મૈત્રક સામ્રાજ્ય | ||||||||||
| ||||||||||
રાજધાની | વલ્લભી | |||||||||
ભાષાઓ | સંસ્કૃત | |||||||||
ધર્મ | હિંદુ બૌદ્ધ | |||||||||
સત્તા | રાજાશાહી | |||||||||
મહારાજા | ||||||||||
• | ૪૭૫-૫૦૦ | ભટાર્ક | ||||||||
• | ૭૬૬-૭૭૬ | શિલાદિત્ય ૭મો | ||||||||
ઇતિહાસ | ||||||||||
• | સ્થાપના | ઈ.સ.૪૭૫ | ||||||||
• | અંત | ઈ.સ.૭૭૬ | ||||||||
|
પશ્ચિમ ભારતના ગુજરાતમાં સને.૪૭૫ થી ૭૬૭ સુધી મૈત્રક વંશનું સામ્રાજ્ય હતું. આ વંશનો સ્થાપક સેનાપતિ ભટાર્ક હતો, જે ગુપ્ત સામ્રાજ્ય હેઠળનાં સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો અને તેણે આશરે પાંચમી સદીના છેલ્લા ચતુર્થકાળમાં પોતાને ગુજરાતના સ્વતંત્ર શાસક તરીકે જાહેર કર્યો. જો કે પ્રથમ બે મૈત્રક શાસકો, ભટાર્ક અને ધરસેન પહેલો પોતાના માટે "સેનાપતિ"નું સંબોધન જ વાપરતા હતા. ત્રીજા શાસક દ્રોણસિંહે પોતાને "મહારાજા" ઘોષિત કરેલા.[૧] રાજા ગુહસેને પોતાના પૂર્વજો દ્વારા વપરાતું સંબોધન "પરમભટ્ટાર્ક પદાનુધ્યાતા", જે ગુપ્ત સર્વાધિપતિઓ તરફની વફાદારીની સમાપ્તિનું સૂચક હતું, વાપરવાનું બંધ કરેલું. તેમના પછી તેમનો પુત્ર ધારાસેન બીજો ગાદીએ બેઠો, તેમણે "મહારાજા"નું સંબોધન ધારણ કર્યું. તેમના પછીનો શાસક, તેમનો પુત્ર, શિલાદિત્ય પ્રથમ, ધર્માદિત્યનો ઉલ્લેખ હ્યુ એન સંગ નામક ચીની મુસાફરે "અત્યોત્તમ વહિવટી કુશળતા અને દૂર્લભ માયાળુપણું અને કરુણા ધરાવતા શાસક" તરીકે કર્યો છે. શિલાદિત્ય પ્રથમ પછી તેનો નાનો ભાઈ ખરગ્રહ પહેલો ગાદીએ બેઠો.[૨] ઈ.સ.૬૧૬નું વિરડીનું તામ્રપત્ર પુરવાર કરે છે કે એનું રાજ્ય ઉજ્જૈન સુધી હતું.
પછીના શાસક, ધારાસેન ત્રીજો, ના રાજ્યકાળમાં ઉત્તર ગુજરાત તેના સામ્રાજ્યમાં ભળી ચૂક્યું હતું. ધારાસેન બીજા પછી ખરગ્રહ પહેલાનો અન્ય પુત્ર, ધ્રુવસેન બીજો, બાલાદિત્ય ગાદીએ આવ્યો. તે હર્ષવર્ધનની પુત્રીને પરણ્યો હતો. તેનો પુત્ર ધારાસેન ચોથાએ "પરમભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર ચક્રવર્તી"ની રાજવી પદવી ધારણ કરી હતી. સંસ્કૃત કવિ ભટ્ટી તેના દરબારમાં કવિ હતો. આ રાજવંશનો પછીનો બળવાન શાસક શિલાદિત્ય ત્રીજો હતો. શિલાદિત્ય પાંચમાનાં રાજમાં સંભવતઃ આરબ આક્રાંતાઓએ આ રાજ્ય પર આક્રમણ કરેલું. આ રાજવંશનો છેલ્લો જાણીતો શાસક શિલાદિત્ય સાતમો હતો.[૧][૨]
મૈત્રકો પોતાની રાજધાની વલ્લભીથી શાસન ચલાવતા હતા. સાતમી સદીના મધ્યમાં તેઓ હર્ષના શાસન તળે હતા, પણ સ્થાનિક સ્વાયત્તતા જાળવી રાખી હતી અને હર્ષના અવસાન પછી પોતાની સ્વતંત્રતા પાછી મેળવી હતી. ઈતિહાસકાર જેમ્સ ટોડના મતાનુસાર ઈ.સ. ૫૨૪માં જંગલી (બાર્બેરિયન) આક્રાંતાઓના આક્રમણ હેઠળ વલ્લભીના પતન પછી મૈત્રક શાસનનો અંત આવ્યો[૩] અને અન્ય ઘણાં વિદ્વાનોના મતાનુસાર ૮મી સદીના બીજા કે ત્રીજા ચતુર્થભાગમાં મૈત્રક શાસનનો અંત થયો[૪]. જો કે આ જંગલી આક્રમણખોરો કોણ હતા તે બાબતે વિદ્વાનોમાં કોઈ સહમતિ થતી નથી.
