મહાનતમ ભારતીય (સૌથી મહાન ભારતીય) એ નક્કી કરવા માટે ભારતમાં રિલાયન્સ મોબાઇલના માધ્યમથી CNN, IBN અને HISTORY ચેનલની ભાગીદારીમાં આઉટલૂક પત્રિકા દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સર્વેક્ષણ અનુસાર ભારતનાં મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો જેમાં કલા, ખેલ, રાજનીતિ, સમાજસેવા, ઉદ્યોગ વગેરે માંથી પ્રથમ ૫૦ મહાનુભાવો ને પસંદ કરવામાં આવ્યા હતાં.[૧]
મહાનતમ બ્રિટીશરની અન્ય આવૃત્તિઓથી વિપરીત, મહાનતમ ભારતીયમાં ઇતિહાસના તમામ સમયગાળાના લોકો સામેલ ન હતા. આ પસંદગી માટે બે કારણો આપવામાં આવ્યા હતા. પહેલું એ હતું કે “ભારતના સ્વતંત્રતા પૂર્વેના ઇતિહાસમાં મહાત્મા ગાંધીનું પ્રભુત્વ છે અને જ્યારે નેતૃત્વ, અસર અને યોગદાનની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપિતાની નજીક આવવું કોઈ માટે અશક્ય છે.[...] નિષ્ણાતોની પેનલને લાગ્યું કે જો ગાંધીને આ યાદીમાં સામેલ કરવામાં આવે તો મહાનતમ ભારતીયની પસંદગી માટે કોઈ સ્પર્ધા જ નહીં થાય.”[૨] બીજું, મહાનતમ ભારતીયની પસંદગી માટે ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવનારા ભારતથી અલગ આધુનિક રાષ્ટ્ર તરીકેની ભારતની છબી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. આમ આ સર્વેક્ષણનો પ્રયાસ એવી વ્યક્તિને પસંદ કરવાનો હતો જેમનો સ્વતંત્ર ભારતના ઘડતર અને વિકાસમાં પ્રથમકક્ષ પ્રભાવ રહ્યો હોય.[૨]
ભારત ના અલગ અલગ ક્ષેત્રે કાર્યરત ૧૦૦ મહાનુભાવોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ખ્યાતનામ કલાકારો, લેખક, ખેલ જગત વગેરેમાંથી ૨૮ સભ્યોની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી.[૩] આ જ્યુરીમાં એન.રામ (ધ હિન્દુના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ), વિનોદ મહેતા (આઉટલુકના એડિટર-ઇન-ચીફ), સોલી સોરાબજી (ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ), શર્મિલા ટાગોર (બોલિવૂડ અભિનેત્રી અને સેન્સર બોર્ડ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન), હર્ષા ભોગલે (રમતગમત), ચેતન ભગત (લેખક),[૪] રામચંદ્ર ગુહા (ઇતિહાસકાર),[૩] શશી થરૂર (રાજકારણી અને લેખક), નંદન નીલેકણી, રાજકુમાર હિરાણી, શબાના આઝમી અને અરુણ જેટલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૫] તેઓએ ટોચની ૫૦ નામાંકિત વ્યક્તિઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જે ૪ જૂન, ૨૦૧૨ના રોજ CNN, IBNના એડિટર-ઇન-ચીફ રાજદીપ સરદેસાઈ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ટોચના દસનું મૂલ્યાંકન કરવા માટે ત્રિમાર્ગીય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જ્યુરીના મતો, ઓનલાઇન પોલ અને નીલ્સન કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા બજાર સર્વેક્ષણ પર સમાન ભારણ આપવામાં આવ્યું હતું.[૩] ઓનલાઇન પોલના આ તબક્કામાં ૭૧,૨૯,૦૫૦ લોકોએ ભાગ લીધો હતો.[૬] ૪ જૂનથી ૨૫ જૂન દરમિયાન જાહેર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું,[૭] ટોચના અંતિમ દસની જાહેરાત ૩ જુલાઈએ કરવામાં આવી હતી.[૮] બીજા તબક્કાનું મતદાન પ્રથમ પદ્ધતિની જેમ જ ૧ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી ચાલ્યું હતુ.[૭] ઓનલાઈન મતદાન www.thegreatestindian.in વેબસાઈટની મુલાકાત લઈને અથવા દરેક નામાંકિતને આપવામાં આવેલા અનન્ય નંબર પર ફોન કરીને કરી શકાતું હતુ.[૮] સર્વેક્ષણના આ તબક્કામાં લગભગ ૨૦,૦૦૦,૦૦૦ લોકોએ મતદાન કર્યું હતું.[૯] એક વિશેષ સમારોહમાં અભિતાભ બચ્ચન દ્વારા[૧૦] ૧૧ ઓગસ્ટે વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી.[૧૧]
૫૦ મહાનુભાવો યાદી નીચે પ્રમાણે છે:[૧૨]
ઉપરોક્ત સર્વેક્ષણમાંથી અંતિમ દસ મહામાનવોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે બધાજ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.[૧૨] આ સર્વેક્ષણમાં અંતિમ દસ મહામાનવોની યાદી આ પ્રમાણે જાહેર કરવામાં આવી હતી.[૧]
ક્રમ | છબી | નામ | રાજ્ય | નોંધપાત્ર પ્રદાન |
---|---|---|---|---|
1 | ડૉ. બી. આર. આંબેડકર (૧૮૯૧–૧૯૫૬) |
