ભીમદેવ સોલંકી | |
---|---|
પુરોગામી | મૂળરાજ સોલંકી |
અનુગામી | કર્ણદેવ સોલંકી |
જન્મ | ઈ.સ. ૧૦૨૨ |
મૃત્યુ | ઈ.સ. ૧૦૬૩ |
પત્ની | ઉદયમતી |
વંશજ | કર્ણદેવ સોલંકી |
વંશ | સોલંકી વંશ |
પિતા | મૂળરાજ સોલંકી |
ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પ્રથમ (ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૩) સોલંકી વંશનો રાજા હતા જેમણે ભારતના હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેમના શાસનકાળના પ્રારંભિક વર્ષોમાં ગઝનીના શાસક મહમદ ગઝનીનું આક્રમણ થયું હતું, જેણે સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. ભીમદેવે પોતાની રાજધાની છોડીને આ આક્રમણ દરમિયાન કંઠકોટમાં આશરો લીધો, પરંતુ મહમદ ગઝનીની વિદાય પછી તેણે પોતાની સત્તા પાછી મેળવી અને પોતાના પૈતૃક પ્રદેશો જાળવી રાખ્યા હતા. તેણે અર્બુદામાં બળવાખોરો દ્વારા કરાયેલા બળવાને કચડી નાખ્યો અને નદ્દુલ ચાહમાનના રાજ્ય પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેના શાસનના અંતે તેમણે કાલચુરી રાજા લક્ષ્મી-કર્ણ સાથે ગઠબંધન કર્યું અને પરમાર રાજા ભોજનું પતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભીમદેવના શાસનકાળમાં દેલવાડાના જૈન મંદિરો અને મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેના લગ્ન ઉદયમતી સાથે થયા હતા, જેણે રાજાની યાદમાં પાટણમાં રાણકી વાવ બંધાવી હતી.[૨]
ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો હતો.
ભીમદેવના પિતા નાગરાજ સોલંકી વંશના ચામુંડરાજના પુત્ર હતા. ચામુંડરાજ બાદ નાગરાજના ભાઈઓ વલ્લભરાજ અને દુર્લભરાજ ક્રમશઃ રાજા બન્યા. વલ્લભ અને દુર્લભ બંને નિઃસંતાન મૃત્યુ પામ્યા હતા. ૧૨મી સદીના લેખક હેમચંદ્રાચાર્યના જણાવ્યા અનુસાર, દુર્લભરાજને તેમના ભત્રીજા ભીમદેવ ઉપર ખૂબ જ પ્રેમ હતો અને તેમના મૃત્યુ પહેલાં ભીમદેવને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યો હતો. ભીમદેવના સિંહાસન પર આવ્યા પછી થોડા જ સમયમાં દુર્લભ અને નાગરાજ મૃત્યુ પામ્યા.[૩]
ભીમદેવના લગ્ન ઉદયમતી સાથે થયા હતા. હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ, તેમને ત્રણ પુત્રો હતા : મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ. ભીમદેવના જીવનકાળ દરમિયાન મૂળરાજ મૃત્યુ પામ્યા અને ક્ષેમરાજે સિંહાસન નકારી કાઢ્યું. ક્ષેમરાજને રાજકીય ખટપટો પસંદ ન હતી. આથી, તેમણે ગાદી સંભાળવાની જવાબદારી કર્ણદેવને સોંપી દીધી અને પોતે દધિસ્થલીમાં સાધુ જીવન વીતાવ્યું.[૪] પરિણામે કર્ણદેવ ભીમદેવના અનુગામી બન્યા.[૫]
