ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ
ટૂંકું નામASI
સ્થાપના૧૮૬૧
મુખ્યમથકો૨૪ તિલક માર્ગ, નવી દિલ્હી, ભારત - ૧૧૦૦૦૧
વિસ્તારમાં સેવાઓ
ભારત
મુખ્ય સંસ્થાો
સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર
બજેટ
૯૭૪.૫૬ crore (US$૧૩૦ million) (૨૦૧૮-૨૦૧૯)[]
વેબસાઇટasi.nic.in

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયને આધીન સરકારી એકમ છે જે દેશમાં પુરાતાત્ત્વિક સંશોધન અને સાંસ્કૃતિક સ્મારકોની જાળવણી તથા સંરક્ષણનું કામ કરે છે. તેની સ્થાપના ૧૯૬૧માં પ્રથમ મહાનિદેશક એલેક્ઝેંડર કનિંઘમ દ્વારા કરવામાં આવી હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની સ્થાપના ૧૮૬૧માં એલેક્ઝેંડર કનિંઘહામ દ્વારા કરવામાં આવી હતી જે તેના પ્રથમ મહાનિદેશક પણ બન્યા હતા. દક્ષિણ એશિયાઈ ઉપમહાદ્વીપનું પ્રથમ વ્યવસ્થિત સંશોધન એશિયાટીક સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. એશિયાટીક સોસાયટીની સ્થાપના બ્રિટીશ ઉદ્યોગપતિ અને ભાષાવિદ વિલિયમ જોન્સ દ્વારા ૧૫ જાન્યુઆરી ૧૭૮૪ના રોજ કરવામાં આવી હતી. કલકત્તા સ્થિત આ સોસાયટીએ પ્રાચીન સંસ્કૃત અને ફારસી ભાષાના અધ્યયનને ઉત્તેજન આપ્યું તથા એશિયાટીક રિસર્ચ શિર્ષક હેઠળ વાર્ષિક પત્રિકા પણ પ્રકાશિત કરી. તેના શરૂઆતના સભ્યોમાં ચાર્લ્સ વિલ્કીન્સ ઉલ્લેખનીય હતા જેમણે ૧૭૮૫માં ભારતના તત્કાલીન ગવર્નર જનરલ વોરેન હેસ્ટીંગના માર્ગદર્શન હેઠળ ભગવદ ગીતાનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પ્રકાશિત કર્યો હતો. જોકે, ૧૮૩૭માં જેમ્સ પ્રિંસેપ દ્વારા બ્રાહ્મી લિપિને ઉકેલવામાં મળેલી સફળતા સૌથી મહત્ત્વપૂર્ણ હતી. આ સફળતાએ પુરાણી ભારતીય લિપિઓના ઉકેલ માટેના દરવાજા ખોલી નાખ્યા.

સર એલેક્ઝેંડર કનિંઘહામ

જેમ્સ પ્રિંસેપના એક સહયોગી એલેક્ઝેંડર કનિંઘહામે બૌદ્ધ સ્મારકોનું એક સર્વેક્ષણ કર્યું જે લગભગ અડધી સદી સુધી ચાલુ રહ્યું. ઇટાલીયન સૈન્ય અધિકારી જીન–બેપ્ટીસ્ટ–વેંટુરા જેવા શરૂઆતી પુરાતત્ત્વવિદોથી પ્રેરિત થઈને કનિંઘહામે બૌદ્ધ સ્તૂપોનું ઉત્ખનન શરૂ કર્યું. તેમના શરૂઆતના ઉત્ખનન સ્વખર્ચે કરવામાં આવ્યા. લાંબા ગાળે તેમણે અનુભવ્યું કે પુરાતાત્ત્વિક સંશોધન અને સાંસ્કૃતિક સ્મારકોની જાળવણી તથા સંરક્ષણના કામ માટે એક સ્થાયી એકમ જરૂરી છે. કનિંઘહામે ભારતમાં તેમના સંબંધો અને પહોંચનો ઉપયોગ કરી ૧૮૪૮માં આ દિશામાં પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા છેવટે ૧૮૬૧માં લોર્ડ કેનિંગના સહયોગથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની સ્થાપના કરવામાં આવી તથા એલેક્ઝેંડર કનિંઘહામ તેના પ્રથમ પુરાતત્ત્વિક સર્વેયર બન્યા. ૧૮૬૫ થી ૧૮૭૧ના સમયમાં ભંડોળના અભાવે પુરાતત્ત્વ સર્વેક્ષણ કામચલાઉ રીતે બંધ કરી દેવાયું પરંતુ તત્કાલીન વાઇસરોય જોન લોરેન્સના પ્રયાસોથી તે ફરી શરૂ કરવામાં આવ્યું. ૧૮૭૧માં સર્વેક્ષણને એક અલગ વિભાગ તરીકે પુનર્સ્થાપિત કરાયું તથા કનિંઘહામને તેના પ્રથમ મહાનિદેશક બનાવવામાં આવ્યા.[]

