ભૂપત વડોદરિયા | |
---|---|
જન્મ | ધ્રાંગધ્રા, ગુજરાત | 19 February 1929
મૃત્યુ | 4 November 2011 અમદાવાદ | (ઉંમર 82)
ભૂપતભાઇ વડોદરિયા (૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ - ૪ ઓક્ટોબર ૨૦૧૧) ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કરતા પહેલાં ગુજરાતના વિવિધ સમાચારપત્રો અને ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું હતું. તેમણે પચાસ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે.
તેમનો જન્મ ધ્રાંગધ્રા, ગુજરાતમાં ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ થયો હતો. તેમના પિતા છોટાલાલનું મૃત્યુ તેઓ જ્યારે ૩ વર્ષના હતા, ત્યારે જ થયું હતું અને તેમનો ઉછેર તેમની માતા ચતુરાબેન દ્વારા થયો હતો. ૧૯૪૬માં તેમણે વિજ્ઞાન સ્નાતકની પદવી મેળવી.[૧][૨][૩]
લોકશક્તિ દૈનિકમાં થોડો સમય કામ કર્યા બાદ ૨૬ વર્ષની વયે તેઓ ફૂલછાબ દૈનિકમાં ૧૯૫૫માં જોડાયા ત્યારે તેના સૌથી જુવાન સંપાદક હતા. ૧૯૬૨માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે લોકમાન્યના સંપાદક, સંદેશના સમાચાર સંપાદક અને ગુજરાત સમાચારમાં સહ-સંપાદક તરીકે કામ કર્યું. ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું. ૧૯૮૬માં તેમણે સમભાવ ગ્રુપની સ્થાપના કરી જે વિવિધ દૈનિકો અને સામયિકોનું પ્રકાશન કાર્ય કરે છે.[૧][૨][૩][૪][૫][૬]
તેમનું મૃત્યુ ૪ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે થયું. તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી.[૧][૪]
તેમણે પચાસ કરતા વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે અભિયાન અઠવાડિકમાં પંચામૃત અને ગુજરાત સમાચારમાં ઘર બાહિરે જેવી કટારો લખી હતી. કસુંબીનો રંગ (૧૯૫૨), જીવન જીવવાનું બળ (૧૯૫૫), અંતરના રૂપ (૧૯૫૮) તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. તેમના નિબંધો અને કટાર લેખનના સંગ્રહો ઘર બાહિરે ભાગ ૧ થી ૫ (૧૯૫૮-૧૯૮૨) અને આઝાદીની આબોહવા (૧૯૮૭) માં પ્રકાશિત થયા છે. તેમની નવલકથા પ્રેમ એક પૂજાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.[૧][૨][૪][૭]