પોનમુડી | |
---|---|
પોનમુડીથી સવારનું દ્રશ્ય | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 1,100 m (3,600 ft) |
અક્ષાંસ-રેખાંશ | 8°45′37″N 77°07′00″E / 8.76028°N 77.11667°E |
નામ | |
ભાષાંતર | പൊന്മുടി (મલયાલમ) |
ભૂગોળ | |
પિતૃ પર્વતમાળા | પશ્ચિમ ઘાટ |
આરોહણ | |
સૌથી સહેલો રસ્તો | ચઢાણ |
પોનમુડી (મલયાલમ: പൊന്മുടി, ભાષાંતર: સુવર્ણ શિખર) એ ભારતનાં દક્ષિણી રાજ્ય કેરળના થિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું એક ગિરિમથક છે. તે થિરુવનંતપુરમની ઈશાન દિશામાં ૬૧ કિ.મી. જેટલા અંતરે દરિયાઈ સપાટીથી ૧૧૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે. આ સ્થળ પશ્ચિમ ઘાટનો એક ભાગ છે અને આ પર્વતમાળા અરબી સમુદ્રને સમાંતર ચાલે છે.
પોનમુડી તે થિરુવનંતપુરમ સાથે એક સાંકડા અને વાંકડીયા રસ્તાથી જોડાયેલું છે. આખા વર્ષ દરમ્યાન અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. અહીં સુધી પગપાળા પર્યટન અને પર્વતારોહણ કરવા માટે થિરુવનંતપુરમ એ તળેટીનું સ્થળ બને છે. અહીં ચાના બગીચાઓ પણ આવેલા છે.
સોનેરી ખીણ અને નાનકડા ઝરણા અને નદીઓ અહીંનું અન્ય આકર્ષણ છે. અહીંના હરિયાળા જંગલોમાં ઉષ્ણ કટિબંધીય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અહીંના જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિસૃષ્ટિ જોવા મળે છે. સુવર્ણ ખીણમાંથી આસપાસની ટેકરીઓ અને કાલાર નદી સુધી પહોંચી શકાય છે. આ નદી જંગલોમાંથી વહે છે આથી તેના પટમાં ગોળાકાર પથરા, ઠંડુ પાણી, માછલીઓ અને જંગલને હરિયાળી મળે છે.
આ ક્ષેત્રનું અન્ય આકર્ષણ છે અગસ્ત્ય માલા અથવા અગસ્ત્યરકૂડમ. તે પશ્ચિમ ઘાટની સૌથી ઊંચી ટેકરીઓમાંની એક છે જેની ઊંચાઈ ૧૮૬૮ મી છે. આ ટેકરી ગીચ જંગલો વચ્ચે આવેલી છે અને જંગલ વિભાગની પરવાનગી મેળવ્યા પછી જ અહીં જઈ શકાય છે. મીન્મુટી ધોધ પણ આ ક્ષેત્રનું એક આકર્ષણ છે.