૧૮૮૫–૧૯૦૧

[ફેરફાર કરો]

૧૮૮૫માં કનિંઘહામ સેવાનિવૃત થતાં તેમના સ્થાને જેમ્સ બર્ગેસ (પુરાતત્ત્વવિદ) મહાનિદેશક તરીકે જોડાયા. બર્ગેસે ૧૮૭૨માં ધ ઇન્ડિયન એન્ટિક્વરી નામની એક વાર્ષિક પત્રિકા તથા ૧૮૮૨માં ધ ઇન્ડિયન એન્ટિક્વરીની પુરવણી તરીકે એપિગ્રાફિયા ઇન્ડિકા નામના શિલાલેખ સંબંધી પ્રકાશનની શરૂઆત કરી. ભંડોળના અભાવે ૧૮૮૯થી ૧૯૦૨ સુધીના સમયગાળામાં મહાનિદેશકના પદને રદ્દ કરી દેવામાં આવ્યું. આ સમયગાળામાં સંરક્ષણ કામગીરી જે તે વર્તુળના અધિક્ષકો દ્વારા કરવામાં આવી.

૧૯૦૧–૧૯૪૭

[ફેરફાર કરો]

૧૯૦૨માં લોર્ડ કર્ઝન દ્વારા મહાનિદેશકના પદને ફરીથી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી. પૂર્વ પરંપરાઓથી વિપરીત કર્ઝને મહાનિદેશકના પદ માટે કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયના ૨૬ વર્ષીય પ્રાધ્યાપકને જોન માર્શલને પસંદ કર્યા. માર્શલે પોતાના પચીસ વર્ષના દીર્ઘ કાર્યકાળમાં સર્વેક્ષણની પ્રવૃત્તિઓને નવું જોમ આપ્યું. તેમણે પ્રાચીન શિલાલેખોના અધ્યયન અને અર્થઘટન માટે એપિગ્રાફિસ્ટનું પદ ઊભું કર્યું. ૧૯૨૧માં હડપ્પા અને મોહેં-જો-દડોમાં સિંધુ સભ્યતાની શોધ એ તેમના કાર્યકાળની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના હતી. માર્શલની સેવાનિવૃત્તિ બાદ ૧૯૨૮માં હેરોલ્ડ હાર્ગ્રીવ્ઝ અને ત્યારબાદ દયારામ સાહની સર્વેક્ષણના મહાનિદેશક પદે રહ્યા. સાહની બાદ હડપ્પા અને મોહેં-જો-દડોના ઉત્ખનનમાં ભાગ લેનારા જે. એફ. બ્લાકિસ્ટોન તથા કે. એન. દિક્ષિતએ ક્રમશ: પદભાર સંભાળ્યો. ૧૯૪૪માં બ્રિટીશ પુરાતત્ત્વવિદ અને સૈન્ય અધિકારી મોર્ટિમર વ્હીલર મહાનિદેશક બન્યા. તેઓ ૧૯૪૮ સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ભારતમાંથી લોહયુગના સમયના અરિકામેડુ તથા પાષાણયુગના સમયના બ્રહ્માગીરી, ચંદ્રાવલી અને મસ્કી જેવા પુરાતત્વીય સ્થળોનું ઉત્ખનન કરવામાં આવ્યું. વ્હીલરે ૧૯૪૬માં પ્રાચીન ભારત નામનું જર્નલ પ્રકાશિત કર્યું તથા ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે ASIના વિભાજનનું તથા નવનિર્મિત પાકિસ્તાનમાં પુરાતાત્વિક એકમોની સ્થાપના કરવામાં સહયોગ કર્યો.

૧૯૪૭–૨૦૧૯

[ફેરફાર કરો]

૧૯૪૮માં પી. એન. ચક્રવર્તી સર્વેક્ષણના મહાનિદેશક તરીકે નિયુક્ત થયા. યુનાઇટેડ કિંગડમમાં પ્રદર્શિત ભારતીય કલાકૃતિઓના સંગ્રહ–પ્રદર્શન માટે ૧૫ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી. ચક્રવર્તી બાદ માધો સરૂપ વત્સ અને અમલાનંદ ઘોષ મહાનિદેશક પદે રહ્યા. ૧૯૬૮ સુધીનો ઘોષનો કાર્યકાળ કાલીબંગા, લોથલ અને ધોળાવીરા જેવા સિંધુ સભ્યતાના સ્થળોના ઉત્ખનન માટે વિખ્યાત છે.

