ભૂમિ | |
---|---|
પૃથ્વીનું માનવ સ્વરૂપ[૧] | |
કાંસાની મિશ્રધાતુનું શિલ્પ તામિલ નાડુ | |
અન્ય નામો | ભૂદેવી, વસુંધરા, પૃથ્વી, ભૂમાતા, ધરતી, વરાહી, પુહિમી, વસુમતી |
જોડાણો | વૈષ્ણવ ધર્મ લક્ષ્મી |
રહેઠાણ | ભૂલોક અને દ્યુલોક |
ગ્રહ | પૃથ્વી |
મંત્ર | ઓમ ભૂમાય નમઃ |
વાહન | હાથી |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | વરાહ (વિષ્ણુ) |
બાળકો | નક્ષત્ર, મંગળ, સીતા |
સામ્ય | |
ગ્રીક સામ્ય | ગાઈયા |
રોમન સામ્ય | ટેરા |
ચીની સામ્ય | હોઉટુ[૨] |
ભૂમિ (સંસ્કૃત: भूमि ) અથવા ભૂદેવી હિંદુ ધર્મના એક દેવી છે. તેઓ પૃથ્વીના અવતાર છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર (અવતાર) વરાહએ તેમને અસુર હિરણ્યાક્ષથી બચાવી અને તેની સાથે લગ્ન કર્યા હતા. તેમને નરકાસુર, મંગળા અને સીતાની માતા ગણવામાં આવે છે. [૩]
ભૂમિ દેવીના વૈદિક પુરોગામી પૃથ્વી માતા જણાય છે. તેઓ ઋગ્વેદથી પણ આદિકાળની દેવી હોવાનું જણાય છે. શ્રી વૈષ્ણવ પરંપરામાં, ભૂદેવીને શ્રીદેવી અને નીલાદેવીની જેમ વિષ્ણુની પત્ની, લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. [૪]
"ભૂમિ" નામ એ "પૃથ્વી" માટેનો સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ છે. પ્રાચીન અવધિ ભાષામાં આનો સમકક્ષ શબ્દ "પૂહુમી" છે. [૫]
હિંદુ શાસ્ત્રોમાં ભૂમિ દેવીના જન્મ વિષે વિવિધ કથાઓ વર્ણવવામાં આવી છે. મહાકાવ્ય મહાભારતના દક્ષિણી સંસ્કરણોમાં ભૂમિ દેવીનો ઉલ્લેખ સર્જક ભગવાન બ્રહ્માની પુત્રી તરીકે કરવામાં આવ્યો છે. દેવી ભાગવત પુરાણ જણાવે છે કે મધુ અને કૈતાબા નામના બે રાક્ષસોના અવશેષોમાંથી તેમનો જન્મ થયો હતો. [૬]
ભૂમિ એ ભગવાન વિષ્ણુના સંરક્ષક સ્વરૂપ - વરાહ અવતારના પત્ની છે. પુરાણો અનુસાર, સત્યયુગ (પ્રથમ યુગ) દરમિયાન, રાક્ષસ હિરણ્યાક્ષે ભૂમિનું અપહરણ કર્યું અને તેમને અનાદિકાળ માટે પાણીમાં છુપાવી દીધી. દેવતાઓની વિનંતી પર, વિષ્ણુએ તેમને બચાવવા માટે વરાહનો અવતાર ધારણ કર્યો. વરાહ અવતાર થકી તેમણે રાક્ષસને મારી નાખ્યો અને પૃથ્વીને સમુદ્રના ઊંડાણમાંથી બહાર કાઢી અને તેમને પોતાના દાંત પર ઉપાડી. તેમણે ભૂદેવીને બ્રહ્માંડમાં તેમના યોગ્ય સ્થાન પર પુનઃસ્થાપિત કરી, અને તેમની સાથે લગ્ન કર્યા. [૬]
ભૂદેવીને બચાવવા માટે વિષ્ણુના વરાહ અવતારની મદદ માગતા દેવોની કથાનું વર્ણન પદ્મ પુરાણમાં કરવામાં આવ્યું છે: [૭]
તેમણે નારાયણ, વિષ્ણુનું શરણ માંગ્યું. આ વાત સાંભળી અશ્ચર્ય પામતા શંખ. ચક્ર, ગદાને ધારણ કરનાર વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કર્યું જે સર્વ વ્યાપિ હતું જેનો અંત કે આરંભ નહતો. વિશાળ સ્વરૂપે સર્વ સંપ્પન એવા દેવને દરેક બાજુએ હાથ અને પગ હતા, તેઓ દંત શૂળ ધરાવતા હતા અને શસ્ત્ર સજ્જ હતા. તેમણે પોતાના એક દંતશૂળથી દાનવને હણ્યો. વિશાળ કાયા ધરાવતો દીતીનો પુત્ર મૃત્યુને શરણ થયો. દાનવના માથામાંથી પૃથ્વીને પડતી જોતા વરાહ સ્વરૂપે તેને પોતાના દાંતો વડે પકડી લીધી અને તેને પહેલાની જેમ શેષ (નાગ)ના માથે સ્થાપિત કરી અને પોતે કાચબાનું સ્વરૂપ લીધું1. વિષ્ણુના આ વરાહ સ્વરૂપના દર્શન કરી સૌ દેવો, સાધુઓએ તેમના ગુણગાન ગાય અને વંદન કર્યા.
