યતીન્દ્રનાથ દાસ | |
---|---|
જન્મની વિગત | કોલકાતા, બ્રિટિશ ભારત | 27 October 1904
મૃત્યુની વિગત | 13 September 1929 લાહોર, બ્રિટિશ ભારત | (ઉંમર 24)
મૃત્યુનું કારણ | ભૂખ હડતાલ |
હુલામણું નામ | જતીન દાસ |
જન્મ સમયનું નામ | যতীন দাস |
વ્યવસાય | સ્વાતંત્ર્ય સેનાની |
યતિન્દ્ર નાથ દાસ (બંગાળી: যতীন্দ্রনাথ দাস) (૨૭ ઑક્ટોબર ૧૯૦૪ - ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯) ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને ક્રાંતિકારી હતા. તેમને જતીન દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાહોરની જેલમાં ૬૩ દિવસની ભૂખ હડતાલ બાદ તેમનું મૃત્યુ થયું હતું.
યતીન્દ્રનાથ દાસનો જન્મ ઈ.સ. ૧૯૦૪ કોલકાતામાં થયો હતો. તેઓ નાની ઉંમરે બંગાળના અનુશીલન સમિતિ નામના ક્રાંતિકારી જૂથમાં જોડાયા હતા. ઈ.સ.૧૯૨૧ ના ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો.[સંદર્ભ આપો] તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા, તેમણે મેટ્રિક અને ઇન્ટરમિડિએટની પરીક્ષા પ્રથમ વિભાગમાં પાસ કરી હતી. તેઓ બંગાળના અનુશીલાન સમિતિ નામના એક ક્રાંતિકારી જૂથમાં જોડાયા અને ૧૯૨૧માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં, માત્ર ૧૭ વર્ષની વયની ઉંમરે ભાગ લીધો હતો. નવેમ્બર ૧૯૨૫માં જ્યારે તેઓ કોલકાતાની બાંગબાસી કૉલેજમાં બી.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમની રાજકીય પ્રવૃત્તિઓમાંના સહભાગ બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી અને તેને મૈમનસિંઘ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ત્યાં નજરકેદ થતાં, તેઓ રાજકીય કેદીઓ પર કરવામાં આવતા દુર્વ્યવહારનો વિરોધ કરવા ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. વીસ દિવસ ઉપવાસ કર્યા બાદ જેલ અધિક્ષકે માફી માંગી અને તેમણે ઉપવાસ છોડી દીધા. ભારતના અન્ય ભાગોમાં ક્રાંતિકારીઓ દ્વારા તેમનો સંપર્ક કર્યો અને ભગત સિંહ અને સાથીઓ માટે બોમ્બ-બનાવવામાં ભાગ લેવા તેઓ સંમત થયા હતા. સચિન્દ્ર નાથ સન્યાલે તેમને બોમ્બ કેવી રીતે બનાવવા તે શીખવ્યું. [૧]
૧૪ જૂન ૧૯૨૯ ના દિવસે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લાહોર કાવતરાના કેસના વધારાના કેસ હેઠળ તેમને લાહોર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.
લાહોર જેલમાં, દાસે યુરોપીય રાજકીય કેદીઓ અને ભારતીય રાજકીય કેદીઓની પ્રત્યે સમાન વર્તણૂકની માંગનુમ્ આંદોલન ચલાવતા અન્ય ક્રાંતિકારી લડવૈયાઓ સાથે ભૂખ હડતાલ શરૂ કરી હતી. જેલોમાં ભારતીય રહેવાસીઓની સ્થિતિ ખેદપૂર્ણ હતી. જેલમાં ભારતીય કેદીઓએ જે ગણવેશ પહેરવા અપાતા હતા તે ઘણા દિવસોથી ધોવાતા નહોતા, અને ઉંદરો અને વાંદાઓ રસોડામાં ફરતા અને ખોરાકને ખાવા માટે અસુરક્ષિત બનાવતા હતા. ભારતીય કેદીઓને વાંચવા માટે અખબારો જેવી કોઈ સામગ્રી કે લખવા માટે કાગળ પૂરા પાડવામાં આવતા ન હતા. એ જ જેલમાં બ્રિટીશ કેદીઓની સ્થિતિ આશ્ચર્યજનક રીતે અલગ હતી.