મૈત્રક એ નામ અગાઉ "ઝેન્દ" નામે ઓળખાતી અવેસ્તન ભાષાનો શબ્દ "મિથ્ર" પરથી આવ્યો હોવાનું મનાય છે જે મધ્ય ઈરાનિયન ભાષાઓ (પર્શિયન, પાર્થીયન વ.)માં "મિહ્ર" બન્યો. જેનો અર્થ સૂર્ય કે સૂર્ય (દેવ) થાય છે. જે સંસ્કૃત શબ્દ "મિહિર"નો સમાનાર્થી છે. મૈત્રકો એટલે મિથ્ર, મિહ્ર કે મિહિર પૂજકો,[૫][૬][૭] અર્થાત સૂર્યપૂજકો.[૮][૯][૧૦][૧૧]
તેમના અનુદાનોના તામ્રપત્રોથી તેમના વંશ વિશે વધુ માહિતી મળતી નથી સિવાય કે તેઓ યુદ્ધ કરવાવાળી પ્રજાતિના હતા કે જેમનું વલ્લભીપુર પાટનગર હતું અને સંપ્રદાય શૈવ હતો.[૧૨] એવા પુરાવાઓ છે કે મૈત્રક શાસકો શૈવપંથ તરફ વળ્યા હતા, પણ સાતમી સદીના બીજા ચતુર્થમાં ચીની યાત્રાળુ હ્યુ એન સંગે જ્યારે વલ્લભીની મુલાકાત લીધી ત્યારે તેણે મૈત્રક શાસકો ક્ષત્રિયો હોવાનું નોંધ્યું છે.[૧૨] પાછળથી લખાયેલ મંજુ-શ્રી-મૂળ-કલ્પ તેમને યાદવ ગણાવે છે. જ્યારે પાછળથી ધનેશ્વર વડે લખાયેલ જૈન ગ્રંથ શેત્રુંજય માહાત્મ્ય શિલાદિત્યોને સૂર્યવંશી યાદવો તરીકે નોંધે છે.[૧૩]
વીરજી જણાવે છે કે મૈત્રકો સૂર્યવંશી ક્ષત્રિયો હતા અને તેમનું કદાચ ઉદ્ગમ સ્થળ મિત્ર વંશ હતો કે જેણે એક સમયે મથુરાની આસપાસના વિસ્તારોમાં રાજ કર્યું હતું.[૧૩] વીરજીના આ અવલોકન સાથે બેનર્જી, ડી. શાસ્ત્રી, ભંડારકર જેવા અન્ય વિદ્વાનો સંમત થાય છે.[૧૩]
મૈત્રકો વલ્લભીપુરથી પોતાનું રાજ ચલાવતા હતા.[૧૪] સમ્રાટ હર્ષવર્ધનના સમય દરમિયાન તેઓ ગુપ્ત શાસનની હેઠળ આવ્યા પરંતુ સ્થાનિક સ્વાયત્તા જાળવી રાખી હતી અને હર્ષના મૃત્યુ બાદ તેમણે ફરીથી સ્વતંત્રતા મેળવી લીધી હતી.[૧૫]
જ્યારે ચીની પ્રવાસી ઈ ત્સિંગ સાતમી શતાબ્દીના અંતે વલ્લભીમાં પ્રવાસ માટે આવ્યા હતા ત્યારે તેમણે વલ્લભીને બૌદ્ધ ધર્મ સહિતની વિદ્યાના અભ્યાસ માટેનું કેન્દ્ર ગણી હતી. સાતમી શતાબ્દીમાં ગુણમતિ અને સ્થિરમતિ નામના બે બૌદ્ધ વિદ્વાનો પ્રખ્યાત હતા.[૧૫] વલ્લભી તેની સહૃદયતા અને બ્રાહ્મણકુમારો સમેત રાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ માટે જાણીતું હતું જે અહીં ધર્મ અને ધર્મનિરપેક્ષ વિષયોનાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા હતા. વલ્લભીના સ્નાતકોને ઉચ્ચ વહિવટી પદો પર નિયુક્તી મળતી હતી.