રણજિતરામ વાવાભાઇ મહેતા | |
---|---|
![]() રણજિતરામ મહેતાનું મુખચિત્ર | |
જન્મ | સુરત, ગુજરાત, ભારત | October 25, 1881
મૃત્યુ | June 4, 1917 મુંબઈ | (ઉંમર 35)
વ્યવસાય | સંશોધક, લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | આર્ટ્સ સ્નાતક (B.A.) |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત કોલેજ |
નોંધપાત્ર સર્જનો | રણજિતરામ ગદ્યસંગ્રહ ૧-૨ (૧૯૮૨) |
સંતાનો | અશોક મહેતા |
રણજિતરામ વાવાભાઇ મહેતા (ઓક્ટોબર ૨૫, ૧૮૮૧ - જૂન ૪ ૧૯૧૭) જાણીતા ગુજરાતી લેખક હતા. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણ ચંદ્રક તેમના માનમાં ગુજરાતી સાહિત્યકારોને અપાય છે.
તેમનો જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૮૮૧ના રોજ સુરત ખાતે થયેલો. તેમનાં પિતા વાવાભાઈ અમદાવાદ મ્યુનસિપલ કમિટિમાં મુખ્ય ઈજનેર પદે હતા, આથી તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ થયું.[૧] સને. ૧૯૦૩માં તેમણે ગુજરાત કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની ઉપાધી મેળવી અને ત્યાં જ આઠ માસ સુધી સંશોધક તરીકે કાર્ય કર્યું. સને. ૧૯૦૬ થી ૧૯૧૭ દરમિયાન તેઓએ પ્રો. ગજ્જર અને ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીનાં અંગત મદદનિશ તરીકે કાર્ય કર્યું. સને. ૧૯૦૫માં તેઓએ ઉમરેઠ ખાતે ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્ય તરીકે પણ સેવા આપી.[૨][૩]
સને. ૧૯૦૪માં તેઓએ ગુજરાતી સાહિત્ય સભા (જે આમ તો ૧૮૯૮માં તેમના દ્વારા સ્થપાયેલ "સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન"નું ફેરનામકરણ છે) અને ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી.[૪][૫]
૪ જૂન, ૧૯૧૭ના રોજ, મુંબઈના જુહુના સમુદ્રકાંઠે, સમુદ્રમાં ડુબી જવાથી તેમનું અવસાન થયું. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો સર્વોચ્ચ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, તેમનાં નામે અપાય છે.[૩][૬]
તેમના પુત્ર, અશોક મહેતા (૧૯૧૧-૧૯૮૪), ભારતનાં સ્વતંત્ર સેવાભાવી કર્મશીલ અને સમાજવાદી રાજનેતા હતા.[૧][૭][૮]
તેમણે સાહિત્યના વિવિધ પ્રકારોનું ખેડાણ કરેલું હતું, જેમ કે, નવલકથા, નિબંધ, નાટક અને ટુંકી વાર્તાઓ. તેમની રચનાઓનો સંગ્રહ, "રણજિતકૃતિ સંગ્રહ", તેમનાં અવસાન પછી સને ૧૯૨૧માં કનૈયાલાલ મુનશીએ પ્રગટ કર્યો હતો. તેમનાં નિબંધોનો સંગ્રહ, "રણજિતરામના નિબંધો", પણ તેમનાં અવસાન પછી સને ૧૯૨૩માં પ્રકાશિત થયો હતો. સને ૧૯૮૨માં, તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં સંપૂર્ણ કાર્યો, રચનાઓનો સંગ્રહ, "રણજિતરામ ગદ્યસંચય ૧-૨", પ્રકાશિત કરાયા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા "રણજિતરામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય" નામક ગ્રંથ પ્રગટ કરાયો છે.