દાસની ભૂખ હડતાલ ૧૩ જુલાઈ ૧૯૨૯ ના દિવસે શરૂ થઈ હતી અને ૬૩ દિવસ સુધી ચાલી હતી. જેલ સત્તાધીશોએ તેમને અને અન્ય સ્વતંત્રતા કાર્યકરને દબાણપૂર્વક ખવડાવવાનાં પગલાં લીધાં હતાં. આખરે, જેલ સત્તાધીશોએ તેમની બિનશરતી મુક્તિની ભલામણ કરી, પરંતુ સરકારે તે સૂચન નામંજૂર કરી અને તેને જામીન પર મુક્ત કરવાનો પ્રસ્તાવ મુક્યો.
યતીનનું ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ ના રોજ અવસાન થયું.[૨] દુર્ગા ભાભીએ અંતિમ સંસ્કાર યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, જે લાહોરથી ટ્રેન દ્વારા કલકત્તા ગઈ હતી. દાસને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો રેલ્વે સ્ટેશનો પર દોડી ગયા હતા. કલકત્તામાં બે માઇલ લાંબી શોભાયાત્રા શબપેટીને સ્મશાન સુધી લઈ ગઈ. દાસનો શબપટ સુભાષચંદ્ર બોઝે, હાવડા રેલ્વે સ્ટેશન પર મેળવ્યો અને અંતિમ સંસ્કાર યાત્રાને સ્મશાનભૂમિ તરફ દોરી ગયા. જેલમાં જતીન દાસની ભૂખ હડતાલ કેદીઓની ગેરકાયદેસર અટકાયત સામેના વિરોધમાં એક નિર્ણાયક ક્ષણ હતી.
તેમના મૃત્યુ પછી, વાઇસરોયે લંડનને માહિતી આપી હતી કે "ભૂખ હડતાલ પર રહેલા કાવતરાના કેસના શ્રી દાસનું આજે બપોરે ૧ વાગ્યે નિધન થયું હતું. ગઈરાત્રે ભૂખ હડતાલ કરનારા પાંચ લોકોએ તેમની ભૂખ હડતાલ છોડી દીધી હતી. આથી હવે ત્યાં ફક્ત ભગતસિંહ અને દત્ત છે જે ભૂખ હડતાલ પર છે. " [૩]
તેમને દેશના લગભગ દરેક નેતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમની જેલ મૃત્યુના વિરોધમાં મોહમ્મદ આલમ અને ગોપીચંદ ભાર્ગવએ પંજાબ વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. મોતીલાલ નહેરૂએ લાહોર કેદીઓની અમાનવીયતા સામે સેન્સર તરીકે સેન્ટ્રલ એસેમ્બલી મુલતવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૪૭ ની સામે ૫૫ મતથી સેન્સરની દરખાસ્ત કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુએ કહ્યું કે, ભારતીય શહીદોના લાંબી અને ભવ્ય યાદીમાં બીજું નામ જોડવામાં આવ્યું છે. ચાલો આપણે માથું નમાવીએ અને સંઘર્ષને આગળ ધપાવવા માટે શક્તિ માટે પ્રાર્થના કરીએ, પછી તે લડત ગમે તેટલી લાંબી ચાલે, કે પરિણામ જે પણ આવે". સુભાષચંદ્ર બોઝે દાસને 'ભારતનો યુવાન દધીચિ' ગણાવ્યો, જેમણે રાક્ષસની હત્યા કરવા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
ઈ.સ. ૨૦૦૨ માં આવેલી ફિલ્મ ધ લિજેન્ડ ઑફ ભગત સિંઘમાં જતીન દાસનું પાત્ર અમિતાભ ભટ્ટાચારજીએ ભજવ્યું હતું. [૪] અમર શહીદ જતીન દાસ નામની ૩૫ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ ૨૦૦૯ માં રજૂ કરવામાં આવી હતી. [૧]