પદ્મારાણી | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 25 January 2016 મુંબઈ, મહારાષ્ટ્ર | (ઉંમર 79)
વ્યવસાય | રંગમંચ અને ચલચિત્ર અભિનેત્રી |
જીવનસાથી | નામદાર ઈરાની |
પદ્મારાણી (૨૫ જાન્યુઆરી ૧૯૩૭ – ૨૫ જાન્યુઆરી ૨૦૧૬) ગુજરાતી અને હિન્દી ચલચિત્ર તથા રંગમંચ અભિનેત્રી હતા.
પદ્મારાણીનો જન્મ ૨૫ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એક મહારાષ્ટ્રિયન પરિવારમાં થયો હતો. તેણીનો ઉછેર ગુજરાતના વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી ઊંચી પોળના કણબી વાડમાં થયો હતો.[૧] તેમના પિતા ભીમરાવ ભોસલે બેરિસ્ટર હતા અને તેમની માતા કમલાબાઈ રાણે ગોવાના વતની હતા. તેમના પરિવારને આર્થિક સંકટમાં મદદરૂપ થવા માટે તેમણે તથા તેમની નાની બહેન સરિતા જોશીએ રંગમંચ પર અભિનય કરવાનું શરૂ કર્યું હતું.[૨][૩][૪] તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ વડોદરાના દાંડિયા બજારની ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાંથી પૂર્ણ કર્યું હતું.[૧][૪]
વડોદરાના રમણલાલ મૂર્તિવાલાના એક નાટકમાં તેમના તથા તેમની બહેનના અભિનયથી અરુણા ઈરાનીના પિતા ફરેદૂન ઈરાની પ્રભાવિત થયા હતા.[૧][૪][૩] તેઓ તેમને મુંબઈ લઈ ગયા. અઢાર વર્ષની ઉંમરે પદ્મારાણીએ જમીનદાર અને પારસી પરિવારના સભ્ય, અરુણા ઈરાનીના કાકા અને રંગમંચ દિગ્દર્શક નામદાર ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તેઓની પુત્રી, ડેઈઝી ઈરાની પણ અભિનેત્રી છે. ડેઈઝી તેના લગ્ન પછી સિંગાપુર માં સ્થાયી થયા હતા.[૩]
પદ્મારાણીએ ફિલ્મોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશા તેમને પ્રિય રહ્યું છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેજ તેમના માટે ખાસ મહત્વ હતું, તેઓએ રવિવારે ફિલ્મો માટે શૂટ ક્યારેય કર્યું નહોતું, કારણ કે રવિવારે તેઓ સ્ટેજ પર કોઈ ને કોઈ નાટક માટે મુંબઈ માં હાજર જ હોય. તેમણે કુલ ૬,૦૦૦ નાટકના શો કર્યા છે. તેઓના ખુબ પ્રચલિત નાટકોમાં બા રીટાયર્ડ થાય છે, બા એ મારી બાઉન્ડ્રી, કેવડાના ડંખ, સપ્તપદી, ચંદરવો, ફાઈવ સ્ટાર આન્ટી અને વચન મુખ્ય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તેમણે માતાની મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઘણી વખત તેમને નિરુપા રોય સાથે સરખાવવામાં આવેલ છે. તેમનું છેલ્લું નાટક અમારી તો અરજી બાકી તમારી મરજી હતું.[૩][૫] તેમણે ગુજરાતી નામાંકિત અભિનેતા અરવિંદ રાઠોડ સાથે અનેક નાટકોમાં કામ કર્યું છે. બા રીટાયર્ડ થાય છે, એ તેઓનું જાણીતું નાટક છે.[૨][૬]
તેમણે ૨૦૦થી પણ વધુ ગુજરાતી ચલચિત્રોમાં કામ કર્યું હતું. [૬]પ્રથમ ફિલ્મ, ૧૯૬૧માં નરસૈયાની હુંડી હતી. તેના આગામી મોટી ફિલ્મ ૧૯૬૩માં આશા પારેખના મુખ્ય પાત્ર વળી ફિલ્મ, અખંડ સૌભાગ્યવતી હતી. તે સમયમાં તેઓના લગ્ન થયા. ગુજરાતી કવિ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (ઉપનામ - કલાપી) ના જીવન પર આધારિત ફિલ્મ - કલાપીમાં (૧૯૬૬) સંજીવ કુમાર સાથે ભૂમિકામાં હતા. પાતળી પરમાર (૧૯૭૮ – ઉપેન્દ્ર ત્રિવેદી), ગંગાસતી (૧૯૭૯), લોહીની સગાઇ (૧૯૮૦), ભગત પેપાજી (૧૯૮૦ – પ્રખ્યાત કવિ ભગત પીપા ના જીવન પર આધારિત), કસુંબીનો રંગ, શામળશાહનો વિવાહ જેવી અનેક ફિલ્મોમાં તેઓએ અભિનય કર્યો છે.[૧][૪]
તેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવુડની ફિલ્મોમાં પણ ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે પરિવાર (૧૯૬૮), વીર ઘટોત્કચ (૧૯૭૦), જય સંતોષી મા (૧૯૭૫), દિલ (૧૯૯૦), ઝાલિમ (૧૯૯૪) વગેરેમાં તેમની ભૂમિકા ખૂબ જ વખણાઈ છે.[૨][૩]
પદ્મારાણીએ ગાયક હિમેશ રેશમિયા સાથે ૩ વખત શો કર્યા છે. તેઓ સ્વપ્ન કિનારે ટીવી શોના ૧૦૦૦થી વધુ હપ્તાઓમાં દેખાયા હતા. તેઓની એક મુલાકાતમાં અનુસાર, તેમણે ઘણા ટીવી શોની ઓફર નકારી હતી, કારણકે સ્ટુડિયો દૂર હતો. ઘણા નવા દિગ્દર્શકો ભૂમિકા માટે ઓડિશન માટે તેમને પૂછતા ત્યારે તે નકારી દેતા.