![]() | |
અન્ય નામો | પુચકા, ગોલ ગપ્પા, ગુપ ચુપ, બતાશા |
---|---|
વાનગી | નાસ્તો |
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | દક્ષિણ એશિયા |
મુખ્ય સામગ્રી | લોટ, મસાલેદાર પાણી, કાંદા, બટેટાં, સફેદ વટાણાં |
|
પાણીપૂરી કે પકોડીપૂરી (હિંદી पानीपूरी પાનીપુરી, મરાઠી पाणीपुरी પાણીપુરી તરીકે પશ્ચિમ ભારતમાં પ્રચલિત), આ સિવાય અન્ય નામો ગોલ ગપ્પા (ઉત્તર ભારત), પુચકા (બંગાળી), બતાશા કે ગુપ ચુપ(ઉડિયા) એ ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતો એક નાસ્તો છે. આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી, ફુદીનાનું મસાલેદાર પાણી, ચણા-બટેટાં (અને ક્યારે ચણાને બદલે વટાણા) ભરીને ખવાય છે. મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે.
પાણીપૂરી નામ આ વાનગીમાં વપરાતા મસાલેદાર પાણી અને પૂરી નામના ઘટક પરથી ઉતરી આવ્યું છે. ગોલ ગપ્પા નામ ગોળ આકારની કરકરી પુરી (ગોલ) અને એક જ કોળીય ખવાતી હોવાથી (ગપ્પા)એમ તરી આવ્યું છે. આને ખાતા પુચક કરીને અવાજ આવતો હોવાથી આને બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પુચકા તરીકે પણ ઓળખાય છે. આને ઓરિસ્સા, દક્ષિણ ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં તે ગુપચુપ તરીકે પણ ઓળખાય છે.
પાણીપૂરીનું ઉદગમ ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે. સાહિત્યિક પુરાવા પરથી એમ જણાય છે કે તે બનારસની આસપાસના ક્ષેત્રમાં આ વાનગી ઉદ્ગમ પામી હશે. [૧][૨] ગોલ ગપ્પા નામનું એક બાળ માસિક ૧૯૭૦થી દીલ્હીથી પ્રસિદ્ધ થાય છે.[૩] (અમુક છેલ્લાં દાયકાઓને બાદ કરતાં ગોલ ગપ્પા મુખ્યત્વે બાળકો દ્વારાજ ખવાતાં). ઉત્તરભારતથી વધેલા માનવ સ્થળાંતરને પરિણામે આ વાનગી આખા ભારતમાં પ્રસરી અને લોકપ્રિય બની. ઉત્તર ભારતમાં ચાટની વણઝારનો અંત પાણી પુરીથી કરાય છે જ્યારે ગુજરાતમાં ચાટ સાથે કે તે સીવાય પણ પાણીપૂરી એકલી જ નાસ્તામાં કે ક્યારેક ભરપેટ ખાવામાં આવે છે.
પારંપારિક રીતે પાણીપૂરી ચુકવેલી રકમ પ્રમાણે નિર્ધારીત સંખ્યામાં સૂકા પાંદડાના કે કાગળના બનેલ પડીયામાં ખાવા અપાતી હતી પરંતુ આજકાલ સ્ટીલની નાની ડીશમાં તે પીરસવામાં આવે છે. અમુક સ્થળોએ પાણીપૂરી પહેલેથી બનાવીને પીરસાય છે પણ તેને ખાવાની સૌથી સારી રીત એક એક બનાવીને એક એક ખાવામાં જ છે જે રસ્તાપરનો ભૈયો (પાણીપૂરી વેચનાર વ્યક્તિનું ગુજરાતમાં સર્વસામાન્ય હુલામણું નામ) બનાવીને આપે છે. ગ્રાહક હાથમાં નાનકડી ડીશ પકડે છે અને લારીની બાજુમાં ઉભો રહે છે. પછી લારી વાળો એક એક પાણીપૂરી બનાવીને એક એક પીરસે છે અને ગ્રાહક એક એક પાણીપૂરી ખાય છે. પાણીપૂરી પીરસનારે ખાનારની પસંદગીનો ખયાલ રાખવો પડે છે તે પ્રમાણે તીખું મીઠું પાણી, અંદરના ભરણીના ઘટકો , કાંદા વગેરેનું પ્રમાણ વધ ઘટ કરવું પડે છે. લારીવાળાએ ગ્રાહકે કેટલી પાણીપુરી ખાધી તેની ગણતરી પણ રાખવી પડે છે.
