પર નાના જીપ જેવા વાહન માટે કાચો પાકો રસ્તો બની જવાથી હવે માત્ર લ્યારી ગામ ખાતેથી સાડા ત્રણ કિ. મી. જેટલું અંતર જ ચાલીને કલ્પેશ્વર પહોંચી શકાય છે. કલ્પેશ્વરથી હેલંગ પરત આવી ત્યાંથી વાહનમાં 233 km (145 mi) જેટલા અંતરે આવેલ ઋષિકેશ ખાતે પરત જઈ શકાય છે.[૧૩]

નજીકનું વિમાનમથક જોલી ગ્રાન્ટ, દહેરાદૂન (258 km or 160 mi) ખાતે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ (241 km or 150 mi) ખાતે આવેલ છે.[૧૪]

શિયાળા દરમિયાન પૂજા

[ફેરફાર કરો]

શિયાળાના સમય દરમિયાન કલ્પેશ્વર સિવાયનાં મંદિરો બરફવર્ષાને કારણે દુર્ગમ પરિસ્થિતિ સર્જાવાને કારણે બંધ કરી દેવામાં આવે છે. આ સમયે ભગવાન શિવની પવિત્ર સાંકેતિક પ્રતિમાઓ અન્યત્ર પૂજન હેતુ લાવવામાં આવે છે. આ સમય દરમિયાન કેદારનાથની પૂજા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે, તુંગનાથની સાંકેતિક પ્રતિમાનું પૂજન મોકુમઠ ખાતે, રુદ્રનાથની સાંકેતિક પ્રતિમાનું પૂજન ગોપેશ્વર ખાતે અને મધ્યમહેશ્વરની સાંકેતિક મૂર્તિનું પૂજન ઉખીમઠ ખાતે કરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Eight days of bliss". મૂળ માંથી 2012-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-05.
  2. Harshwanti Bisht (૧૯૯૪). Tourism in Garhwal Himalaya. Panch Kedar. Indus Publishing. પૃષ્ઠ 84–86. ISBN 9788173870064. મેળવેલ 2009-07-05.
  3. "Chard Dham Yatra". Government of Uttarakhand, Official website. મૂળ માંથી ૧૨ મે ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ 2009-07-14.
  4. J. C. Aggarwal; Shanti Swarup Gupta (૧૯૯૫). Uttarakhand: past, present, and future. Chamoli district. Concept Publishing Company. પૃષ્ઠ 222. ISBN 9788170225720.
  5. "Number Of Pilgrims". મૂળ માંથી ૨૧ જુલાઈ ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ 2009-07-20. Check date values in: |archive-date= (મદદ)
  6. Bill Aitken (૨૦૦૩). Footloose in the Himalaya. Chapter 15: The Best Little Trek. Orient Blackswan,. પૃષ્ઠ 134–141. ISBN 9788178240527. મેળવેલ 2009-07-15.CS1 maint: extra punctuation (link)
  7. "Panch Kedar Yatra". મેળવેલ 2009-07-05.
  8. Kapoor. A. K.; Satwanti Kapoor. Ecology and man in the Himalayas. M.D. Publications Pvt. Ltd. પૃષ્ઠ 250. ISBN 9788185880167.
  9. "Panch Kedar". મૂળ માંથી ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૦૯.
  10. Jha, Makhan (૧૯૯૮). India and Nepal. Sacred Complex in Garhwal Himalayas. M.D. Publications Pvt. Ltd. પૃષ્ઠ 143. ISBN 9788175330818.
  11. "Trekking in India uk". મેળવેલ 2009-07-12.
  12. "Trekking: Madhyamaheshwar: Reaching Shiva's Navel". મેળવેલ 2009-07-13.
  13. Bradnock, Roma (૨૦૦૦). Indian Himalaya handbook. Footprint Travel Guides. પૃષ્ઠ 114–5.
  14. "Panch Kedar: Rudranath". Shri Badrinath -Shri Kedarnath Temple Committee. ૨૦૦૬ ૨૦૧૭. મેળવેલ 2009-07-16. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]