પીલાજી રાવ ગાયકવાડ | |
---|---|
સેના ખાસ ખેલ | |
વડોદરા રાજ્યના પ્રથમ મહારાજા | |
શાસન | ૧૭૨૧ - ૧૭૩૨ |
પુરોગામી | ગાયકવાડ વંશની સ્થાપના |
અનુગામી | દામાજી રાવ ગાયકવાડ |
મૃત્યુ | ૧૭૩૨ ડાકોર, ગુજરાત |
વંશજ | દામાજી રાવ (દ્વિતીય) |
પિતા | પીલાજી રાવ ગાયકવાડ (પિતૃ) દામાજી ગાયકવાડ (પ્રથમ) (દત્તક) |
ધર્મ | હિંદુ |
પિલાજીરાવ ગાયકવાડ (મૃત્યુ ૧૪ મે ૧૭૩૨) મરાઠા સેનાપતિ હતા. તેઓ મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશના સ્થાપક માનવામાં આવે છે, જેઓ વડોદરાના મહારાજા બન્યા હતા.
પિલાજી, ઝીંગોજીરાવ કેરોજીરાવ ગાયકવાડના મોટા પુત્ર હતા. તેમના કાકા દામાજી (પ્રથમ) ગાયકવાડ (મૃત્યુ ૧૭૨૧) દ્વારા તેમને દત્તક લેવામાં આવ્યા હતા, જેમને યુદ્ધમાં બહાદુરી માટે છત્રપતિ શાહુએ ‘શમશેર બહાદુર’નું વારસાગત બિરુદ આપ્યું હતું.[૧]
ગાયકવાડ મૂળ દભાડે પરિવારના લેફ્ટનન્ટ, ગુજરાતના મરાઠા અગ્રણી અને ‘સેનાપતિ’નો ઈલકાબ ધરાવતા હતા. પિલાજી ત્રંબક રાવ દભાડેના ‘મુતાલિક’ (નાયબ) હતા. ૧૭૩૧માં જ્યારે ત્રંબક રાવને મરાઠા પેશવા સામે બળવો કરવા બદલ મારી નાખવામાં આવ્યા ત્યારે તેમના સગીર પુત્ર યશવંત રાવ દભાડેને ‘સેનાપતિ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પેશવાએ પોતાની અડધી આવક મરાઠા છત્રપતિની તિજોરીમાં મોકલવાની શરતે દભાડેને ગુજરાતમાં પોતાના વિસ્તારો જાળવી રાખવાની મંજૂરી આપી હતી. પિલાજીએ યશવંતરાવની સેવા ચાલુ રાખી જેથી ‘શમશેર બહાદુર’ ઉપરાંત પેશવા દ્વારા ‘સેના ખાસ ખેલ’નું બિરુદ આપવામાં આવ્યું.[૨]
૧૪ મે, ૧૭૩૨ના રોજ ગુજરાતના મુઘલ ગવર્નર અભાઈ સિંહના દૂતોએ ડાકોરમાં પિલાજીની હત્યા કરી હતી.[૨] વડોદરા-ડાકોર માર્ગ પર આવેલા સાવલી ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને તેમના પુત્ર દામાજી રાવ ગાયકવાડ (દામાજી દ્વિતીય તરીકે પણ ઓળખાય છે) નિયુક્ત થયા. જ્યારે દભાડોએ (એક મહારાષ્ટ્રીય રાજવી પરિવાર) પેશવા સામે બળવો કર્યો હતો ત્યારે દામાજી પેશવા બાલાજી બાજીરાવ સામે લડ્યા હતા. આ લડાઈમાં તેઓ હારી ગયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પેશ્વાએ તેમને દભાડના સ્થાને ગુજરાતના મરાઠા વડા તરીકે નિયુક્ત કર્યા હતા.[૩] આમ પિલાજીના વંશજોએ ગાયકવાડ વંશના રૂપમાં ગુજરાત પર શાસન કર્યું હતું.