ક્ષેત્રીય પસંદગી પ્રમાણે પાણીપૂરીના ઘટક તત્વોમાં બદલાવ આવે છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં ખવાતી પાણીપૂરી પ્રસિદ્ધ છે તેમાં બાફેલા બટેટાં પણ ભરવામાં આવે છે.
ભારતના શહેરોમાં જુદી જુદી સોડમવાળા પાણી બનાવાય છે. દા. ત. ઈમલી કા પાની(આમલીનું પાણી), નીંબુ કા પાની(લીંબુનું પાણી), ફુદિને કા પાની(ફુદિનાનું પાણી)અને ખજૂર કા પાની (ખજૂરનું પાણી). ઊડિસા અને દક્ષિણ ઝારખંડના લોકો કોઈપણ મીઠાશ કે ફુદિના વગરની પાણીપૂરી પસંદ કરે છે. જ્યારે મહારાષ્ટ્રમાં બનતી પાણીપુરી વધુ મસાલેદાર અને તીખી હોય છે અને તેમાં ફણગાવેલા કઠોળ કે બૂંદી પણ નખાય છે. પાણીપૂરીને દહીં, કાંદા, સેવ સાથે પણ ખવાય છે. મહારાષ્ટ્રમાં દહીં બટટા પૂરી, કે સેવ બટાટા પૂરી પણ પ્રચલિત છે.
બોલીવુડની ફીલ્મો અને પડોશી ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત એવા નેપાળમાં પણ હાલમાં પાણીપૂરી પ્રચલિત થઈ છે. ગુજરાતમાં પાણીપૂરીને ક્યારેક પૂરીપકોડી કે પકોડીપૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુંબઈમાં રેંકડી પર પાણીપૂરી ખાધા પછી તીખા પાણી વગરની ફક્ત બટેટા, સેવ અને ચાટ મસાલાવાળી પુરી રેંકડીવાળા પાસેથી મફતમા લેવામા આવે છે. જેને સુક્ખાપુરી કહેવાય છે. જેના માટે મોઢાની તીખાશ દૂર કરવાનુ બહાનુ આપાય છે. તે ખાધા પછી લોકો ફરી પ્લૅટમાં પાણીપુરીનું તીખું/મીઠું પાણી લઈને પણ પીએ છે. ગુજરાતમાં અને ખાસકરીને અમદાવાદમાં આવી તીખા પાણી કે ચટણી વગરની પૂરીને 'મસાલાવાળી' પૂરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં માંગવાની જરૂર પડતી નથી, પરંતુ પાણીપૂરી વેચનાર વ્યક્તિ જાતે જ તમે નિર્ધારિત કરેલી રકમની કે સંખ્યાની પૂરી ખાઈ લો ત્યારે આવી પાણી-ચટણી વગરની પૂરી બનાવી તેમાં ચપટી સુકો મસાલો (જે સંચળ મિશ્રિત હોય છે) ભભરાવીને આપે છે. નાના બાળકો કે અન્ય લોકો જે તીખું ખાઈ ના શકતા હોય તે બધી જ પૂરી આવી કોરી (મસાલાપૂરી) ખાય છે.
આ ઉપરાંત પરંપરાગત રીતે પાણીપૂરીની અંદર ભરવામાં આવતો માવો બાફેલા બટાકા અને ચણામાં ફુદીના-મરચાંની તીખી ચટણી અને સંચળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી પાણીપૂરીમાં આવા સુકા માવાને બદલે અન્ય વાનગી રગડા-પેટીસનો ગરમાગરમ રગડો (વટાણા-બટાકાનું મસાલેદાર અને રસાદાર શાક) ભરીને લારીઓમાં પીરસવામાં આવે છે.
પાણીપૂરીના જૈન સંસ્કરણમાં બટેટા મિશ્રિતના રગડાને બદલે માત્ર વટાણાનો રગડો કે ફણગાવીને સાંતળેલા મગ કે પલાળેલી ખારી બુંધી નાખી પાણીપૂરી બનાવાય છે.