ભારતીય શાંતિરક્ષક સેના એ શાંતિરક્ષા માટે ૧૯૮૭ થી ૧૯૯૦ વચ્ચે શ્રીલંકા ખાતે તૈનાત ભારતીય સેનાનું દળ હતું. તે ૧૯૮૭ની ભારત-શ્રીલંકા સમજૂતી હેઠળ તૈનાત કરવામાં આવી હતી. સમજૂતીનું મુખ્ય લક્ષ્ય શ્રીલંકાના તમિલ ઉગ્રવાદીઓ અને ત્યાંની સરકાર વચ્ચેનું ગૃહયુદ્ધ રોકવાનું હતું. તમિલ ઉગ્રવાદીઓમાં મુખ્ય સંગઠન એલટીટીઇ એટલે કે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ એલમ હતું.
ભારતીય શાંતિસેનાનું મુખ્ય કાર્ય અલગ અલગ સંગઠનનોને નિઃશસ્ત્ર કરવાનું હતું જેમાં એલટીટીઇ પણ એક હતું. તે પ્રક્રિયા બાદ તુરંત જ વચગાળાની વહીવટી સમિતિનું ગઠન થવાનું હતું. આ તમામ કાર્યવાહી બંને સરકારોની સમજૂતી હેઠળ કરવાની હતી જે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના આદેશ હેઠળ થઈ હતી. શ્રીલંકામાં ગૃહયુદ્ધના કારણે ભારતમાં શરણાર્થીઓ મોટાપ્રમાણમાં આવી રહ્યા હતા, જેને કારણે ગાંધી આમ કરવા મજબૂર બન્યા હતા. સમજૂતી માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે આર જયાવર્દનેની વિનંતી પણ કારણભૂત હતી.
ભારતીય સેનાના નેતૃત્વના શરૂઆતના અંદાજ અનુસાર સેનાએ કોઈ મોટી લડાઈ કે યુદ્ધ લડવાના ન હતા. જોકે તૈનાત થવાના થોડા મહિનામાં જ સેના શાંતિ સ્થાપવાના મુખ્ય હેતુને પાર પાડવા માટે એલટીટીઇ સાથે સંઘર્ષમાં ઉતરી હતી. એલટીટીઇ વચગાળાની વહીવટી સમિતિમાં પોતાનું પ્રભુત્ત્વ સ્થાપિત કરવા ઇચ્છતિ હતી અને આમ થવાથી વિવાદ થયો હતો. વધુમાં, તેણે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયાનો પણ વિરોધ કર્યો હતો. આ વિવાદોને કારણે એલટીટીઇએ ભારતીય શાંતિરક્ષક સેના પર હુમલો કર્યો હતો અને તેને કારણે સેનાએ ઉગ્રવાદીઓના નિઃશસ્ત્રીકરણ માટે જરૂર મુજબ બળપ્રયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. બે વર્ષ સુધી ભારતીય સેનાએ એલટીટીઇના ઠેકાણાઓ પર હુમલા કરી અને તેમનો નાશ કર્યો હતો. પરંતુ ઉગ્રવાદીઓની છાપામાર હુમલા કરવાની રણનીતિ અને મહિલા તેમજ બાળ સૈનિકોનો લડવા માટે ઉપયોગના કારણે તે મોટાભાગે અથડામણોમાં પરિવર્તિત થઈ હતી.
ભારતમાં વી પી સિંઘની સરકાર ચૂંટાતા અને શ્રીલંકામાં રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસાની વિનંતીને કારણે ૧૯૮૯માં શાંતિરક્ષકોને પાછા ખેંચવાનું કાર્ય શરુ થયું હતું. આખરી ટુકડી માર્ચ ૧૯૯૦માં શ્રીલંકા છોડી અને પરત ફરી હતી.
