ભીમદેવ દ્વિતીય | |
---|---|
અભિનવ-સિદ્ધરાજા સપ્તમ-ચક્રવર્તી બાળ-નારાયણ | |
ગુર્જર પ્રદેશના રાજા | |
શાસન | ઈ.સ. ૧૧૭૮ – ૧૨૪૦ |
પુરોગામી | મૂળરાજ દ્વિતીય |
અનુગામી | ત્રિભુવનપાળ |
જીવનસાથી | લીલાદેવી અને સુમાલાદેવી |
વંશ | ચાલુક્ય વંશ |
ભીમદેવ દ્વિતીય (ઈ.સ. ૧૧૭૮-૧૨૪૦) ભારતીય રાજા હતા, જેમણે હાલના ગુજરાતના કેટલાક ભાગોમાં શાસન કર્યું હતું. તેઓ ચાલુક્ય રાજપૂત વંશના સભ્ય હતા. તેમના શાસન કાળ દરમિયાન સામંતોના વિદ્રોહની સમાંતરે ઘોરી, પરમાર અને દેવગિરિના યાદવ રાજાઓના બાહ્ય આક્રમણોને પરિણામે રાજવંશની સત્તામાં ઘણો ઘટાડો થયો.
ભીમદેવ દ્વિતીય ચૌલુક્ય રાજા અજયપાળના પુત્ર હતા. તેમણે નાની ઉંમરે પોતાના ભાઈ મૂળરાજ દ્વિતીયના સ્થાને સત્તા સંભાળી હતી.[૧] તેમની નાની ઉંમરનો લાભ લઈને તેમના કેટલાક મંડલિકો (પ્રાંતીય સૂબેદારો)એ સ્વતંત્ર રાજ્યોની સ્થાપના કરવા માટે તેમની સામે બળવો કર્યો હતો. તેમના વફાદાર સામંત અર્ણોરાજા તેમના બચાવમાં આવ્યા અને બળવાખોરો સામે લડતા મૃત્યુ પામ્યા. ભીમદેવના શાસનકાળમાં અર્ણોરાજાના વંશજો લવણપ્રસાદ અને વિરધવલ શક્તિશાળી બન્યા અને છેવટે સાર્વભૌમ વાઘેલા વંશની સ્થાપના કરી.[૨]
ભીમદેવની બે રાણીઓ જાણીતી છે: લીલાદેવી અને સુમાલાદેવી.[૩] લીલાદેવી જવલીપુરા (વર્તમાન જાલોર)ના ચાહમાન શાસક સમરસિંહના પુત્રી હતા. તેનો ઉલ્લેખ કડી ખાતેથી મળી આવેલા શિલાલેખમાં કરવામાં આવેલો છે.[૪]
મધ્યયુગીન ઇતિહાસ મુજબ ભીમદેવ એક સખાવતી વ્યક્તિ હતા. તેમને અભિનવ-સિદ્ધરાજ, સપ્તમ-ચક્રવર્તી અને બાળ-નારાયણનું બિરુદ મળ્યું હતું.[૩]
તેમના સમય દરમિયાન મંદિર નિર્માણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બે શિલાલેખો મુજબ તેમણે ઈ.સ. ૧૨૧૭માં સોમનાથ મંદિરની સામે મેઘનાદ અથવા મેઘધ્વની નામનો મંડપ બનાવ્યો હતો. રાણી લીલાદેવીના સન્માનમાં ભીમદેવ અને લીલાદેવીના નામથી સ્થાપિત ભીમેશ્વર અને લીલેશ્વરના મંદિરોનું નિર્માણ ઈ.સ. ૧૨૦૭માં તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. લવણપ્રસાદે ગમ્ભુતા જિલ્લામાં તેમની માતાના નામ પરથી સલક્ષણપુરાની સ્થાપના કરી હતી અને અણલેશ્વર અને સલક્ષણેશ્વર મંદિરોનું નિર્માણ કર્યું હતું. ચૌસડી અનુદાન મુજબ તેમની બીજી રાણી સુમાલાદેવી, (લવણપ્રસાદની પુત્રી) એ ઈ.સ. ૧૨૩૯ પૂર્વે સુમાલેશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું. આબુના પરમાર રાજા ધારાવર્ષાના ભાઈ પ્રહલાદને ૧૨૧૮માં પ્રહલાદનપુર (વર્તમાન પાલનપુર)ની સ્થાપના કરી હતી અને પલ્લવીયા પાર્શ્વનાથને સમર્પિત પ્રહલાદના-વિહારનું નિર્માણ કર્યું હતું. ત્રિપુરાંતક નામના શૈવ મઠાધીશે સોમનાથમાં પાંચ મંદિરો નું નિર્માણ કર્યું હતું.[૫]
તેમના સમયગાળાના મંદિરોમાં મિયાણી ખાતે નિલકંઠ મહાદેવ મંદિર, મિયાણી નજીક ટેકરી પર હર્ષદ (હરસિદ્ધ) માતાનું મંદિર, વિસાવાડા ખાતે મૂળદ્વારકાના મંદિર સંકુલનો સમાવેશ થાય છે. ઘુમલીનું નવલાખા મંદિર શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ છે. અન્ય મંદિરોમાં ઓખામંડળના બરડિયામાં રામ લક્ષ્મણ મંદિર, દ્વારકામાં રુકમણી દેવી મંદિર અને દાહોદ જિલ્લાના બાવકાના ખંડેર શિવ મંદિરનો સમાવેશ થાય છે. વડાલીના વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં મંડપ બનાવવામાં આવ્યો હતો. ઘુમલી ખાતે આવેલા પાર્શ્વનાથ મંદિરનો 'મંડપ' નવલાખા મંદિરના સમકાલીન છે. ટેકરીઓ પર આવેલું ખંડેર ચેલેશ્વર મંદિર પણ આ સમયગાળાનું છે.[૫] દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલ ઘુમલી ગામે મળી આવેલ વિકાઈ વાવ અને જેઠા વાવ ૧૩મી સદીમાં બંધાયાનું માલુમ પડે છે. કેશવ ગામની નજીક મળી આવેલ ખંડિયેર વાવ પણ આ જ સમયગાળાની છે.[૬]