રાણી દુર્ગાવતી | |
---|---|
![]() રાણી દુર્ગાવતીનું એક ચિત્ર | |
ગોંડવાના મહારાણી | |
પુરોગામી | દલપત શાહ |
અનુગામી | વીર નારાયણ |
જન્મ | કાલિંજર કિલ્લો | October 5, 1524
મૃત્યુ | 24 June 1564 નરાઈ નાલા, જબલપુર, મધ્ય પ્રદેશ | (ઉંમર 39)
જીવનસાથી | દલપત શાહ |
વંશજ | વીર નારાયણ |
પિતા | કિરાત રાય |
ધર્મ | હિંદુ[૧] |
રાણી દુર્ગાવતી (૫ ઓક્ટોબર ૧૫૨૪ – ૨૪ જૂન ૧૫૬૪) ગોંડવાનાના રાણી હતા. ગોંડવાનાના રાજા સંગ્રામ શાહના પુત્ર રાજા દલપત શાહ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમણે ૧૫૫૦થી ૧૫૬૪ સુધી તેમના પુત્ર વીર નારાયણનીના વાલી તરીકે ગોંડવાનાના વહીવટકર્તા તરીકે સેવા આપી હતી. મુઘલ સામ્રાજ્ય સામે ગોંડવાનાના રક્ષણ માટે તેણીને મુખ્યત્વે યાદ કરવામાં આવે છે.
દુર્ગાવતીનો જન્મ ૫ ઓક્ટોબર ૧૫૨૪ ના રોજ કાલિંજરના કિલ્લામાં થયો હતો. તેમનો જન્મ મહોબા રાજ્ય પર શાસન કરનારા ચંદેલા રજપૂત રાજા શાલિવાહનના પરિવારમાં થયો હતો.[૨]
૧૫૪૨માં તેમણે રાજગૌંડ સામ્રાજ્યના રાજા સંગ્રામ શાહના સૌથી મોટા પુત્ર દલપત શાહ સાથે લગ્ન કર્યા.[૩][૨] મહોબાના ચંદેલા અને ગૌંડ-મંડલા વંશના રાજગૌંડ આ લગ્ન દ્વારા મિત્ર બન્યા.[૪]
રાજા દલપત શાહનું ઈ.સ. ૧૫૫૦માં અવસાન થયું હતું જ્યારે તેમના ઉત્તરાધિકારી રાજકુમાર વીર નારાયણ માત્ર ૫ વર્ષના હતા. તેમના પત્ની, રાણી દુર્ગાવતીએ નવા રાજાની અલ્પાવધિ દરમિયાન ગોંડવાના શાસક તરીકે રાજ્યની ધૂરા સંભાળવા માટે તૈયાર થયા. દિવાન આધાર કાયસ્થ અને મંત્રી માન ઠાકુરે રાણીને વહીવટની સફળતાપૂર્વક અને અસરકારક રીતે દેખરેખ રાખવામાં મદદ કરી. રાણી દુર્ગાવતીએ પોતાના સમગ્ર રાજ્યમાં શાંતિ, વેપાર અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.[૫]
રાણી દુર્ગાવતીએ તેની રાજધાની સિંગરગઢ કિલ્લાથી ચૌરાગઢ કિલ્લામાં ખસેડી હતી. તે સાતપુડા પર્વતમાળા પર વ્યૂહાત્મક રીતે મહત્વનો કિલ્લો હતો.[૨]
શેર શાહ સુરીના મૃત્યુ બાદ શુજા ખાને માળવા પર કબ્જો જમાવ્યો અને ૧૫૫૬માં તેના પછી તેનો પુત્ર બાઝ બહાદુર આવ્યો.[૬] રાજગાદી પર બિરાજમાન થયા બાદ, બાઝે રાણી દુર્ગાવતીના ગોંડવાના પર આક્રમણ કર્યું હતું, પરંતુ આ આક્રમણને ભારે નુકસાન થયું હતું.[૭]