મહારાષ્ટ્ર | આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામાં આવ્યા હતા.[૧૪] તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. આંબેડકરે મુખ્યત્વે દલિતો, મહિલાઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત જાતિઓ સાથે સામાજિક ભેદભાવ વિરુદ્ધ હિન્દુ પ્રણાલીઓ વિરુદ્ધ ઝુંબેશ લડી હતી.[૧૫] | |
2 | ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ (૧૯૩૧–૨૦૧૫) |
તમિલનાડુ | અંતરિક્ષ અને સંરક્ષણ વૈજ્ઞાનિક કલામ સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.[૧૬] બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.[૧૭][૧૮][૧૯] ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.[૨૦] બાદમાં તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. | |
3 | વલ્લભભાઈ પટેલ (૧૮૭૫–૧૯૫૦) |
ગુજરાત | સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. એમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. | |
4 | જવાહરલાલ નહેરુ (૧૮૮૯–૧૯૬૪) |
ઉત્તર પ્રદેશ | સ્વતંત્રતા કાર્યકર્તા અને લેખક નહેરુ ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન (૧૯૪૭-૬૪) છે.[૨૧][૨૨] | |
5 | મધર ટેરેસા (1910–1997) |
પશ્ચિમ બંગાળ (જન્મ વર્તમાન ઉત્તર મેસેડોનિયા) |
"સેન્ટ મધર ટેરેસા ઓફ કલકત્તા" એક કેથોલિક સાધ્વી હતા અને મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક હતા, જે રોમન કેથોલિક ધાર્મિક મંડળી છે, જે એચઆઇવી/એઇડ્સ, રક્તપિત્ત અને ક્ષયરોગથી પીડાતા લોકો માટે ઘરોનું સંચાલન કરે છે. તેમને ૧૯૭૯માં તેમના માનવતાવાદી કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૨૩] | |
6 | જે. આર. ડી. ટાટા (૧૯૦૪–૧૯૯૩) |
મહારાષ્ટ્ર | ઉદ્યોગપતિ, પરોપકારી અને ઉડ્ડયન પાયોનિયર ટાટાએ ભારતની પ્રથમ એરલાઇન એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, ટાટા મોટર્સ, ટીસીએસ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ અને નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ સહિત વિવિધ સંસ્થાઓના સ્થાપક છે.[૨૪][૨૫] | |
7 | ઈન્દિરા ગાંધી (૧૯૧૭–૧૯૮૪) |
ઉત્તર પ્રદેશ | ભારતના "લોખંડી મહિલા" તરીકે ઓળખાતા,[૨૬] ગાંધી ૧૯૬૬–૭૭ અને ૧૯૮૦–૮૪ દરમિયાન ભારતના વડા પ્રધાન હતા.[૨૧] ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન તેમની સરકારે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધને ટેકો આપ્યો હતો જેના કારણે એક નવો દેશ બાંગ્લાદેશની રચના થઈ હતી.[૨૭] | |
8 | સચિન તેંડુલકર (જ. ૧૯૭૩) |
મહારાષ્ટ્ર | ૧૯૮૯માં કારકિર્દીની શરૂઆત કરનાર તેંડુલકરે બે દાયકાથી વધુ ની કારકિર્દીમાં ૬૬૪ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી હતી. તેના નામે એકસો આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી, વન ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ અને વન ડે અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાં ૩૪,૦૦૦થી વધુ રન પૂરા કરનારા એકમાત્ર ખેલાડી સહિત ક્રિકેટના વિવિધ કિર્તિમાન છે.[૨૮][૨૯] | |
9 | અટલ બિહારી વાજપેયી (૧૯૨૪–૨૦૧૮) |
મધ્ય પ્રદેશ | ચાર દાયકાથી વધુ સમય સુધી સંસદસભ્ય વાજપેયી નવ વખત લોકસભામાં ચૂંટાયા હતા, બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી; ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯–૨૦૦૪.[૨૧] તેઓ ૧૯૭૭–૭૯ દરમિયાન વિદેશ મંત્રી હતા અને ૧૯૯૪માં તેમને "શ્રેષ્ઠ સંસદસભ્ય" તરીકે નવાજવામાં આવ્યા હતા.[૩૦] | |
10 | લતા મંગેશકર (જ. ૧૯૨૯) |
મહારાષ્ટ્ર | "ભારતની કોકિલા"[૩૧] તરીકે જાણીતા પાર્શ્વગાયક મંગેશકરે ૧૯૪૦ના દાયકામાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૬થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.[૩૨] ૧૯૮૯માં મંગેશકરને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૩૩] |
ઉપરોક્ત સર્વેક્ષણમાંથી સૌથી મહાન ભારતીયની પસંદગી કરવામાં આવી હતી અને તે માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો. ૧૪ અને ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ અમિતાભ બચ્ચને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મહાનતમ ભારતીય તરીકેની જાહેરાત કરી હતી.[૩૪]
|archive-date=
(મદદ)
|archive-date=
(મદદ)
|journal=
(મદદ)