મંગલ પાંડે

મંગલ પાંડે
મંગલ પાંડે, ૧૯૮૪ની ટપાલ ટિકિટ, ભારત.
જન્મની વિગત૧૯ જુલાઇ ૧૮૨૭
નાગબ, બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ
મૃત્યુની વિગત૮ એપ્રિલ ૧૮૫૭
બરાકપુર
મૃત્યુનું કારણફાંસીની સજા
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
વ્યવસાયસિપાહી, ઈસ્ટ ઈંડિયા કંપની

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.

શરૂઆતી જીવન

[ફેરફાર કરો]

મંગલ પાંડેનો જન્મ સુપરત કરાયેલા અને જીતેલા પ્રાંત (સીડેડ એન્ડ કોન્કર્ડ પ્રોવીન્સ - હાલનું ઉત્તર પ્રદેશ)ના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[][] તેઓ ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ નિજી સૈનિક (પ્રાયવેટ સોલ્જર) હતા.

૧૮૫૭ની ઘટના

[ફેરફાર કરો]
એનફિલ્ડ રાયફલનો ફોટો - ૧૮૫૭માં તેનો બંગાળ સેનામાં સ્વીકાર ન થતા અસંતોષ ફેલાયો.

૨૯ માર્ચ ૧૮૫૭ના દિવસે લિયુટેનન્ટ બોગને સમાચાર મળ્યા કે તે સમયે બરાકપુરમાં શેલી ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રીના અમુક લોકો ભડકી ઉઠ્યા હતા. તેમને એવા પણ સમાચાર મળ્યા અકે પરેડ મેદાનની બાજુમાં મંગલ પાંડે નામનો એક સિપાહી રેજિમેંટની ગાર્ડ રૂમ બહાર બંદૂક લઈ ઊભો હતો અને અન્ય સિપાહીઓને બળવો કરી જે પહેલો યુરોપિય દેખાય તેને ગોળી મારવાનું કહેતો હતો. પાછળની તપાસ આદિમાં જણાયું કે મંગલ પાંડે સિપાહીઓના અસંતોષને કારણે દુઃખી હતા. ભાંગના નશામાં તેમણે સમાચાર સાંભળ્યા કે બ્રિટિશ સૈનિકોની એક સ્ટીમર કેન્ટોન્મેટ નજીક ઊતરી છે આથી તેઓ શસ્ત્ર છીનવી ક્વાર્ટર ગાર્ડની ઈમારત નજીક પહોંચ્યા હતા.[]

બોગે તરતજ ઘોડો પલાણ્યો અને ઘટના સ્થળે જવા રવાના થયા. ક્વોટર ગાર્ડની બહાર સ્થાપિત સ્ટેશન ગનની ઓથે મંગલ પાંડે છુપાયા ને બોગ પર નિશાનો સાધી ગોળી છોડી. તેમનું નિશાન ચૂકી ગયું, અને ગોળી બોગને ન વાગતા ઘોડાને વાગી અને ઘોડો તથા બોગ બન્ને ધરાશાયી થયા. બોગે ઝડપથી ઘોડાના આંકડામાંથી પગ છોડાવ્યો અને પિસ્તોલ કાઢી મંગલ પાંડે પર નિશાનો સાધ્યો. તે પણ નિશાન ચૂક્યા. બોગ પોતાની તલવાર કાઢી મંગલ પાંડે સુધી પહોંચે તે પહેલા મંગલ પાંડે એ સહાયકની મદદ વડે તલવારથી તેમના પર ઘા કર્યો. તેમના ગળા અને ખભા પર માર લાગ્યો અને તેઓ ધરાશાયી થયા. ત્યારે શેખ પલટુ નામના અન્ય સિપાહીએ આવીને મંગલ પાંડેને રોક્યો જે હુમલો કરવા બંદૂક ભરી રહ્યા હતા.[]

સ્થાનીય ઑફિસર અંગ્રેજ સાર્જન્ટ - મેજર હેસનને પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી લીધા હતા. તેઓ બોગ પહેલાં પહોંચ્યા હતા. તેમણે ક્વોર્તર ગાર્ડના ને ભારતીય અધિકારી જમાદાર ઈશ્વરી પ્રસાદને મંગલ પાંડેને હિરાસતમાં લેવાનો હુકમ કર્યો. તેના જવાબમાં જમાદારે કહ્યું કે તેના એન.સી.ઓ. મદદ માટે ગયા છે અને તે એકલો પાંડેને હિરાસતમાં લઈ શકશે નહિ.[] તેના જવાબમાં હેસને ઈશ્વરી પ્રસાદને હથિયાર સહિત ગાર્ડમાં ઉતરવાનો હુકમ કર્યો. તે જ સમયે બોગ - 'તે ક્યાં છે?' 'તે ક્યાં છે?' એવી બુમો પાડતા મેદાનમાં ધસી આવ્યા. તેના જવાબમાં હેસને બુમ પાડીને કહ્યું કે 'ઘોડો જમણી તરફ પલાણી તમારો જીવ બચાવો. સિપાહી તમારી પર ગોળી છોડશે.'[] તે જ ક્ષણે પાંડેએ ગોળી છોડી.