૧૫૬૨માં અકબરે માળવાના શાસક બાઝ બહાદુર પર વિજય મેળવી માળવા પર મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું. પરિણામે, રાણીના રાજ્યની સીમા મુઘલ સામ્રાજ્યને સ્પર્શી ગઈ. રાણીના સમકાલીન મુઘલ સેનાપતિ, ખ્વાજા અબ્દુલ મજીદ અસફ ખાન હતા, જેમણે રેવાના રાજા રામચંદ્ર સિંહને હરાવ્યા હતા. તેણે રાણી દુર્ગાવતી અને ગોંડવાનાની સંપત્તિ મેળવવાની ઇચ્છા કરી. મુઘલ બાદશાહ અકબરની પરવાનગી મેળવ્યા બાદ તેણે રાણીના સામ્રાજ્ય પર મુઘલ આક્રમણનું નેતૃત્વ કર્યું હતું.[૮]
જ્યારે રાણીએ મુઘલ સેનાપતિ અસફ ખાનના આક્રમણ વિશે સાંભળ્યું ત્યારે તેમણે પોતાની તમામ શક્તિ સાથે પોતાના રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું, જો કે તેમના દિવાન, બિયોહર અધર સિમ્હાએ (આધાર કાયસ્થ)[૯] આક્રમણકારી મુઘલ દળોની તાકાત વિશે ચેતવણી આપી હતી. રાણીએ જણાવ્યું કે શરમજનક જીવન જીવવા કરતાં આદરપૂર્વક મરવું વધુ સારું છે.[૮]
રક્ષણાત્મક લડાઈ લડવા માટે તે નરાઈ તરફ ગઈ, જે એક તરફ ડુંગરાળ પર્વતમાળા અને બીજી તરફ ગૌર અને નર્મદા એમ બે નદીઓની વચ્ચે આવેલું છે. આક્રમણકારી મુઘલ પક્ષે પ્રશિક્ષિત સૈનિકો અને આધુનિક શસ્ત્રો સાથેની આ લડાઈ એક અસમાન યુદ્ધ હતું કારણ કે રાણી દુર્ગાવતી પક્ષે જૂનાં શસ્ત્રો સાથે કેટલાક અપ્રશિક્ષિત સૈનિકો હતા. તેમના ફૌજદાર, અર્જુન દાસ યુદ્ધમાં માર્યા ગયા હતા. ત્યારબાદ રાણીએ પોતેજ બચાવ અને રક્ષણ કાર્યનું નેતૃત્વ કરવાનું નક્કી કર્યું. જેવું દુશ્મન સૈન્ય ખીણમાં પ્રવેશ્યું, રાણીના સૈનિકોએ તેમના પર હુમલો કર્યો. બંને પક્ષોએ જાનહાનિ થઈ પરંતુ રાણીના પક્ષે વધુ નુકસાન ઉઠાવ્યું.[૧૦]
રાણીના રાજ્યક્ષેત્રો ખૂબ જ સમવાયી હતાં, સરેરાશ બિન-આદિજાતિ રાજ્ય કરતાં વધારે વિકેન્દ્રિત હતાં. ત્યાં કિલ્લાઓ હતા, જે વહીવટી એકમો હતા અને તેમના પર કાં તો સીધા રાજા દ્વારા અથવા ગૌણ સામંતશાહી શાસકો (જાગીરદારો) અને કનિષ્ઠ રાજાઓ દ્વારા અંકુશિત કરવામાં આવતા હતા. લગભગ અડધા ગામો સામંતશાહી માલિકોના હાથમાં હતા. આ સ્થાનિક રાજાઓએ સૈનિકોની ભરતી કરી અને મોટા ભાગનું યોગદાન આપ્યું, અને યુદ્ધના સમયમાં તેમના સાર્વભૌમ માટે શસ્ત્રોનું યોગદાન પણ આપ્યું. આ સૈનિકોની ભરતીનાં ધોરણો, તાલીમ અને સાધનો એકસરખાં નહોતાં, અને ઘણી વાર તેઓ હલકી ગુણવત્તા ધરાવતાં હતાં. ઉપરાંત, યુદ્ધ દરમિયાન સામંતશાહી શાસકોએ સૈન્યના કેટલાક ભાગો પર ઘણો પ્રભાવ રાખ્યો હતો. આ વિકેન્દ્રિત માળખાએ આક્રમણકારી મુઘલો સામેના યુદ્ધ દરમિયાન ગેરલાભો સર્જ્યા હતા.[૧૧]