૧૯૮૦ના દાયકાની શરૂઆતથી જ શ્રીલંકામાં ગૃહયુદ્ધના કારણે હિંસક જાતિવાદી હુમલાઓ થઈ રહ્યા હતા. આ ગૃહયુદ્ધના મૂળ ૧૯૪૮માં બ્રિટન પાસેથી શ્રીલંકાની સ્વતંત્રતામાં રહેલ હતી. તે સમયે સિંહાલી બહુમતી વાળી સરકારની રચના કરવામાં આવી. આ સરકાર જેમાં તમિલ કોંગ્રેસ પણ સામેલ હતી તેણે એવા કાયદા પસાર કર્યા જે કેટલાક સ્થાનિક તમિલ લઘુમતી લોકોએ અન્યાયપૂર્ણ ગણ્યા.
૧૯૭૦ના દાયકામાં બે મુખ્ય તમિલ પક્ષો તમિલ કોંગ્રેસ અને ફેડરલ પાર્ટીએ વિલય દ્વારા તમિલ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટની રચના કરી. આ પક્ષ અલગાવવાદી હતો જેની માંગ શ્રીલંકાના તમિલો માટે ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં તમિલ એલમ રાજ્યની હતી. આ માંગ અનુસાર તમિલ રાજ્યને શ્રીલંકાના જ સંઘીય ઢાંચા હેઠળ વધારાની સ્વાયત્તતા મળવી જરૂરી હતી.[૧]
જોકે, ઓગષ્ટ ૧૯૮૩માં કરાયેલ શ્રીલંકાના બંધારણના છઠ્ઠા સંશોધન વિધેયક અનુસાર તમામ અલગાવવાદી ચળવળો ગેરબંધારણીય હતી.[૨] તમિલ અલગાવવાદીઓના પક્ષની બહાર રહીને વધુ ઉગ્ર કાર્યવાહીઓ માટે માંગ કરનાર પેટાજૂથો ઉભા થવા લાગ્યા અને જાતિવાદી વિભાજનને કારણે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.
શરુઆતમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ અને બાદમાં રાજીવ ગાંધીની સરકાર દ્વારા તમિલ વિદ્રોહને સહાનુભૂતિ દર્શાવવામાં આવી.[૩][૪] આનું કારણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં આ વિદ્રોહ માટે પ્રમાણમાં ટેકો હતો. આ સહાનુભૂતિને કારણે તમિલનાડુમાં રહેલ શ્રીલંકાના તમિલ ઉગ્રવાદીઓના ટેકેદારોએ ઉગ્રવાદીઓને શરણ આપવાની શરુઆત કરી. તેમણે જ એલટીટીઇને શસ્ત્ર અને દારુગોળો શ્રીલંકામાં ગેરકાયદેસર પહોંચાડવામાં સહાય કરી. ૧૯૮૨માં એલટીટીઇના વડા પ્રભાકરનને તેના વિરોધી ઉમા મહેશ્વરન સામે શહેરની વચ્ચે ગોળીબાર કરવા માટે પોલીસે તામિલનાડુમાંથી ધરપકડ કરી. ઉમા મહેશ્વરનને પણ આ માટે પકડવામાં આવ્યો પરંતુ બંનેને બાદમાં છોડી મૂકવામાં આવ્યા. આ તમામ પ્રવૃત્તિઓને અટકાવવામાં ન આવી કેમ કે શ્રીલંકાના સિંહાલી અને તમિલ લોકો વચ્ચેના જાતિવાદી મામલામાં ભારત પોતાના સ્થાનિક હિતોને ધ્યાનમાં રાખતાં આંતરાષ્ટ્રિય દખલ ન થાય એમ ધારતું હતું. આ બાબતમાં વાત ત્યાં સુધી પહોંચી કે ઇંદિરા ગાંધીએ તત્કાલીન શ્રીલંકાના રાષ્ટ્રપતિ જુનિઅસ રીચાર્ડ જયવર્દનેને સ્પષ્ટતા કરી દીધી કે રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જતાં ભારત સૈન્ય કાર્યવાહી શ્રીલંકાના તમિળોના પક્ષે રહી અને કરશે.[૫]
૧૯૮૩માં હિંસાનો પ્રથમ દોર ૧૩ શ્રીલંકાના સૈનિકોની હત્યા બાદ શરૂ થયો. આ બાદ તમિળો વિરુદ્ધ હિંસા ચાલુ થઈ અને આશરે ૪૦૦ તમિળોની હત્યા કરી દેવામાં આવી. આ કારણોસર જાતિવાદી તણાવમાં વધારો થતો ગયો અને એલટીટીઇ સહિતના તમિળ ઉગ્રવાદી જૂથોમાં મોટા પ્રમાણમાં તમિળો જોડાયા. સંખ્યાબળ વધતાં છાપામાર હુમલાઓની સંખ્યા વધી અને વાત ત્યાં સુધી પહોંચી કે મે ૧૯૮૫માં અનુરાધાપુર ખાતે સ્થિત બુદ્ધ સિંહાલી લોકોના તીર્થસ્થળ પર હુમલો કરવામાં આવ્યો. એક કલાક ચાલેલ ગોળીબારમાં આશરે ૧૫૦ નાગરિકોના મૃત્યુ થયાં.
