પાલીતાણા | |||
— નગર — | |||
પાલીતાણા
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°31′40″N 71°49′15″E / 21.527682°N 71.820718°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
વસ્તી | ૬૪,૪૯૭ (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે.
પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે.[૧]
પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું.
આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. મોટેભાગના જૈનો સમેત શિખર, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૬૧૬ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં.
પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સંગ્રહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે.[૨]
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.
ઇ.સ. ૨૦૧૪માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું હતું. અહીં માંસ, માછલી કે ઇંડા વેચવા અથવા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી.[૩][૪][૫][૬]
પાલીતાણાથી સૌથી નજીક્નું વિમાનમથક ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે. આ બંન્ને એરપોર્ટ, દેશનાં મોટાં શહેરો જેવાં કે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીકનું એરપોર્ટ છે.
પાલીતાણામાં રેલ્વે સ્ટેશન છે જે ભાવનગર સાથે જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદ સાથે જોડાયેલું છે. નજીકમાં સિહોર જંકશન આવેલું છે, જે મુંબઈ ,અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી, તિરુવંનતપુરમ સાથે જોડાયેલ છે. ૨૦૧૪ના રેલ્વે બજેટમાં મંજૂર થયેલ પાલિતાણા-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.[૭]
ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ, રાજકોટ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદથી એસ.ટી. અને ખાનગી બસો નિયમિત ચાલે છે જે લગભગ ૫ કલાકનો સમય લે છે. અમદાવાદથી પાલીતાણાનું અંતર ૨૧૫ કિ. મી. છે. ટેક્સી પણ મળી શકે છે.