આ તબક્કે રાણીએ પોતાના સલાહકારો સાથે મળીને પોતાની વ્યુહરચનાની સમીક્ષા કરી હતી. તે રાત્રે આક્રમણકારી મુઘલ દળો પર ગેરીલા હુમલાઓ ચાલુ રાખવા માંગતી હતી, પરંતુ તેના સરદારોએ તેને નિરાશ કરી અને આગ્રહ કર્યો કે તેણે રાત્રિના પ્રકાશમાં ખુલ્લી લડાઇમાં આક્રમણકારી દળોનો સામનો કરવો જોઇએ, પણ બીજે દિવસે સવાર સુધીમાં તો મોગલ સેનાપતિ અસફખાને મોટી તોપો બોલાવી લીધી. રાણી તેના હાથી સરમન પર સવારી કરી યુદ્ધના મેદાને આવી. તેના પુત્ર રાજકુમાર વીર નારાયણે પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. તેણે આક્રમણકારી મુઘલ સેનાને ત્રણ વખત પાછળ ખસી જવાની ફરજ પાડી હતી, પરંતુ આખરે, તે ઘાયલ થઈ ગયો હતો અને તેને સલામત સ્થળે ખસી જવું થવું પડ્યું હતું. યુદ્ધ દરમિયાન, રાણી પણ તીર વડે તેના કાન પાસે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. બીજું તીર તેની ગરદનને વીંધી ગયું અને તે બેભાન થઈ ગઈ. ભાનમાં આવ્યા પછી તેને લાગ્યું કે પરાજય નિકટવર્તી છે. તેના મહાવતે તેને યુદ્ધનું મેદાન છોડવાની સલાહ આપી પરંતુ તેણીએ ના પાડી અને પોતાનું ખંજર કાઢ્યું અને ૨૪ જૂન ૧૫૬૪ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેમનો શહાદત દિવસ (૨૪ જૂન ૧૫૬૪) "બલિદાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.[૧૦]
જબલપુરનો મદન મહેલ કિલ્લો રાણી દુર્ગાવતી અને તેમના પુત્ર રાજકુમાર વીર નારાયણ સાથેના જોડાણ માટે પ્રખ્યાત છે.
૧૯૮૩માં મધ્ય પ્રદેશ સરકારે તેમની યાદમાં જબલપુર યુનિવર્સિટીનું નામ બદલીને રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય રાખ્યું હતું.
ભારત સરકારે ૨૪ જૂન, ૧૯૮૮ના રોજ તેમની મૃત્યુજયંતિ પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૧૨]
જબલપુર જંકશન અને જમ્મુતાવી વચ્ચેની ટ્રેનને તેમના માનમાં દુર્ગાવતી એક્સપ્રેસ (૧૧૪૪૯/૧૧૪૫૦) નામ આપવામાં આવ્યું હતું.
ભારતીય તટરક્ષક દળે ૧૪ જુલાઈ, ૨૦૧૮ના રોજ ત્રીજું ઇન્શોર પેટ્રોલ વેસલ (આઇપીવી) આઈસીજીએસ રાણી દુર્ગાવતી શરૂ કર્યું હતું.[૧૩]
According to Abu Fazl however, Durgavati husband, Dalpat Shah was the son of a Kachavaha Rajput, who had been adopted by the raja of Gadha Mandla