મેરુતુંગા જણાવે છે કે તેમણે પોતાના મૃત પુત્રની યાદમાં અણહિલપુર પાટણ ખાતે ત્રિપુરુષપ્રસાદ મંદિરનું નિર્માણ કર્યું હતું. તેમણે ભીમેશ્વર અને ભટ્ટારિકા ભિરુણી મંદિરો પણ બંધાવ્યાં હતાં. ગઝનીના આક્રમણ બાદ તેમણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. મેરુતુંગાના મતે અણહિલવાડ પાટણમાં જળાશય ખોદાવાનું શ્રેય ઉદયમતીને જાય છે. આ જળાશય સહસ્ત્રલિંગ તળાવની સરખામણીમાં વધુ સારું હોવાનો મત છે. રાણી ઉદયામતીએ રાણકી વાવ પણ બંધાવી હતી.[૬] ભીમદેવના મંત્રી અને બાદમાં ચંદ્રવતીના રાજ્યપાલ વિમલશાહે ભીમદેવના શાસનકાળ દરમિયાન માઉન્ટ આબુ પર આવેલા દેલવાડાના જૈન મંદિરોમાંનું એક આદિનાથ જૈન મંદિર નું નિર્માણ કર્યું હતું. તેમણે પાટણમાં વધુ એક મંદિર અને શત્રુંજય પર્વત પર વિમલ વસાહીનું નિર્માણ (૧૭મી સદીમાં નવીનીકરણ) કર્યું હતું. ભીમદેવના શાસનકાળમાં મોઢેરા સૂર્યમંદિરના રંગમંડપ અને ટાંકી સિવાયના ભાગોનું પુનઃનિર્માણ (ઇ.સ.૧૦૨૬-૨૭) કરવામાં આવ્યું હતું. ભક્તમારાસ્રોત વૃત્તિ (ઇ.સ. ૧૩૭૦) અને રત્નમંદિર ઉપદેશતરંગીણી (૧૫મી સદી)માં ધવલક્કા (ધોળકા) ખાતે શ્રેષ્ઠી ઝીનાહ દ્વારા આદિનાથ અને પાર્શ્વનાથ મંદિરોના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૭]
પાટણ જિલ્લાના ધનોજ ખાતે વાઘેશ્વરી/ખંભાલાઈ માતાનું મંદિર મોઢેરા સૂર્યમંદિરના સમયગાળામાંજ બાંધવામાં આવ્યું હતું. માઉન્ટ આબુ પર આવેલા અચલેશ્વર મહાદેવ અને જગન્નાથ મંદિરો આદિનાથ મંદિરના સમકાલીન હતા. ઉત્તર ગુજરાતના દેલમાલ ખાતે આવેલું લિંબોજી માતાનું મંદિર પણ એ જ સમયગાળામાં બાંધવામાં આવેલું છે. મહેસાણા નજીક ગોરદ ખાતે સોમેશ્વરનું નાનકડું મંદિર; પાટણ જિલ્લાના સંડેર ખાતે શિવ મંદિર અને સંડેરી માતાનું મંદિર ૧૧મી સદીનું છે. સૌરાષ્ટ્રના માધવપુરામાં આવેલું ખંડેર મંદિર સંડેર ખાતે આવેલા શિવ મંદિરનું સમકાલીન છે. પંખનાથ મહાદેવ અને ખેડબ્રહ્માના અંબિકા મંદિરોના પ્રારંભિક અવશેષો પણ આ સમયગાળાના છે. કુંભારિયામાં આવેલા પાંચ જૈન મંદિરો પૈકીનું વિશાળ આરસપહાણનું મહાવીર મંદિર આ સમયગાળાનું(ઇ.સ. ૧૦૬૨) છેલ્લું મુખ્ય મંદિર છે. પાટણ ખાતે આ સમયગાળાના મંદિરના થાંભલા અને સ્તંભોનો ખાન સરોવરના નિર્માણમાં પુનઃ ઉપયોગ કરવામાં આવ્યો છે. ધોળકાની ટંકા મસ્જિદમાં ભદ્રકાના ચાર થાંભલા છે, જેનો ઉપયોગ આ યુગના એક નાનકડા મંદિરમાંથી કરવામાં આવેલો છે. નવીનીકરણ થયેલું સૂર્ય મંદિર અને પ્રભાસ પાટણમાં દૈત્યસુદાન વિષ્ણુને સમર્પિત બીજું મંદિર પણ આ સમયગાળાનું છે.[૭]
દાવડ ખાતે આવેલી અણખોલ માતાની વાવ અને અમદાવાદમાં માતા ભવાનીની વાવનો સમયગાળો ૧૧મી સદીના ત્રીજા ત્રિમાસિક ગાળાની છે.[૮]