૧૯૫૮માં પસાર કરાયેલ પ્રાચીન સ્મારક અને પુરાતત્વિક સ્થળ તથા અવશેષ અધિનિયમ અંતર્ગત પુરાતત્ત્વ સર્વેક્ષણને સંસ્કૃતિ મંત્રાલયના હસ્તક રાખવામાં આવ્યું. ઘોષ બાદના મહાનિદેશક બી. બી. લાલે બાબરી મસ્જિદથી પહેલાં રામ મંદિરના અસ્તિત્વની ચકાસણી સંદર્ભે અયોધ્યામાં ઉત્ખનન કાર્ય સંભાળ્યું. લાલના કાર્યકાળ દરમિયાન પુરાવશેષ અને કલા ખજાનો અધિનિયમ–૧૯૭૨ (એન્ટીક્વીટીઝ ઍન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ) પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત સ્મારકોને રાષ્ટ્રીય મહત્ત્વ જાહેર કરી કેન્દ્રીય સુરક્ષાની ભલામણ કરવામાં આવી. ૧૯૭૨ થી ૧૯૭૮ દરમિયાન એમ. એન. દેશપાંડે તથા ૧૯૭૮ થી ૧૯૮૧ ના સમયગાળામાં બી. કે. થાપર પુરાતત્ત્વ સર્વેક્ષણના મહાનિદેશક પદે રહ્યા. ૧૯૮૧માં થાપરની સેવાનિવૃત્તિ બાદ દેબાલા મિત્રા ASIના પ્રથમ મહિલા મહાનિદેશક બન્યા. એમ. સી. જોષીના સમયમાં ૧૯૯૨માં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવામાં આવી પરીણામે સમગ્ર દેશમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી. બાબરી ધ્વંસ બાદ ૧૯૯૩માં જોષીના સ્થાને ભારતીય પ્રશાસનિક અધિકારી અચલા મૌલિક મહાનિદેશક પદે નિયુક્ત કરાયા. ૨૦૧૦ સુધી જુદા જુદા પ્રશાસનિક અધિકારીઓ સર્વેક્ષણના મહાનિદેશક પદે રહ્યા બાદ જૂની પરંપરા મુજબ પુરાતત્વવિદ ગૌતમ સેનગુપ્તાને આ પદે નિયુક્ત કરાયા. વર્તમાન મહાનિદેશક રાકેશ તિવારી પણ વ્યાવસાયિક પુરાતત્ત્વવિદ છે.

સંરચના

[ફેરફાર કરો]

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એ સંસ્કૃતિ મંત્રાલય સંગગ્ન કાર્યાલય છે. ૧૯૫૮ના પ્રાચીન સ્મારક અને પુરાતત્ત્વિક સ્થળ તથા અવશેષ અધિનિયમ અંતર્ગત વર્તમાનમાં પુરાતત્ત્વ સર્વેક્ષણ ૩૬૫૦થી પણ વધુ પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીક સ્થળો અને રાષ્ટ્રીય મહત્ત્વના અવશેષોનું સંચાલન કરે છે. જેમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, કબ્રસ્તાનથી લઈને મહેલ, કિલ્લા, વાવ, પથ્થર ગુફાઓ વગેરેનો સમાવેશ થાય છે. સર્વેક્ષણ પ્રાચીન નિવાસના અવશેષોનું પ્રતિનિધિત્ત્વ કરનારા પ્રાચીન સ્થળોનું સંરક્ષણ અને જાળવણીનું કામ પણ કરે છે.[]

પુરાતત્ત્વ સર્વેક્ષણની માળખાગત સંરચનામાં એક મહાનિદેશક ઉપરાંત એક સહાયક મહાનિદેશક, બે સંયુક્ત મહાનિદેશક તથા સત્તર નિદેશકો હોય છે.[]

કેન્દ્ર

[ફેરફાર કરો]

ASI કૂલ ૨૯ કેન્દ્રોમાં વિભાજીત છે.[] દરેક કેન્દ્ર ઉપકેન્દ્રોમાં વિભાજીત છે.

ASI આ ઉપરાંત દિલ્હી, લેહ અને હમ્પી સ્થિત નાના કેન્દ્રોનું પણ સંચાલન કરે છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Budget proposes to hike Culture Ministry funding by 3.82 per cent". મેળવેલ 13 February 2018.
  2. "History". Archaeological Survey of India. મેળવેલ 7 April 2015.
  3. "Monuments". Archaeological Survey of India. મેળવેલ 17 April 2015.
  4. "Organisation". Archaeological Survey of India. મેળવેલ 7 April 2015.
  5. ૫.૦ ૫.૧ "Circles". Archaeological Survey of India. મેળવેલ 7 April 2015.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]