મુક્તાબેન પંકજકુમાર ડગલી | |
---|---|
જન્મ | ૨ જુલાઇ ૧૯૬૨ ![]() આંકડીયા નાના (તા. અમરેલી) ![]() |
વ્યવસાય | સામાજિક કાર્યકર, સમાજ સેવક ![]() |
પુરસ્કારો |
મુક્તાબેન પંકજકુમાર ડગલી (જન્મ ૨ જુલાઇ ૧૯૬૨) ગુજરાતના એક સામાજિક કાર્યકર છે. તેઓ અંધ અને વિકલાંગ લોકો માટે કામ કરે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમને ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
મુક્તાબેનનો જન્મ ૨ જુલાઈ ૧૯૬૨ના રોજ ગુજરાતના અમરેલી નજીક નાના આંકડીયા ગામમાં થયો હતો. તેમને સાત વર્ષની ઉંમરે મેનિન્જાઇટિસ થયો હતો અને તેમણે બંને આંખો ગુમાવી દીધી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉદ્યોગશાળા, ભાવનગરમાં થયું હતું. બાદમાં તેમણે અંધ કન્યા પ્રકાશ ગૃહ, અમદાવાદમાં છઠ્ઠાથી દસમા ધોરણ (૧૯૭૮-૧૯૮૩) સુધી અભ્યાસ કર્યો. બાદમાં તેમણે બી.એ. અને બી.એડ. પૂર્ણ કર્યું.[૧][૨] તેમણે ૧૯૮૪માં અમરેલીમાં અંધજન શાળાના આચાર્ય પંકજકુમાર ડગલી સાથે લગ્ન કર્યા હતા.[૨][૩]
તેમણે ૧૨ વર્ષ સુધી અંધજન મંડળ, અમરેલીના માનદ સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે અમરેલીમાં અંધજનો માટે પ્રાથમિક શાળાની સ્થાપના કરી. તેઓ નવચેતન અંધજન મંડળ, ભચાઉના કારોબારી સભ્ય; નવજીવન અંધજન મંડળ, વાંકાનેરના સંયુક્ત સચિવ; વુમન એસોસિએશન ફોર બ્લાઇન્ડ, અમદાવાદના ટ્રસ્ટી અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, સુરેન્દ્રનગરના સેક્રેટરી છે. તેઓ અંધ મહિલાઓ માટે દ્વિ-માસિક બ્રેઇલ સામયિક દીદી પ્રકાશિત કરે છે.[૨]
દંપતીએ ૧૯૯૬માં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ નામની સંસ્થા સ્થાપી છે.[૪]
મુક્તાબેનને તેમના સામાજિક કાર્ય માટે ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૪][૫][૬] તેમને ૨૦૧૫માં ગાંધીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૭][૩] તેમને માતા જીજાબાઇ મહિલા શક્તિ પુરસ્કાર પણ મળેલ છે.[૬]