આ સમયે તત્કાલીન ભારત સરકાર શ્રીલંકાની સરકાર સાથે રાજદ્વારી સંબંધો કાયમ રાખતાં વિવિધ તમિળ જૂથો સાથે સંપર્ક કર્યો અને ઉગ્રવાદીઓને કરાઈ રહેલી દેખીતી મદદ બંધ કરવામાં આવી.[૬]
૧૯૮૬માં ભારતની ઉગ્રવાદીઓને ઘટતી મદદને ધ્યાનમાં લેતાં શ્રીલંકાની સરકારે આતંકવાદ વિરોધિ કાર્યવાહી માટે પાકિસ્તાન, ઈઝરાયલ, સિંગાપુર અને દક્ષિણ આફ્રિકાની મદદ વડે સૈન્ય શસસ્ત્રીકરણની શરુઆત કરી.[૭] ૧૯૮૭માં લોહિયાળ ઓપરેશન આઝાદી એલટીટીઇ વિરુદ્ધ શરુ કરાયું. તેનું લક્ષ્યાંક તમિળોના ગઢ એવા જાફના દ્વીપકલ્પ વિસ્તારને કબ્જે કરવાનું હતું. આ કાર્યવાહીમાં આશરે ૪૦૦૦ સૈનિકો સામેલ હતા અને વાયુસેનાનો ટેકો પણ સામેલ હતો.[૮] જુન ૧૯૮૭માં સૈન્યએ જાફના શહેરને ઘેરી લીધું.[૯] આના પરિણામે મોટાપાયે નાગરિક જાનમાલની ખુવારી થઈ. ભારતીય તમિળોએ આ બાબતના કારણે ભારતીય સરકાર પણ દબાણ બનાવ્યું અને ભારતમાં તમિળ વિદ્રોહનો ખતરો ઉભો થયો. આ બાબતને ધ્યાનમાં લેતાં ભારતે શ્રીલંકાને રાજકીય સમાધાન શોધવા માટે કાર્યવાહી રોકવા જણાવ્યું. પરંતુ શ્રીલંકાએ આ અપીલને માન્ય ન રાખી. વધુમાં પાકિસ્તાની સલાહકારોની વધતી દખલને કારણે ભારતે પોતાના હિતોને જાળવવું જરુરી બન્યું હતું.[૧૦] ૨ જુન ૧૯૮૭ના રોજ સરકારે જાહેરાત કરી કે તે નિઃશસ્ત્ર નૌકાબેડો શ્રીલંકાના તટ તરફ મોકલશે જે રાહત સામગ્રી પહોંચાડશે. પરંતુ શ્રીલંકાની નૌસેનાએ બેડાને આંતરી અને પાછો ફરવા મજબુર કર્યો.[૧૧]
આ નિષ્ફળતા બાદ ભારતે હવાઇમાર્ગે રાહતસામગ્રી ડ્રોપ કરવા યોજના બનાવી અને ૪ જૂનના રોજ ઓપરેશન પુમાલાઇની શરૂઆત કરવામાં આવી. તેમાં ભારતીય વાયુસેનાના પાંચ એન્તોનોવ એએન-૩૨ વિમાનોએ લડાયક વિમાનોના રક્ષણ હેઠળ જાફના પર ઉડાન ભરી અને ૨૫ ટન રાહત સામગ્રી પહોંચાડી. આ જ સમયે શ્રીલંકાના ભારત ખાતેના તત્કાલીન રાજદૂત બર્નાડ તિલકરત્નેને બોલાવી અને વિદેશ મંત્રાલયે કાર્યવાહીની જાણ કરી અને શ્રીલંકાની વાયુસેના દખલ નહિ કરે એવી આશા વ્યક્ત કરી. કાર્યવાહીનો મૂળ ઉદ્દેશ સ્થાનિક તમિળોની ભાવનાઓની ગંભીરતા પ્રદર્શિત કરવાનો અને ભારતનો જરુર પડ્યે સૈન્ય કાર્યવાહી કરવાની ક્ષમતાનો પરચો શ્રીલંકાને કરાવવાનો હતો.
