ફરદુનજી મર્ઝબાન (૧૭૮૭-૧૮૪૭) એક ગુજરાતી મુદ્રક, પત્રકાર અને તંત્રી હતા.[૧] તેમણે ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું હતું અને ભારતનું સૌથી જૂનું સમાચારપત્ર મુંબઇ સમાચાર શરૂ કર્યું હતું.[૨]
તેમનો જન્મ ૧૭૮૭માં સુરતમાં રહેતાં પારસી પૂજારીઓના કુટુંબમાં થયો હતો; તેમને શરૂઆતમાં પૂજારી બનવા માટે જ તાલીમ આપવામાં આવી હતી.[૩] ૧૮૦૫માં તેઓ મુંબઈ ગયા અને ત્યાં ફારસી અને અરબી ભાષાનો અભ્યાસ મુલ્લા ફિરોઝ હેઠળ કર્યો.[૧] ૧૮૦૮માં તેમણે બૂક બાઇંડિંગની દુકાન શરૂ કરી જે દરમિયાન તેઓ જીજીભાઈ છાપઘરના સંપર્કમાં આવ્યા અને કદાચ તેથી તેમણે ભારતનું છાપખાનું શરૂ કર્યું.[૨]
૧૮૧૨માં તેમણે છાપખાનાની સ્થાપના કરી પરંતુ ૧૮૧૪ સુધી કોઈ પણ પુસ્તક છપાયું નહીં.[૨] સૌથી પહેલું પુસ્તક એ ગુજરાતી વિક્રમ સંવત ૧૮૭૧નું પંચાંગ હતું જેની કોઈ પણ નકલ અત્યારે બચી નથી.[૨] તેમણે પારસીઓના વિવિધ ધર્મગ્રંથોને અને ફારસી પુસ્તકોને ગુજરાતીમાં અનુવાદિત કર્યા તથા તેમને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા. [૧]
ફરદુનજીએ મુંબઇ સમાચારની શરૂઆત ૧લી જુલાઈ ૧૮૨૨ના રોજ મિત્રોની મદદથી કરી.[૪] તે ૧૮૨૩ સુધી અઠવાડિક હતું, ત્યારબાદ અઠવાડિયામાં બે વખત પ્રકાશિત થવા લાગ્યું અને ૧૮૫૫થી તે દૈનિક બની ગયું.[૪]
૧૮૩૨નું વર્ષ તેમના માટે હાનિકારક રહ્યું. આ જ વર્ષે તેમણે મુંબઇ સમાચારમાંથી પોતાની જાતને પાછી ખેંચવી પડી અને ત્યારબાર હિંદુસ્તાન નામના તેમના ચીન સાથે વ્યાપાર કરતાં જહાજને ગુમાવ્યું.[૫] કદાચ આ જ નુકસાનોને લીધે તેઓ મુંબઈ છોડીને દમણ ગયા, જ્યાં તેમનું ૨૩મી માર્ચ ૧૮૪૭ના રોજ અવસાન થયું.[૫]