ભોળાનાથ સારાભાઇ દિવેટિયા (૧૮૨૨ – ૧૧ મે ૧૮૮૬) ભારતના ગુજરાતી કવિ અને ધાર્મિક સુધારક હતા.
તેમનો જન્મ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.[૧] તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સરકારી નોકરી કરી હતી. તેમની બઢતી પ્રથમ દરજ્જાના ઉપ-ન્યાયાધીશ તરીકે થઇ હતી અને તેઓ ૧૮૭૪માં નિવૃત્ત થયા હતા અને તેમને બ્રિટિશ સરકાર દ્વારા રાય બહાદુર ઇકલાબ એનાયત થયો હતો. તેમનો જન્મ રૂઢિચુસ્ત ધાર્મિક અને મૂર્તિ પૂજામાં માન્યતા ધરાવતા કુટુંબમાં થયો હતો, પરંતુ તેઓ નિરાકાર ભગવાનમાં આસ્થા ધરાવતા હતા. તેમણે ધાર્મિક સુધારણા માટે પ્રાર્થનાસમાજ અને ધર્મસભાની સ્થાપના કરી હતી. તેઓ ગુજરાતી લેખક નરસિંહરાવ દિવેટિયાના પિતા હતા.[૨]
૧૧ મે ૧૮૮૬ના રોજ તેમનુ અવસાન થયું હતું.[૩]
તેઓ ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, ફારસી અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ઇશ્વર પ્રાર્થનામાળાના બે ભાગ તેમનો પ્રાર્થના સંગ્રહ છે, જે મહિનાના ત્રીસ દિવસોની પ્રાર્થનાઓ ત્રીસ વિભાગોમાં સમાવેશ કરે છે. છેલ્લા બે વિભાગો તેમના પુત્ર, નરસિંહરાવ દિવેટિયા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ તે પહેલા મૃત્યુ પામ્યા હતા. અભંગમાળા તેમનો દક્ષિણ ભારતની અભંગ અને દિંદિ કવિતા સ્વરૂપ ધરાવતો કાવ્ય સંગ્રહ છે.[૨][૪]
ભોળાનાથની ૨૦૦ વર્ષ જૂની હવેલી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.[૧] આ હવેલી હવે અમદાવાદની હેરિટેજ વોકમાં આવરી લેવાય છે.[૫] તેના પર લીલા અને સોનેરી રંગના ફૂલોનું કોતરણીકામ કરવામાં આવ્યું છે.[૧] ભોળાનાથના જીવન પહેલા અખા ભગત જેવા પ્રસિદ્ધ કવિઓ વડે વારંવાર આ હવેલીની મુલાકાત લેવામાં આવી હતી.[૧]