રૂપાબાઈ ફરદૂનજી | |
---|---|
રૂપા બાઈ ફિરદૂનજી સર થોમસ લોડર બ્રન્ટન સાથે તેમની ડાબી બાજુમાં. | |
જન્મની વિગત | |
મૃત્યુ | |
વ્યવસાય | નિશ્ચેતક (એનેસ્થેટિસ્ટ) |
રૂપાબાઈ ફરદૂનજી વિશ્વના પ્રથમ મહિલા નિશ્ચેતક (એનેસ્થેટિસ્ટ) હતા. તેઓ પારસી પરિવારમાં જન્મેલા હતા. તેમણે હૈદરાબાદમાં ચિકિત્સાનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં નિશ્ચેતક (એનેસ્થેટિક) તરીકે ક્લોરોફોર્મનો ઉપયોગ રજૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
૧૮૮૫માં, ફરદૂનજીએ તેમનો અભ્યાસ શરૂ કર્યો અને હૈદરાબાદ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારી પાંચ મહિલાઓ પૈકી એક હતા.[૧] ૧૮૮૯માં તેમણે મેડિકલ ડોક્ટરની સમકક્ષ હકીમની પદવી મેળવી હતી. ત્યારબાદ, તેમણે બાલ્ટીમોરની જ્હોન્સ હોપકિન્સ હોસ્પિટલમાંથી તબીબી ડિગ્રી મેળવી.[૨][૧][૩] ૧૯૦૯માં એની બેસેન્ટના પ્રોત્સાહનથી તેઓ એનેસ્થેટિક્સમાં વધુ અનુભવ અને જ્ઞાન મેળવવા માટે એડિનબર્ગ, સ્કોટલેન્ડ ગયા. અહીં એનેસ્થેટિક વિષય પર કોઈ વિશેષ અભ્યાસક્રમ ન હોવાથી તેમણે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યા હતા.[૧] ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વિષયોનું જ્ઞાન એનેસ્થેટિક્સ સંભાળનારા ડોક્ટરો માટે ઉપયોગી હોવાથી તેમણે આ વિષયો પર પસંદગી ઉતારી હતી.[૧]
ફરદૂનજી અનુક્રમે ૧૮૮૮ અને ૧૮૯૧માં યોજાયેલા પ્રથમ અને દ્વિતીય હૈદરાબાદ ક્લોરોફોર્મ કમિશનમાં પ્રભાવશાળી પ્રવક્તા રહ્યા હતા. ૧૮૮૯–૧૯૧૭ દરમિયાન તેમણે બ્રિટિશ રેસિડેન્સી હોસ્પિટલ (વર્તમાન સુલતાન બજાર હોસ્પિટલ), અફઝલગુન્ઝ હોસ્પિટલ (વર્તમાન ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ) અને વિક્ટોરિયા ઝેનાના મેટરનિટી હોસ્પિટલ, હૈદરાબાદમાં એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું. ૧૯૨૦માં તેઓ હૈદરાબાદની ચાદરઘાટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા હતા.[૪][૧]