ઓપરેશન પુમાલાઇ બાદ અન્ય કોઇ ટેકાના અભાવે અને ભારતની સૈન્ય કાર્યવાહીની શક્યતાને ધ્યાનમાં લેતાં રાષ્ટ્રપતિ જયવર્દને એ ભારત સાથે ચર્ચા કરવા જાહેરાત કરી. જાફનાનો ઘેરો હટાવી લેવામાં આવ્યો અને ૨૯ જુલાઈ ૧૯૮૭ના રોજ વાટાઘાટો બાદ ભારત-શ્રીલંકા સમજૂતીને જાહેર કરવામાં આવી. આના પરિણામે હંગામી યુદ્ધવિરામ સ્થપાયો. જોકે વાટાઘાટમાં એલટીટીઇ સામેલ ન હતું.[૧૨]
સમજૂતી અનુસાર કોલંબોએ રાજ્યોને કેટલીક સત્તા સોંપવાની હતી, શ્રીલંકાના સૈનિકોને પાછા ખેંચવાના હતા અને તમિળ ઉગ્રવાદીઓને નિઃશસ્ત્ર કરવાના હતા.[૧૩][૧૪][૧૫]
સમજૂતીના કરારો અનુસાર શ્રીલંકાની સરકારની વિનંતી ઉપર ભારતીય સૈન્યએ શાંતિરક્ષક સેના પૂરી પાડવાની હતી જે લડાઈ રોકવામાં ભૂમિકા ભજવવાની હતી. આ અનુસાર શ્રીલંકાની સરકારે વિનંતી કરતાં ઉત્તરી શ્રીલંકામાં શાંતિરક્ષકો ભારતે તૈનાત કર્યા. આ વિનંતી દક્ષિણના સિંહાલી બહુમતી વિસ્તારોમાં વધતી હિંસા અને રમખાણોના પગલે કરવામાં આવી હતી. આ રમખાણો અટકાવવા શ્રીલંકાની સેનાને ઉત્તરી મોરચેથી હટાવી દક્ષિણમાં તૈનાત કરવી જરુરી બન્યું હતું.[૧૬]
મૂળ આયોજનમાં ફક્ત એક જ ડિવિઝન જેટલા સૈનિકો અને નૌસેના તેમજ વાયુસેનાના નાના કાફલા તૈનાત કરવાના હતા. પરંતુ શાંતિસેનામાં જ્યારે તૈનાતી ટોચ પર હતી ત્યારે એક પહાડી ડિવિઝન (૪થી) અને ત્રણ પાયદળ ડિવિઝન (૩૬મી, ૫૪મી, ૫૭મી) તેના આધાર આપનાર દળો સાથે તૈનાત હતી. કુલ સૈનિકોની સંખ્યા એક લાખ આસપાસ હતી. તેમાં અર્ધસૈન્ય બળો અને ખાસ દળો પણ હતાં. ભારતીય નૌસેનાના ખાસ દળો માટે કાર્યવાહીનો આ પ્રથમ અનુભવ હતો. મુખ્યત્ત્વે ભારતીયો ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં તૈનાત હતા. શ્રીલંકાથી પાછા ખેંચાયા બાદ આ શાંતિરક્ષક સેનાને ૨૧મી કોર બનાવવામાં આવી અને તેનું મુખ્યાલય ભોપાલ નજીક બનાવવામાં આવ્યું. આ ભારતીય ભૂમિસેનાની ત્વરિત કાર્યવાહી દળનો ભાગ બની.