બોગ સામે લડતા પાંડે ઉપર હેસને હુમલો સાધ્યો. પાંડેને છોડતા હેસનને પાછળથી તેની બંદૂકનો માર વાગ્યો અને તે પડી ગયો. ગોળી છૂટવાનો અવાજ આવતા બેરેકમાંથી અન્ય સિપાહીઓ બહાર આવ્યા; પણ તેઓ મૂક દર્શક જ બની રહ્યા. તે સમયે અંગ્રેજ અમલદારોને બચાવવાનો પ્રયત્ન કર્તા શેખ પલટુએ અન્ય સિપાહીઓને મદદ માટે હાકલ કરી. અન્ય સિપાહીઓ તેની પાછળથી તેના પર પથ્થર અને ચંપલ મારી રહ્યા હતા આથી તેણે પાંડેને પકડવા માટે ગાર્ડને બોલાવ્યો. પણ ગાર્ડે ઉલટી તેને ધમકી આપી કે જો તે પાંડેને નહિ છોડે તો તેઓ જ તેના ઉપર ગોળી છોડશે.[]

ક્વાર્ટર ગાર્ડના અમુક સિપાહીઓ બહાર આવ્યા અને તેમણે બે થાકેલા અમલદારો પર હુમલા કર્યો. તેમણે પછી પાંડેને પકડી રાખવાની નિરર્થક પ્રયત્ન કરી રહેલા પલટુને પાંડેને છોડવા કહ્યું. પણ સાર્જન્ટ અને મેજર બન્ને ઉઠ્યા ત્યાં સુધી પલટુએ પાંડેને છોડ્યો નહિ. ઘાયલ થયેલો પલટુ પાંડે વધુ પકડી રાખી ન શક્યો. તે એક દિશામા ગયો અને બોગ તથા હેસન બીજી દિશામાં ગયા.

તે સમય દરમ્યાન આ ઘટનાના સમાચાર જનરલ હીર્સીને મળ્યા. તેઓ તેમના અમલદારો સાથે ઘોડે ચડી ત્યાં પહોંચ્યા. તે સ્થળે આવી તેઓ ગાર્ડ પાસે ગયા અને મંગલ પાંડે એ પકડવાનો આદેશ આપ્યો. જે તેમની વાત નહિ માને તેમને ગોળી મારવાની જનરલે ધમકી આપી. ગાર્ડોએ નમતું આપ્યું અને જનરલ પાછળ પાછળ પાંડે તરફ ગયા. પાંડેએ આત્મહત્યા કરવા બંદુક પોતાની છાતી સરસી રાખી અને પગથી ટ્રીગર દબાવી. લોહી લુહાણ થઈ બળતા રેજીમેંટલ જાકીટ સાથે પડી ગયા. તેમને ઈજા થઈ પણ તે જીવલેણ ન હતી.

એકાદ અઠવાડીયા પછી પાંડે સાજા થયા અને તેમની પર કામ ચલાવવામાં આવ્યું. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેમણે તે વિદ્રોહ કોઈની ઉશ્કેરણીથી કર્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમણે જે કયું તે પોતાની જ સ્વયંસ્ફૂરણાથી પ્રતિકિર્યા કરી હતી અને કોઈએ તેમને ઉત્તેજન આપ્યું નહતું. ગાર્ડના ત્રણ શીખોએ જુબાની આપી કે ઈશ્વરી પ્રસાદે પાંડેને અટકમાં લેવા મના કરી હતી આથી ઈશ્વરી પ્રસાદ અને મંગલ પાંડેને ફાંસીની સજા થઈ.

મંગલ પાંડેની ફાંસીની સજા ૧૮ એપ્રિલના દિવસે નક્કી કરાઈ હતી પણ તેને દસ દિવસ પહેલાંજ સજા આપવામાં આવી. જમાદાર ઈશ્વરી પ્રસાદને ૨૧ એપ્રિલના દિવસે ફાંસી અપાઈ.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. D'Souza, Shanthie Mariet. "Mangal Pandey: Indian soldier". Encyclopædia Britannica.
  2. Mangal Pandey: True Story of an Indian Revolutionary, 2005, Rupa & Co. Mumbai
  3. Wagner, Kim A. The Great Fear of 1857. Rumours, Conspiracies and the Making of the Indian Uprising. પૃષ્ઠ 82. ISBN 978-93-81406-34-2.
  4. Saul David, page 70, "The Indian Mutiny", Penguin Books 2003
  5. Saul David, page 69, "The Indian Mutiny", Penguin Books 2003
  6. ૬.૦ ૬.૧ pages 68-70 The Great Mutiny, Christopher Hibbert, 1978, Penguin Books