મહાલક્ષ્મી મંદિર ભૂલાભાઇ દેસાઈ રોડ પર મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું મુંબઈનું એક જાણીતું મંદિર છે. આ મંદિર લક્ષ્મી દેવીનું છે. મંદિરની સ્થાપના હિંદુ વ્યાપારી ધાકજી દાદાજી ૧૭૬૦-૧૮૪૬ દ્વારા ૧૮૩૧માં કરવામાં આવી હતી.[૧]
આ મંદિરની સ્થાપના ૧૭૮૫માં થઇ હતી અને તેનો ઇતિહાસ હોર્નબે વેલાર્ડ સાથે જોડાયેલ છે. વેલાર્ડની દરિયાઇ જમીનનો કેટલોક ભાગ બે વખત પડી ગયા બાદ મુખ્ય એન્જિનિયર પથારે પ્રભુને તે દિવાલ નજીક દેવીનું સ્વપ્ન આવ્યું અને તેમણે મંદિર બંધાવ્યું. ત્યારબાદ આ દિવાલનું કામ-કાજ વિના વિધ્ને ચાલ્યું.
મંદિરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ છે. આ ત્રણેય મૂર્તિઓ નાકની ચૂની, સોનાની બંગડીઓ અને મોતીની માળાઓ ધરાવે છે. મહાલક્ષ્મીની મૂર્તિ હથેળીમાં કમળ ધરાવે છે. મંદિરની અંદર પૂજાનો સામાન અને પ્રસાદ વેચતી દુકાનો આવેલી છે.
નવરાત્રી દરમિયાન આ મંદિર વિશેષ રીતે શણગારવામાં આવે છે અને આ દરમિયાન મંદિરમાં ભક્તોની અત્યંત ભીડ જોવા મળે છે.
આ મંદિર મહાલક્ષ્મી રેલ્વે સ્ટેશનથી ૧ કિમીના અંતરે આવેલું છે. મંદિરની નજીક ત્રિંભ્યાકેશ્વર અને મહાદેવ ધાકલેશ્વર મંદિરો આવેલા છે.