યોગેન્દ્ર સિંહ યાદવ | |
---|---|
![]() સુબેદાર યાદવ તેમના ગણવેશ પર પરમવીર ચક્ર સાથે | |
જન્મની વિગત | ૧૦ મે ૧૯૮૦ બુલંદશહર, ઉત્તર પ્રદેશ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
ખિતાબ | પરમવીર ચક્ર |
સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ ભારતીય ભૂમિસેનાના સૈનિક અને જુનિયર કમિશન ઓફિસર છે. કારગિલ યુદ્ધ દરમિયાન ૪ જુલાઈ ૧૯૯૯ ના રોજ કાર્યવાહી માટે ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.
યોગેન્દ્ર સિંહ યાદવનો જન્મ બુલન્દ શહેર જિલ્લો, ઉત્તર પ્રદેશમાં થયો હતો.[૧]
ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ ૧૮ ગ્રેનેડિયરની ઘાતક ટુકડીના સભ્ય હતા અને તેમને ૪ જુલાઈ ૧૯૯૯ ના રોજ ટાઈગર હિલ પર ત્રણ બંકરો કબ્જે કરવાનો આદેશ મળ્યો. બંકરો ૧૬,૫૦૦ ફુટની ઉંચાઈ પર બરફાચ્છાદિત શિખરો પર આવેલાં હતા. યાદવ હુમલાનું નેતત્વ કરવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા. તેઓ ચઢાણ ચડી રહ્યા હતા અને વધુ હુમલા માટે દોરડાં ગોઠવી રહ્યા હતા ત્યારે દુશ્મન બંકરમાંથી ગોળીબારની શરૂઆત થઈ અને તેમની ટુકડીના વડા અને અન્ય બે સાથીઓ શહીદ થયા. આ જ સમયે તેમને પેટ અને ખભ્ભાના ભાગે ત્રણ ગોળીઓ વાગી હોવા છતાં તેઓ બાકીનું ૬૦ ફુટનું ચઢાણ ચડી ગયા અને શિખર પર પહોંચી ગયા. સખત રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેઓ પહેલા બંકરમાં પહોંચી ગયા અને ગ્રેનેડ ફેંકી ચાર પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા તથા દુશ્મનનો ગોળીબાર અટકાવી દીધો. તેના કારણે બાકીની ટુકડીને શિખર પર પહોંચવાનો મોકો મળી ગયો.[૨]
યાદવ તેમના બે અન્ય સાથીઓની મદદથી બીજા બંકર તરફ ધસ્યા અને હાથોહાથની લડાઈમાં ચાર પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. બાદમાં ટુકડી ટાઈગર હિલ કબ્જે કરવામાં સફળ રહી. યાદવે દર્શાવેલ સતત વીરતા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.
શરૂઆતમાં યાદવને પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું પરંતુ બાદમાં જાણમાં આવ્યું કે કાર્યવાહી દરમિયાન તેમના નામેરી શહીદ થયા છે તેઓ નહિ અને યાદવ ઇસ્પિતાલમાં સારવાર હેઠળ છે.[૩]
એલઓસી કારગિલ ફિલ્મમાં અભિનેતા મનોજ બાજપાઈ યાદવનું પાત્ર ભજવે છે અને તે ચલચિત્રમાં ટાઈગર હિલની લડાઈ વાર્તાનો એક મુખ્ય ભાગ સ્વરૂપે છે.
પશ્ચિમિ વેબસાઇટોએ પણ યાદવ વિશે લેખ પ્રગટ કરી અને તેમને સન્માનિત કર્યા છે.[૪][૫]