ભારતી શેલત | |
---|---|
જન્મ | મહેસાણા, બ્રિટીશ ભારત | 30 July 1939
મૃત્યુ | 2018 | (ઉંમર 78–79)
વ્યવસાય | પુરાતત્વવિદ્, પુરાલેખવેત્તા |
ભાષા | અંગ્રેજી, ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત કૉલેજ |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | ક્રોનોલોજિકલ સિસ્ટમ્સ ઑફ ગુજરાત (૧૯૬૯) |
ભારતી કિર્તીકુમાર શેલત (૩૦ જુલાઈ ૧૯૩૯ - ૨૦૧૮[૧]) એ ગુજરાતના ભારતીય પુરાતત્વવિદ્ હતા. તેમણે તેમની કારકિર્દી બી. જે. ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ગુજરાત થી આરંભ કરી હતી.
ભારતી શેલતનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૩૯ ના દિવસે રોજ મહેસાણામાં થયો હતો. તેમણે ૧૯૫૬ માં આર. બી. એમ. કે. ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદમાંથી એસ. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૬૦ માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત અને મનોવિજ્ઞાન વિષાયો સાથે બી. એ. નો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ૧૯૬૨માં તેમણે મુખ્ય વિષય સંસ્કૃત (પુરાલેખવેત્તા) અને ઉપ વિષય અર્ધમાગધી સાથે બી.જે. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ એમ. એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૯માં બી.જે. ઈન્સ્ટીટ્યૂટમાંથી તેમણે ક્રોનોલોજિકલ સિસ્ટમ્સ ઑફ ગુજરાત વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. ની પદવી મેળવી. ૧૯૭૨માં, તેમણે ટેક્સાસ વુમન્સ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં ફરીથી એમ.એ. નો અભ્યાસ કર્યો.[૧][૨]
ભારતી બહેને સંસ્કૃત અને અર્ધમાગધીના વ્યાખ્યાતા (લેક્ચરર) તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત એસ. વી. આર્ટસ્ કૉલેજ, અમદાવાદમાં ૧૯૬૪થી કરી હતી, અને ૧૯૬૯ સુધી તેમણે ત્યાં સેવા આપી. ૧૯૭૬માં, તેઓ ભારતીય સંસ્કૃતિ, દર્શન અને સંસ્કૃત સાહિત્યના પ્રવક્તા તરીકે બી. જે. ઈન્સ્ટીટ્યુટમાં જોડાયા અને ત્યાં એક લેક્ચરર અને અનુસ્નાતક વર્ગમાં (એમ.એ.નો અભ્યાસક્રમ) શિક્ષક (૧૯૮૨–૧૯૯૭) સેવાઓ આપી. ૧૯૯૭થી ૨૦૦૬ સુધીના સમયગાળામાં તેઓ પ્રોફેસર અને ડિરેક્ટર પણ બન્યા.[૧] તેઓએ ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી.[૨]
તેમને ૧૯૭૭માં ગુજરાત ઇતિહાસ પરિષદની ૯મી કૉન્ફરન્સમાં શ્રેષ્ઠ સંશોધન પેપર માટે હરિદાસ ગોકાણી ગોલ્ડ મેડલ મળ્યો હતો.[૧][૨]
ભારતીએ વિવિધ ક્ષેત્રોમાં ૨૦૦ જેટલા લેખો પ્રકાશિત કર્યા જેમાં એપેગ્રાફી (શિલાલેખ આદિનો અભ્યાસ), આંકડાશાસ્ત્ર, આઇકોનોગ્રાફી (ચિહ્નભાષાનો અભ્યસ), સંસ્કૃત ભાષા અને સાહિત્ય, હસ્તપ્રતવિદ્યા, ભારતીય ઘટનાક્રમ અને સંસ્કૃત શબ્દોની સંપાદન પદ્ધતિનો સમાવેશ થાય છે. તેમણે લગભગ ૪૦ સંસ્કૃત શિલાલેખો અને દસ્તાવેજો સંપાદિત કર્યા. તેમણે "શ્રીમદ્ ભાગવત પુરાણનું ગંભીર વિવેચન" ના જનરલ એડિટર તરીકે કામ કર્યું હતું, તેમજ તે પુસ્તકના બીજા અને ત્રીજા ભાગના સંપાદક તરીકે કામ કર્યું. તેમણે ૪ જર્નલના સંપાદક તરીકે કામ કર્યું હતું તે આ મુજબ છે: સામીપ્ય, જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી, વિદ્યાપીઠ અને પથિક.[૧]