ભૂપેન ખખ્ખર (૧૦ માર્ચ ૧૯૩૪-૮ ઑગસ્ટ ૨૦૦૩) ગુજરાત, ભારતના એક ભારતીય ચિત્રકાર હતા.[૧] તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ચિત્રકાર હતા અને તેમને ૧૯૮૪માં ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[૨][૩]
તેમનો જન્મ ૧૦મી માર્ચ ૧૯૩૪ના રોજ મુંબઈમાં થયો હતો જ્યાં તેઓ અર્થશાસ્ત્ર અને વાણિજ્યનું ભણીને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં જોડાયા હતા અને તેની સાથે તેઓ સાંજના ચિત્રના વર્ગો ભરતા હતા.[૪] વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઑફ્ ફાઈન આર્ટ્સમાં તેઓ ૧૯૬૧માં પોતાની નોકરી છોડ્યા બાદ જોડાયા હતા.[૪] તેમણે "૧૯૬૫માં પોતાનાં ચિત્રોનું એક પ્રદર્શન યોજીને કારકિર્દીનો આરંભ કર્યો."[૪]
ત્યારપછી, એક વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં તેમની કૃતિઓને જ્યોર્જ બુચર્સ સિલેક્શન ઑફ્ ઈન્ડિયન આર્ટમાં રજૂ કરવામાં આવી હતી.[૪] બે વર્ષ પછી ૧૯૬૮માં તેમની કૃતિઓને ભારતના પ્રથમ 'ત્રિનાલે'માં રજૂ કરવામાં આવી હતી.[૪] તે જ વર્ષ દરમિયાન અમેરિકામાં એશિયન કલ્ચરલ કાઉન્સિલ વડે તેમને 'સ્ટાર ફેલોશિપ' અર્પણ કરવામાં આવી હતી.[૪] ૧૯૭૬માં તેમણે યુગોસ્લાવિયા, ઇંગ્લેન્ડ અને રશિયાની યાત્રા કરી હતી અને લંડન ખાતે "એક ખૂબ જ સફળ પ્રદર્શન કર્યું હતું."[૪]
૧૯૮૪માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૩ની ૮મી ઑગસ્ટે તેમનું અવસાન થયું.[૩]