રોડા મંદિર સમૂહ | |
---|---|
![]() | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | સાબરકાંઠા જિલ્લો |
દેવી-દેવતા | શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને નવગ્રહ |
સ્થાન | |
સ્થાન | રોડા |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°39′32.4″N 73°04′58.9″E / 23.659000°N 73.083028°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ |
પૂર્ણ તારીખ | ૮મી સદી |
મંદિરો | ૭ |
ખેડ-રોડા સ્મારક સમૂહ અથવા રોડાના મંદિરો ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ સમયમાં ૮મી-૯મી સદી દરમિયાન બાંધવામાં આવેલા સાત હિંદુ મંદિરોનો સમાવેશ કરે છે. તેમાં એક કુંડ અને વાવ પણ છે. તે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા (રોડા) અને ખેડ-ચાંદરણી ગામોની વચ્ચે હિંમતનગરથી ૧૮ કિમીના અંતરે આવેલા છે.[૧] આ સ્મારકો હાથમતી નદીમાં ભળી જતા એક મોસમી પ્રવાહના કાંઠે આવેલા છે.
રોડા શબ્દનો અર્થ ગુજરાતીમાં ઈંટના ટુકડાઓ થાય છે. આ સ્થળનું નામ તેના ખંડેરો તેમજ તેની નજીકના ગામ પરથી ઉતરી આવ્યું છે.[૨][૩] ખેડ ચાંદરણી નજીકનું ગામ છે.
આ સ્થળની શરૂઆતી પુરાતત્વીદોને જાણ નહોતી. તેનો અભ્યાસ ૧૯૨૬માં પી. એ. ઇનામદાર અને ત્યારબાદ યુ.પી. શાહ અને એમ. એ. ઢાંકીએ ૧૯૬૦ના દાયકામાં કર્યો હતો. ઢાંકીએ આ સ્મારકોને સોલંકી શૈલીના મંદિર સ્થાપત્ય શૈલીના પ્રપિતામહ ગણાવ્યા હતા, જે મારુ-ગુર્જર તરીકે ઓળખાતા હતા.[૪]
આ સ્થળ પર છ મંદિરો છે અને સાતમા મંદિરનો પુરાવો હાજર છે. આ બધાં જ મંદિરો પૂર્વ દિશામાં મુખ ધરાવે છે.
પ્રથમ બે મંદિરો જે માર્ગની બાજુમાં આવેલા છે તેમાંનું પ્રથમ શિવને સમર્પિત છે (ક્રમાંક ૧) અને પક્ષી મંદિર (ક્રમાંક ૨) કોઇ મૂર્તિઓ ધરાવતું નથી પણ તેમાં પક્ષીઓની કોતરણી છે, જેથી પક્ષી મંદિર કહેવાય છે. ક્રમાંક ૨ મંદિર બધાં મંદિરોમાં સૌથી નાનું છે. ૫૦૦ મીટરના અંતરે મોટો ચોરસ આકારનો લાડુશાહ કુંડ આવેલો છે, જે તેના ચારેય ખૂણે કોતરણીઓ અને નાનાં મંદિરો ધરાવે છે. આમાંથી બે મંદિરો (ક્માંક ૩ અને ૫) અનુક્રમે શિવ અને વિષ્ણુના છે અને ત્રીજા મંદિરનો પાયો (ક્રમાંક ૪) આ બેની વચ્ચે છે. અન્ય બે મંદિરો દેવીઓ અને સૂર્યને સમર્પિત છે. વહેણની સામી બાજુએ અન્ય એક ધાર્મિક સ્થળ આવેલું છે જે દરવાજા પર નવગ્રહ ધરાવે છે અને નવગ્રહ મંદિર (ક્રમાંક ૬) તરીકે ઓળખાય છે. તેનાંથી કેટલાક અંતરે ખંડિત મંદિર આવેલું છે (ક્રમાંક ૭) જે સમગ્ર સમૂહોમાં સૌથી મોટું છે. મંદિર ક્રમાંક ૭ની નજીક પથ્થરના પગથિયાઓ આવેલા છે, જે નદી તરફ દોરી જાય છે પણ તે સારી સ્થિતિમાં નથી. તેમાં ગણેશની મૂર્તિ છે, જેથી તે ગણેશ મંદિર અથવા શિવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરો ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામ્યા હતા પરંતુ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ મંદિરોના બાંધકામમાં સિમેન્ટ જેવો કોઇ પદાર્થ વપરાયો નથી અને મંદિરોનો પાયો તેના વજન પર ટકી રહ્યો છે.[૫]
સ્થળ પરથી મળેલી મૂર્તિઓ હવે વડોદરાના બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં રાખવામાં આવી છે. આ મૂર્તિઓ વિવિધ હિંદુ દેવી-દેવતાઓની છે. તેમાં એક સૂર્ય દેવની મૂર્તિ પણ છે.
નાગરાણી વાવ નજીકમાં આવેલા ખેડ ચાંદરણી ગામના પાદરે આવેલી છે.
