માતાદીન વાલ્મીકિ | |
---|---|
જન્મની વિગત | મેરઠ, કંપની રાજ |
મૃત્યુ | કંપની રાજ |
વ્યવસાય | બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની |
પ્રખ્યાત કાર્ય | ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ[૧] |
માતાદીન વાલ્મીકિ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે ૧૮૫૭માં ભારતીય બળવો ફાટી નીકળ્યો તે પહેલાંની તરતની ઘટનાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.[૨][૩][૪] તેઓ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારતૂસ બનાવવાના એકમમાં વાલ્મીકિ કામદાર હતા. તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ૧૮૫૭ ના બળવાના બીજ વાવ્યા હતા.[૫]
ઐતિહાસિક વર્ણનો અનુસાર, માતાદીન ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારતૂસ ઉત્પાદન એકમમાં કામ કરતા હતા. એ સમયમાં ચામડા અને મૃત પ્રાણીઓની ચામડી સાથે કામ કરવું એ નીચલી જાતિઓનો વ્યવસાય માનવામાં આવતો હતો. રૂઢિચુસ્ત ઉચ્ચ જાતિના હિન્દુઓ તેમને "અશુદ્ધ" માનતા હતા. એક દિવસ કંપનીની સેવાના એક સૈનિક મંગલ પાંડે પાસે માતાદીન દ્વારા પાણી માંગવામાં આવ્યું હતું, પરંતુ નીચલી જાતિના વ્યક્તિને "અસ્પૃષ્ય" ગણવાની વર્ષો જૂની માન્યતાને કારણે, તેમણે પાણી આપવાની ના પાડી દીધી હતી. માતાદીને મંગલ પાંડેને સમજાવ્યું કે તેમનું વર્તન વિરોધાભાસી છે કારણ કે તેમને ઉચ્ચ જાતિના બ્રાહ્મણ પરિવારમાં તેમના જન્મ પર ગર્વ છે, પરંતુ તેમ છતાં તે ગાયો અને ડુક્કરની ચરબીથી બનેલા કારતૂસને મોં વડે ફોડે છે. આને કારણે કંપનીના હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોને કંપની વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા મળી હતી, કારણ કે ગાયને હિન્દુઓ માટે પવિત્ર માનવામાં આવતી હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરના માંસની મનાઈ હતી.[૬][૭]
સબાલ્ટર્ન[upper-alpha ૧] ઇતિહાસકારો તેમજ દલિત કાર્યકરોના જણાવ્યા અનુસાર, ૧૮૫૭ના બળવા પાછળના વાસ્તવિક ચહેરા તરીકે તેમને માન્યતા આપવી જોઈએ. કારણ કે તેમણે જ મંગલ પાંડેને એ વાતથી અવગત કરાવ્યા હતા કે અંગ્રેજો દ્વારા તેમની ધાર્મિક ભાવનાઓને જાણ્યે અજાણ્યે ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. આમ, તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ૧૮૫૭ના બળવાના બીજ રોપ્યા હતા.[૭]
વર્ષ ૨૦૧૫માં મેરઠ નગર નિગમે મેરઠમાં હાપુડ અડ્ડા ક્રોસિંગને શહીદ માતાદીન ચોક નામ આપ્યું હતું.[૮]