પ્રેમલતા અગ્રવાલ | |
---|---|
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કાર (૨૦૧૭) મેળવી રહેલા શ્રીમતી પ્રેમલતા અગ્રવાલ | |
જન્મની વિગત | પ્રેમલતા ગર્ગ ૧૯૬૩ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | પર્વતારોહક |
પ્રખ્યાત કાર્ય | સાત શિખર આરોહણ પૂર્ણ કરનારા પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક અને ૪૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનારા સૌથી મોટી ઉંમરના ભારતીય મહિલા પર્વતારોહક |
જીવનસાથી | વિમલ અગ્રવાલ |
પ્રેમલતા અગ્રવાલ (જ. ૧૯૬૩) સપ્તશિખર[upper-alpha ૧] સર કરનારા પ્રથમ ભારતીય મહિલા છે.[૧][૨] પર્વતારોહણના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ માટે તેમને ૨૦૧૩ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને ૨૦૧૭ માં તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[૩] ૨૦ મે, ૨૦૧૧ના રોજ, તે ૪૮ વર્ષની ઉંમરે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (૨૯,૦૨૯ ફૂટ)ને સર કરનારા સૌથી મોટી ઉંમરના ભારતીય મહિલા બન્યા હતા.[૪][upper-alpha ૨] તેઓ ઝારખંડ રાજ્યના માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ વ્યક્તિ પણ બન્યા હતા.[૫][૬]
આ પૂર્વે તેમણે ૨૦૦૪માં નેપાળમાં દ્વીપ શિખર અભિયાનમાં (૨૦,૬૦૦ ફૂટ); ૨૦૦૬માં કારાકોરમ પાસ (૧૮,૩૦૦ ફૂટ) અને માઉન્ટ સોલ્ટોરો કાંગરી (૨૦,૧૫૦ ફૂટ) શિખર અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે ૨૦૦૭માં પ્રથમ ભારતીય મહિલા થાર રણ અભિયાનમાં અને ૨૦૧૫માં ગુજરાતના ભુજથી પંજાબની વાઘા બોર્ડર (ભારત-પાક સરહદ) સુધી ૪૦ દિવસની ઊંટ સફારીમાં ભાગ લીધો હતો; તેમના પરાક્રમોએ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૂચિબદ્ધ કર્યા છે.[૫][૭][૮]
જમશેદપુરમાં પર્વતારોહણ સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેમણે ૩૬ વર્ષની ઉંમરે પર્વતારોહણ શરૂ કર્યું હતું ત્યારબાદ ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ દ્વારા તેમને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.[૯][૧૦]
વર્તમાનમાં તેઓ ટાટા સ્ટીલના સાહસ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.
તેઓ ૨૨ સભ્યોની ઇકો-એવરેસ્ટ અભિયાન ટુકડીનો હિસ્સો રહ્યા હતા. આ ટુકડીમાં ભારતીય સભ્યો સુનિતા સિંહ, નરેન્દર સિંહ, પવન ગ્રેવાલ, સુષ્મા અને વિકાસ કૌશિક ઉપરાંત બ્રાઝિલના પર્વતારોહક રોડ્રિગો રેનેરી અને મેક્સિકોના ડેવિડ લિયાનોનો પણ સમાવેશ થાય છે. તેમણે એક મહિનાથી વધુ સમય એવરેસ્ટ બેઝ કેમ્પની આસપાસ ચઢવામાં વિતાવ્યો હતો અને હિમાલયમાં ૨૦,૩૦૦ ફૂટ ઊંચી આઇલેન્ડ પીક પર ચઢવાની કવાયત પણ કરી હતી.[૮] તેમણે ૬ઠ્ઠી મેના રોજ મુખ્ય ચઢાણની શરૂઆત કરી હતી. તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પની ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ચઢાણ કરી કેમ્પ II પર પહોંચ્યા હતા. જોકે, તે પછી તેમણે પૂરક ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો અને ૨૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા કેમ્પ III અને ૨૬,૦૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા કેમ્પ IV પર પહોંચ્યા હતા. દાવા સ્ટીવન શેરપાની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય ટ્રેકિંગ ટુકડીએ શિખર પર ચઢવા માટે આખી રાત ટ્રેકિંગ કર્યું હતું. તેઓએ નેપાળ બાજુથી સાઉથ કોલ (કેમ્પ IV થી ૨૬,૦૦૦ ફૂટ) માર્ગ પર રાત્રે ૧૧ વાગ્યે શરૂઆત કરી હતી અને ૨૦ મે, ૨૦૧૧ના રોજ સવારે ૯.૩૫ વાગ્યે ૨૯,૦૨૯ ફૂટની ઊંચાઈ પર આવેલા શિખરને સ્પર્શ કર્યો હતો.[૫] શિખર પર પહોંચવાના એક કલાક પહેલા તેમણે પોતાનું એક હાથમોજું ગુમાવ્યું હતું, અને હાથમોજા વિના આટલી ઊંચાઈ પર ચઢવું શક્ય ન હોવાથી પાછા ફરવાનું નક્કી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને બરફ પર અગાઉ કોઈએ ફેંકી દીધેલા હાથમોજાની જોડી મળી આવી હતી.[૧૦]
તેમના આરોહણોની વિગતો આ પ્રમાણે છે.[૧૧]
ક્રમ. | ચિત્ર | શિખર | ઊંચાઈ | ખંડ | આરોહણ તારીખ |
---|---|---|---|---|---|
૧ | માઉન્ટ એવરેસ્ટ | 8,848 m (29,029 ft) | એશિયા | ૨૦ મે ૨૦૧૧ | |
૨ | એંકોકાગુઆ | 6,961 m (22,838 ft) | દક્ષિણ અમેરિકા | ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨ | |
૩ | ડેનાલી | 6,194 m (20,322 ft) | ઉત્તર અમેરિકા | ૨૩ મે ૨૦૧૩ | |
૪ | કિલિમાંજરો | 5,895 m (19,341 ft) | આફ્રિકા | ૬ જૂન ૨૦૦૮ | |
૫ | એલ્બ્રુસ પર્વત | 5,642 m (18,510 ft) | યુરોપ | ૧૨ ઓગસ્ટ ૨૦૧૨ | |
૬ | વિન્સન મૈસિફ | 4,892 m (16,050 ft) | એન્ટાર્કટીકા | ૫ જાન્યુઆરી ૨૦૧૩ | |
૭ | પુંચાક જાયા | 4,884 m (16,024 ft) | ઓસ્ટ્રેલિયા | ૨૨ ઓક્ટોબર ૨૦૧૩ |
તેઓ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના વતની છે, તેમના પિતા રામાવતાર ગર્ગ ઉદ્યોગપતિ છે. હાલમાં તેઓ ટાટા સ્ટીલ ઉદ્યોગજૂથમાં અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને રાજ્યના પૂર્વીય સિંહભૂમ જિલ્લાના જમશેદપુરના જુગસલાઈ શહેરમાં રહે છે.[૬] તેમણે વિમલ અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે, જે એક વરિષ્ઠ પત્રકાર છે. આ દંપતીને બે પુત્રીઓ છે, જેમાંથી એક વિવાહિત છે.[૬]