— પદ્મ પુરાણ, પ્રકરણ ૨૩૭
નરકાસુર ભૂદેવીનું પ્રથમ સંતાન હતો. નરકાસુરના જન્મ વિશે બે કથાઓ છે. પ્રથમ કથા અનુસાર, તે ભૂમિ અને વરાહનો પ્રથમ પુત્ર હતો. જ્યારે ભૂમિએ વરાહને પુત્ર માટે વિનંતી કરી ત્યારે તેનો જન્મ થયો. નરકાસુરે પાછળથી એક વરદાન મેળવવા માટે તપ કર્યું અને વરદાન મેળવ્યું કે માત્ર તેની માતા જ તેને મારી શકશે. બીજી કથા અનુસાર, નરકાસુરના પિતા હિરણ્યાક્ષ હતા અને જ્યારે હિરણ્યાક્ષના શિંગડા ભૂમિને સ્પર્શ્યા ત્યારે તેમનો જન્મ થયો હતો. [૮] નરકાસુર આસામની બોડો જાતિના સુપ્રસિદ્ધ એવા ભૌમ વંશના સ્થાપક હોવાનું માનવામાં આવે છે.
વૈષ્ણવ પરંપરા અનુસાર, મંગળને વરાહ અને ભૂમિનો પુત્ર માનવામાં આવે છે. [૯] [૧૦]
રામની પત્ની સીતા પૃથ્વીમાંથી પ્રગટ થઈ હતી અને ત્યારબાદ મિથિલાના રાજા, જનક દ્વારા દત્તક લેવામાં આવી હતી. વાર્તા એવી છે કે એક સમયે સીતાના વતન મિથિલામાં દુકાળ પડ્યો હતો. સીતાના પિતા જનક, જમીન ખેડતા હતા. તેમના હળ હેઠળ, તેમને એક બાળકી (સીતા) મળી. તે સમયે પૃથ્વી પર વરસાદ વરસ્યો અને જનક અને તેમની પત્નીએ આ બાળકીને દત્તક લેવાનું નક્કી કર્યું. સીતાનો જન્મ પૃથ્વીમાંથી થયો હોવાથી તે ભૂમિજા તરીકે પણ ઓળખાતી હતી. [૧૧]
હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાદ વિષ્ણુનો ભક્ત હતો. પુત્રની વિષ્ણુ પ્રત્યેની ભક્તિ પિતાને ગમતી ન હતી. તેથી પ્રહ્લાદને અનેક રીતે તેણે શિક્ષા આપી. એકવાર, તેણે પ્રહ્લાદને ઊંચી ઇમારતની ટોચ પરથી નીચે ફેંકી દીધો. તે જ ક્ષણે, ભૂદેવી ત્યાં પ્રગટ થયા અને તેને તેડીને બચાવી લીધો. [૧૨]
ચક્રવર્તી સમ્રાટ પૃથુ સાથેની ભૂમિ દેવીની કથા તેની સૌથી પ્રચલિત દંતકથાઓમાંની એક છે. જ્યારે પૃથુએ સાંભળ્યું કે તેના લોકો ભૂખે મરી રહ્યા હતા કારણ કે પૃથ્વીએ તેની મોટાભાગની વનસ્પતિ હટાવી લીધી હતી, ત્યારે ગુસ્સે થઈને તેણે તેનો પીછો પકડ્યો. આથી ભૂદેવી ભયથી ગાયનું રૂપ લઈ ત્યાંથી નાસી ગઈ. છેવટે તે શરણે આવી, પોતાને દોહવાની મંજૂરી આપી, જેથી જીવંત જીવોનું વધુ એક વખત પોષણ થઈ શકે. બ્રાહ્મણ ઋષિઓની હિંમત, બહાદુરી, જ્ઞાન અને શારીરિક સ્વાસ્થ્ય જેવા ગુણોનું પોષણ પૃથ્વીના ક્ષીર થકી આવ્યા હોવાનું કહેવાય છે, અને પ્રાણીઓના સદ્ગુણો અને સત્યોની લાક્ષણિકતા પણ તેને આભારી છે એમ માનવામાં આવે છે. [૧૩]
પોતાના પુત્ર નરકાસુરનો વધ કરવા માટે ભૂમિ દેવીએ મનુષ્ય તરીકે અવતાર લીધો હતો તેની કથા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. તે દંતકથા અનુસાર, પોતાનું ઇચ્છિત વરદાન પ્રાપ્ત કર્યા પછી, નરકાસુર ઘમંડી બની ગયો અને શક્તિના અભિમાનના નાશામાં રહેવા લાગ્યો. તેણે સ્ત્રીઓને પકડવાનું શરૂ કર્યું અને તેમને તે બળજબરીથી પોતાની પત્ની બનાવી લેતો. આમ તેણે લગભગ ૧૬,૦૦૦ સ્ત્રીઓને પકડી હતી. તેણે ઇન્દ્ર પાસેથી સ્વર્ગ છીનવી લીધું હતું. તેના વરદાનને કારણે કોઈ પણ દેવતા તેને હરાવી શકતા