સૌપ્રથમ ૫૪મી ડિવિઝનના ૧૦,૦૦૦ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા. તેમાં શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી, મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી અને મહાર રેજિમેન્ટના સૈનિકો હતા. બાદમાં ૩૬મી પાયદળ ડિવિઝન પણ તૈનાત કરાઈ. ૫૪મી ડિવિઝનનું નેતૃત્વ મેજર જનરલ હરકીરત સિંઘના હાથમાં હતું.[૧૭]
૧૯૮૭ના અંત સુધી શાંતિસેના આ મુજબ હતી:
એલટીટીઇ સાથે લડાઈની શરુઆત બાદ શાંતિરક્ષક સેનામાં વાયુસેનાની મોટાપ્રમાણમાં તૈનાતી કરવામાં આવી. તેની મુખ્ય ભૂમિકા પરિવહન અને હેલિકોપ્ટર દ્વારા જરુર મુજબ આધાર આપવાની હતી. તેનું નેતૃત્વ ગ્રુપ કેપ્ટન પ્રેમીના હાથમાં હતું.[૧૮]
નૌસેના નિયમિતપણે નાની નૌકાઓને પહેરેગીર નૌકા તરીકે મોકલતી હતી:
શાંતિરક્ષક સેનાએ આશરે ૧૨૦૦ સૈનિકો ગુમાવ્યા અને કેટલાક હજાર સૈનિકો ઘાયલ થયા. એલટીટીઇની જાનહાનિના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.
ભારતીય જાસુસી સંસ્થાઓ સેનાને સચોટ જાણકારી આપવામાં અનેક વખત નિષ્ફળ રહી તેનું એક ઉદાહરણ જાફના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતેનો હત્યાકાંડ ગણી શકાય. તે ઘટનામાં એલટીટીઇના ખોટી માહિતી પ્રચારના ભાગ રૂપે આ સ્થળ પર તેના નેતા પ્રભાકરનના સંતાયેલા હોવાની માહિતી બહાર પાડવામાં આવી. સેનાએ તેને જીવતો પકડવા મોટા પ્રમાણમાં કાર્યવાહીનું આયોજન બનાવ્યું જેમાં રણગાડીઓ અને હવાઇ આધાર પણ આપવામાં આવ્યો.
જ્યારે કાર્યવાહી શરુ થઈ ત્યારે એલટીટીઇના સંતાયેલા ઉગ્રવાદીઓએ મોટા પ્રમાણમાં હુમલો કર્યો. રણગાડી તેના વિરોધિ સુરંગ દ્વાર રોકી દેવામાં આવી. આના પરિણામે ભારતીય સેનાએ મોટા પ્રમાણમાં ખુવારી વેઠી.[૧૯][૨૦]
કાર્યવાહી જે વિસ્તારમાં કરવાની હતી તેના સચોટ નક્શા પણ શાંતિસેના પાસે નહોતા.
માહિતીની આપલે ના અભાવે એલટીટીઇ સાથે છૂપી વાટાઘાટ કરનાર રિસર્ચ અને એનાલિસિસ વિંગ- રૉના એક જાશુસને શાંતિસેનાએ ભૂલથી ઘાત લગાવી અને ઠાર માર્યો.
શાંતિસેનાએ વ્યૂહાત્મક સફળતાઓ મેળવી પરંતુ તેને ધારેલ લક્ષ્યાંકો પાર પાડવામાં નિષ્ફળતા મળી.