[૬] તેમની "એહમદ રૂપાંદે" (૧૯૦૮) નામની રચના એક હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરા વચ્ચેની પ્રેમકથા છે.[૯] તેમણે એકઠાં કરેલાં ૧૩૪ જેટલાં લોકગીતોના સંગ્રહનું ઈ.સ.૧૯૨૨માં "લોકગીતો" નામથી પ્રકાશન થયું. સને ૧૯૦૫માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રગટ કરેલા એક સંશોધન પત્ર દ્વારા ગુજરાતી લોકરચનાઓ માટે "લોકગીત" અને "લોકકથા" એવા બે નવા શબ્દો આપ્યા હતા.[૧૦] ગુજરાતની અસ્મિતા શબ્દસમૂહની રચનાનું શ્રેય પણ રણજીતરામ મહેતા ને ફાળે જાય છે.[૧૧]
ગુજરાતી લોકસાહિત્યનાં પ્રારંભિક સંશોધકોમાં રણજિતરામ એક મહત્વના સંશોધક હતા. ઝવેરચંદ મેઘાણીનાં તેઓ પુરોગામી હતા. તેઓ સંસ્કારી, ઉત્સાહી, પ્રવૃતિશીલ અને ભાવનાસભર વ્યક્તિત્વ ધરાવતા હતા. રણજિતરામ પહેલાં પણ ગુજરાતીમાં લોકસાહિત્યનાં ક્ષેત્રમાં ઠીક ઠીક સંશોધન કાર્ય થયું હતું પણ સને ૧૯૦૫ આસપાસ એ લગભગ ઠપ્પ જેવું થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૦૫માં, અમદાવાદ ખાતે, ગોવર્ધનરામ ત્રિપાઠીનાં અધ્યક્ષપદે, ગુજરાતી સાહિત્ય પરિષદનું સૌપ્રથમ અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં જ રણજિતરામે સૌ પ્રથમ વખત, પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે "લોકકથા" અને "લોકગીતો" જેવા શબ્દપ્રયોગ કર્યા હતા. સંશોધકોના મતે આ "લોકકથા" અને "લોકગીત" શબ્દ વાપરવાનો વિચાર રણજિતરામને અંગ્રેજી સાહિત્યના "ફોકટેલ", "ફોકસોંગ" વગેરે શબ્દો પરથી આવ્યો હોઈ શકે.[૧૨] સાહિત્યનાં આ વિભાગ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું સૌપ્રથમ વખત ધ્યાન ખેંચનાર તરીકેનું માન રણજિતરામને મળે છે. તેઓ લોકગીતોનાં સંશોધક અને સંપાદક હતા. તેમણે ઘણાં બધા લોકગીતો એકઠા કર્યા હતા. ઉમરેઠમાં તેમના નિવાસ દરમિયાનનો સમય આ વિસ્તારમાં દુષ્કાળનો સમય હતો અને ઘણાં ગ્રામજનો ગુજરાન અર્થે નગરોમાં આવતા. આવા ગ્રામજનોને રણજિતરામનાં ધર્મપત્ની ભોજન વગેરેનો પ્રબંધ કરી આપતા અને તેમની પાસે ગીતો ગવડાવી તે નોંધી લેતા. આવા ગીતોની આશરે ૨૫-૩૦ નોટબૂકો ભરાઈ હતી. જેમાંથી જ ચૂનીલાલ શેલતે ૧૩૪ ગીતો અલગ તારવ્યા અને પછીથી તેનું "લોકગીતો" નામે પ્રકાશન થયેલું.[૧૨]
તો વળી રણજિતરામની રચનાઓનાં સ્ત્રી પાત્રો તો એના સમયના પ્રમાણમાં એટલાં આધુનિક હતાં કે કનૈયાલાલ મુનશીએ એ વિશે કહેલું કે, "સેના અને ભાસ્વતી (સ્ત્રી પાત્રો) હાલની ગુજરાતણો નથી જ; ભાવી ગુજરાતી સંસારની પણ નથી લાગતી; લગભગ કેમ્બ્રિજ કે ઓક્સફર્ડમાંથી ઊતરી આવેલી છે."[૧૩]
|volume=
has extra text (મદદ)