નહીં. નરકાસુરે ઈન્દ્રની માતા અદિતિની કાનની બુટ્ટી પણ લઈ લીધી અને પોતાની માતા ભૂમિને આપી દીધી. ભૂદેવીને દેવોએ તેમના પુત્રને મારી નાખવાની વિનંતી કરી હતી. તેણે પોતાને પૃથ્વી પર સત્રાજીતની પુત્રી સત્યભામા તરીકે અવતાર લીધો. સત્યભામાએ કૃષ્ણ સાથે લગ્ન કર્યા, અને આ દંપતીએ નરકાસુર સામે યુદ્ધ કર્યું. સત્યભામાએ આખરે તેના પતિના સુદર્શન ચક્ર થકી નરકાસુરનું માથું કાપી નાખ્યું, આમ માતાના અવતારથી હત્યા થતા, માતા સિવાય કોઈથી ન હણાવાના વરદાનની પરિપૂર્ણતા થઈ અને નરકાસૂરનો વધ પણ થયો. [૧૪]
ભૂમિદેવીને એક આસન પર બેઠેલા દર્શાવવામાં આવે છે જે ચાર હાથીઓની પીઠ પર મૂકેલું હોય છે. આ હાથી ચાર મુખ્ય દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને સામાન્ય રીતે ચાર હાથ સાથે દર્શાવવામાં આવે છે, જેમાં અનુક્રમે દાડમ, પાણીનું વાસણ, જડીબુટ્ટીઓ ધરાવતો કટોરો અને શાકભાજી ધરાવતો બીજો કટોરો હોય છે. [૧૫] તેમને ઘણીવાર બે હાથ સાથે પણ દર્શાવવામાં આવે છે, આવા શિલ્પોમાં જમણો હાથ કુમુદા અથવા ઉત્પલા તરીકે ઓળખાતો વાદળી કમળ(રાત્રિનું કમળ) ધરે છે જ્યારે ડાબો હાથ અભયમુદ્રા ધરે છે, જે નિર્ભયતા બતાવે છે. ક્યારેક ડાબો હાથ લોલહસ્ત મુદ્રા દર્શાવે છે, જેનો ઘોડાની પૂંછડીની જેવી હોય છે જે એક સૌંદર્ય મુદ્રા છે. [૧૬] [૧૭]
પૂર્વ ભારતના ઑડિશામાં ત્રણ દિવસનો રજ પર્વ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ભૂમિ દેવીને સમર્પિત હોય છે. આ તહેવાર જીવનમાં સ્ત્રીત્વ અને કૃષિના મહત્ત્વનું સન્માન કરે છે. રજ પર્વ દરમિયાન, ભૂમિ દેવીને માતૃત્વ, સ્ત્રીત્વ અને ફળદ્રુપતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. આ તહેવાર ચોમાસાની શરૂઆત અને નવા પાકના આગમનને સમયે મનાવાય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમ્યાન ભૂમિ દેવી આરામ કરી રહી હોય છે અને માનવ જાતિને સમૃદ્ધ લણણીના આશીર્વાદ આપવાની તૈયારી કરી રહી હોય છે. રજ પર્વ મુખ્યત્વે સ્ત્રીઓ અને બાલિકાઓ દ્વારા ઉજવવામાં આવે છે. આ સમયે તેઓ શૃંગાર કરી નવા કપડાં અને સુંદર ઘરેણાં પહેરે છે. સ્ત્રીઓ પગ પર લાલ રંગ (અલ્ટા) લગાવી, કેશને ફૂલોથી શણગારે છે. તેઓને તેમનો મનપસંદ ખોરાક અને પોડા પીઠા તરીકે ઓળખાતી ઑડિશાની એક ખાસ સ્વાદિષ્ટ વાનગી આપવામાં આવે છે, જે આ પ્રસંગ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. સ્ત્રીઓ અને બાલિકાઓ માટે વિવિધ ફૂલોથી શણગારેલા હીંચકાઓ ગોઠવવામાં આવે છે, સ્ત્રીઓને ભૂદેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન તેમને જમીનનો સ્પર્શ કરવાની પરવાનગી નથી હોતી. ભૂદેવીની ગાઢ નિંદ્રાને માન આપવા માટે, લોકો આ સમય દરમિયાન પૃથ્વી ખોદવાનું અથવા કૃષિ કાર્ય કરતા નથી. આ તહેવાર ખેતી, મહિલાઓ તથા પર્યાવરણ પરની નિર્ભરતા અને આદરને દર્શાવે છે. [૧૮]
Earth (भूमि, bhūmi) is one of the five primary elements (pañcabhūta)