શાંતિસેનાની સૌથી દીર્ઘકાલીન અસર તરીકે તેણે ભારતની આતંકવાદ વિરોધિ કાર્યવાહીની નીતિ અને સૈન્ય વિચારધારાને આકાર આપ્યો. આંતરરાષ્ટ્રિય સ્તરે તેની ગણના બહુ નથી. શાંતિસેનાની મોટા પ્રમાણમાં જાનહાનિ, આંતરરાષ્ટ્રિય સંબંધો પર વિપરીત અસર અને રાજકીય ઘટનાઓએ ભારતની વિદેશનીતિમાં પરિવર્તન આણ્યું.
શાંતિસેના મોકલવાનો નિર્ણય ભારતીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનો હતો. તેઓ ૧૯૮૯ સુધી પ્રધાનપંત્રી પદ પર રહ્યા હતા. તેમની સરકાર હટવા પાછળ શ્રીલંકામાં કાર્યવાહી પણ એક પરિબળ હતું.
૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રીપેરુમ્બુદુર, તમિલ નાડુ ખાતે એક રાજકીય કાર્યક્રમમાં એક આત્મઘાતી બોમ્બ ધમાકામાં તેમની હત્યા કરવામાં આવી. આ આતંકવાદી ધનુ નામની મહિલા હતી જે એલટીટીઇની સભ્ય હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા અને ભારતે શ્રીલંકાને ભવિષ્યમાં સૈન્ય મદદ આપવા નકાર કર્યો. ભારતે શાંતિવાર્તાનો ભાગ બનવા પણ ઇન્કાર કર્યો.
ભારતીય દળો પર ઉત્તરી શ્રીલંકામાં હત્યાકાંડો, ગેરકાયદેસર ધરપકડ અને બળાત્કારોના આરોપ લગાવવામાં આવ્યા.[૨૧][૨૨] તેમાં મુખ્ય વાલ્વેત્તીતુરાઇ હત્યાકાંડ હતો જેમાં સેનાએ કથિત રીતે ૫૦ તમિળોને મારી નાખ્યા હતા. જાફના હોસ્પિટલ ખાતે કથિત રીતે કેટલાક દર્દીઓ અને સ્ટાફના લોકોને એલટીટીઇ વિરુદ્ધ કાર્યવાહીમાં મારી નાખવાનો આરોપ પણ હતો.[૨૩][૨૪][૨૫] ત્રિંકોમાલી ખાતે થયેલ નરસંહારમાં શ્રીલંકાની સરકારે સ્થાનિક તૈનાત મદ્રાસ રેજિમેન્ટ પર આમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. ભારતીય અધિકારીઓએ તેના પર આરોપ ખોટો હોવા જણાવ્યું પરંતુ તે રેજિમેન્ટને ત્રિંકોમાલી ખાતેથી હટાવી દેવામાં આવી.[૨૬][૨૭]
શ્રીલંકાની સરકારે શાંતિસેનાના શહીદ સૈનિકો માટે સ્મારક બનાવવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે સ્મારક કોલંબો પાસે ૨૦૦૮માં બની શક્યું અને પ્રથમ શ્રદ્ધાંજલિ સમારોહ ભારતીય રાજદૂતની હાજરીમાં ૧૫ ઓગષ્ટ ૨૦૧૦ના રોજ યોજાયો. શ્રીલંકાની સરકારના કોઈ પ્રતિનિધિ હાજર ન હોવાને કારણે ભારતના ભૂતપૂર્વ સૈનિકો દ્વારા તેની ટીકા કરવામાં આવી.[૨૮]
પાલાય, જાફના ખાતે પણ એક સ્મારક ઉભું કરાયું જે તે સ્થળે શહીદ થનાર ૩૩ સૈનિકોની સ્મૃતિમાં હતું. તેને જૂન ૨૦૧૫ના રોજ ખુલ્લું મુકાયું.[૨૯]
1996
(help)
p.181
24 August 1989
(help)
1993
(help)
p.246
2005
(help)
p.546