રાજધાની એક્ષપ્રેસ ભારતીય રેલની એક પેસેન્જર સેવા છે, કે જે ભારત દેશની રાજધાની દિલ્હીને દેશના વિભિન્ન રાજ્યોનાં પાટનગરો સાથે રેલ્વે માર્ગ દ્વારા જોડે છે.
સૌથી પહેલાં રાજધાની એક્ષપ્રેસની શરુઆત ૧૯૬૯ના વર્ષમાં અત્યંત ઝડપથી દોડતી રેલ ગાડી સેવાના રુપે કરવામાં આવી હતી. આ રેલગાડીની ઝડપ સામાન્ય રેલગાડી (૭૦ કિ.મી. પ્રતિ કલાક)ની સરખામણીમાં બમણી (૧૪૦ કિ.મી. પ્રતિ કલાક) રાખવામાં આવી હતી.
આ રેલગાડીઓને ભારતીય રેલ સેવામાં ઉચ્ચ કક્ષાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ રેલગાડીઓ સંપૂર્ણપણે વાતાનુકુલિત હોય છે. આ રેલગાડીઓમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે સૂવાની જગ્યાની સાથે જમવાનું પણ આપવામાં આવે છે જેનો ખર્ચ ટિકિટભાડામાં જ શામેલ હોય છે. સામાન્ય રીતે આ બધી રેલગાડીઓમાં ત્રણ શ્રેણીઓ હોય છે - પ્રથમ શ્રેણી વાતા. જેમાં બે થી ચાર સૂવાની જગ્યાઓ એક કુપેમાં હોય છે અને કુપેને અંદરથી બંધ કરી શકાય છે. - દ્વિતીય શ્રેણી વાતા. જેમાં બંને બાજુ બે બે સૂવાની જગ્યાઓ(બર્થ) હોય છે અને દરેક પથારી માટે અંગતતા જળવાય એટલા માટે પડદાઓ લગાવવામાં આવે છે. - તૃતીય શ્રેણી વાતા. જેમાં બંને બાજુ ત્રણ ત્રણ સૂવાની જગ્યાઓ હોય છે અને એમાં પડદાઓ નથી હોતા.
હાલમાં સમયમાં લગભગ ૧૫ જેટલી રાજધાની એક્ષપ્રેસ દોડાવવામાં આવે છે, જે નવી દિલ્હીને અમદાવાદ, બેંગલોર, ભુવનેશ્વર, બિલાસપુર, ચેન્નઈ, ગૌહત્તી/દિબ્રુગઢ, રાંચી, કોલકાતા, જમ્મુ, મુંબઇ, પટણા, સિકંદરાબાદ તથા તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ) સાથે જોડે છે.