આ મંદિરો મહા-ગુર્જર પરંપરાની આનર્ત શાખામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
મંદિર ક્રમાંક ૧ નિરંધારા સ્થાનક છે જે દ્વિ-અંગ રચના ધરાવે છે. તેની મુખ પૂર્વ દિશામાં આવેલું છે. મંદિરનો મંડપ ચાર સ્તંભો સાથે પ્રાગ-ગ્રિવા શૈલીનો છે. ગર્ભગૃહ ચોરસ છે. પાયો પટ્ટીઓ અને ભીંત ધરાવે છે. પાયા પર પ્રદક્ષિણા માટેની જગ્યા છે. મંદિરની બાહ્ય દિવાલો કોઇ શણગાર ધરાવતી નથી. મંડપની ઉપર ફાંસન પ્રકારની છત છે અને મુખ્ય ભાગ પર જાડી જાળી જેવી કોતરણી છે.[૬] તેની ઉપર વિશાળ અમાલક છે. મંદિર ક્રમાંક ૨ પર ફાંસન પ્રકારની છત છે, જે સામાન્ય પ્રકારની નથી. મંદિર ક્રમાંક ૩ લગભગ મંદિર ક્રમાંક ૧ જેવું છે, પરંતુ તે ત્રિ-અંગ રચના ધરાવે છે. મંદિર ક્રમાંક ૪માં પરસાળ સાથેનું ગર્ભગૃહ છે, જ્યારે અન્ય મંદિર પ્રાગ-ગ્રિવા ધરાવે છે. ક્રમાંક ૭ સિવાય બધાં મંદિરોના સ્તંભો રુચકા પ્રકારના છે અને ઉપરના ભાગે કોતરણીઓ ધરાવે છે. છત મોટાભાગે સપાટ અને ફૂલ તેમજ અન્ય ભૌમિતિક આકારોની કોતરણીઓ ધરાવે છે. આ મંદિરોમાં ઝીણવટભરી કોતરણીઓ માત્ર દરવાજાઓ પર અને પરસાળના સ્તંભોમાં જ છે. પાયાની કોતરણી ઓછી અને મોટી છે. નરસિંહ, ત્રિવિક્રમ અને વરાહની મૂર્તિઓ વિષ્ણુ મંદિરમાં આવેલી છે. નદીના વળાંક આગળ શિવ મંદિર (ક્રમાંક ૭) આવેલું છે. જ્યારે વિષ્ણુ મંદિર ક્રમાંક ૮ છે. તેમાં દરવાજો શણગારેલો છે, પરંતુ વિસ્તૃત રીતે કોતરણી થયેલી નથી.
કુંડ ઉત્તર બાજુએથી નુકશાન પામ્યો છે. અહીં નાનાં પ્રાંગણ સાથે ચાર દેવસ્થાનો કુંડના ચાર ખૂણે આવેલા છે. તે સપ્તમાતૃકા, વિષ્ણુ, ગણેશ અને દેવીઓને સમર્પિત છે.[૭][૮]
આ મંદિરો ૮મી થી ૯મી સદીના (મૈત્રકકાળ પછીના) છે. મંદિરની શૈલી અને અન્ય મંદિરો જોડેની સમાનતા પરથી, તે ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટોના શાસન સમયે બે સદીના સમયગાળા દરમિયાન બંધાયા હશે. અહીંથી મળેલી શિવ-પાર્વતીની પ્રતિમા (હવે વડોદરાના સંગ્રહાલયમાં) પર સંવત ૧૧૦૪ (ઇ.સ. ૧૦૪૮)ના વર્ષનું લખાણ છે. તેથી એવું માનવામાં આવે છે કે આ સ્થળનું બાંધકામ બે સદીઓ સુધી ચાલ્યું હતું. નાગરાણી વાવ પર સંવત ૧૪૭૪ (ઇ.સ. ૧૪૧૮)નું લખાણ છે.[૯]
આ સ્થળ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-176) છે અને વડોદરા વર્તુળના ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે.[૧૦] નજીકની નાગરાણી વાવ રાજય રક્ષિત સ્મારક (S-GJ-361) છે અને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સચવાય છે.
મંદિર ક્રમાંક | નામ | સ્થાન |
---|---|---|
લાડુશાહ કુંડ | 23°39′33″N 73°04′59″E / 23.659032°N 73.083052°E | |
ક્રમાંક ૧ | શિવ મંદિર | 23°39′36″N 73°04′47″E / 23.659959°N 73.079749°E |
ક્રમાંક ૨ | પક્ષી મંદિર | 23°39′36″N 73°04′47″E / 23.660060°N 73.0798291°E |
ક્રમાંક ૩ | શિવ મંદિર | 23°39′32″N 73°04′58″E / 23.658944°N 73.0828719°E |
ક્રમાંક ૪ | મંદિરના પાયાઓ માત્ર | 23°39′32″N 73°04′58″E / 23.659008°N 73.082854°E |
ક્રમાંક ૫ | વિષ્ણુ મંદિર | 23°39′33″N 73°04′58″E / 23.659052°N 73.082860°E |
ક્રમાંક ૬ | નવગ્રહ મંદિર | 23°39′30″N 73°04′59″E / 23.65826°N 73.08302°E |
ક્રમાંક ૭ | ગણેશ/શિવ મંદિર | 23°39′25″N 73°04′56″E / 23.65705°N 73.08212°E |
નાગરાણી વાવ | 23°39′51″N 73°05′47″E / 23.664303°N 73.096359°E |
|archive-date=
(મદદ)